અમિત ચાવડાએ જનતા રેડ કરીને ખાતર કૌભાંડ પકડી પાડ્યું

ગુજરાત રાજ્યની ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં મગફળી કૌભાંડ, તુવેર દાળ કૌભાંડ જેવા અનેક કૌભાંડો બાદ હવે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સત્તાધારીઓની મિલીભગતથી ગુજરાતના કાળી મહેનત કરીને દેવામાં ડૂબેલા ગરીબ અને ભોળા ખેડૂતોને છેતરીને ખાતરની થેલીમાં ઓછા વજનનું ખાતર આપવામાં આવે છે. જગતના તાત ખેડૂત ભાઈઓને હેરાન કરવામાં ક્યાયથી પણ બાકી ના રાખનારી ભાજપ સરકારના રાજમાં હવે આ હદે છેતરવામાં આવી રહ્યા છે ત્યારે તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા દ્વારા ગાંધીનગર જિલ્લાના ચિલોડા ખાતે જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ બાદ ગાંધીનગર જીલ્લામાં ચિલોડા ખાતે સ્થળ તપાસ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ બેગનું વજન ચકાસવામાં આવ્યું, એક બેગમાંથી પાંચસો ગ્રામ ઓછું, બીજી બેગમાંથી સાડા ત્રણસો ગ્રામ ઓછું અને ત્રીજી બેગમાંથી ત્રણસો ગ્રામ ઓછું નિકળ્યું. એક ડીએપીના એક કિલોના 28 રૂપિયા લેખે ગણીએ તો પાંચસો ગ્રામ ઓછું નિકળે એટલે તેનો મતલબ એક બેગે ૧૪ રૂપિયાનો કૌભાંડ થઇ રહ્યું છે. ભાજપ સરકારના ભ્રષ્ટાચારો એક પછી એક જનતા સમક્ષ બહાર આવી રહ્યા છે.

પાપનો અને ભ્રષ્ટાચારનો ઘડો હવે ઉભરાઈ રહ્યો છે. પહેલા ચાર હજાર કરોડનું મગફળી ખરીદી કૌભાંડ, ત્યારપછી તુવેર કાંડ અને આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની રોજીંદી જરૂરિયાતના ખાતરમાં એક બેગમાં ત્રણસો ગ્રામથી એક કિલો સુધી ખાતર ઓછું મળવાના જે કિસ્સા બહાર આવ્યા તેનાથી સ્પષ્ટ દેખાય છે કે, આખી સરકારની મીલીભગતથી સરકારની કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આ ખાતરમાં કરવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનો – કાર્યકરો ખેડૂતોની જે ઉઘાડી લુંટ છે તેની જાત તપાસ કરવા માટે અને સરકારની પોલ ખોલવા માટે જનતા રેડ કરી રહ્યા છે. રોજની લાખોની સંખ્યામાં ખેડૂતો બેગો ખરીદે છે અને ન જાણે કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલતું હશે, એટલે તેમ જોવા જઈએ તો કરોડો રૂપિયાનું ગુજરાતમાં સૌથી મોટું ખેડૂતોને લુંટવાનું આ કૌભાંડ સરકારના આશીર્વાદથી સરકારી કંપની દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિ મંત્રી રણછોડ ફળદુ ખાલી નિવેદનો કરે છે, બીજી બાજુ આપ જોઈ શકો છો દિવસે-દિવસે જ્યાં લોકોમાં જાગૃતિ આવી, કોંગ્રેસ જનતા રેડ કરે છે, એટલે વેપારીઓ ડીલરો શટરો પાડીને વેચાણ બંધ કરી રહ્યા છે અને પોતાનો ભ્રષ્ટાચાર પકડાઈ ના જાય તેને છુપાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

ભ્રષ્ટાચાર રોકી ના શકતા હોવ, તમારા મળતિયાઓને આ રીતે જ પ્રોત્સાહન આપવાના હોય, આ જ રીતે ગુજરાતના ખેડૂતોને લુંટવાના હોય તો તમને રાજ કરવાનો કોઈ અધિકાર નથી. ખાલી નિવેદનબાજી કરવાને બદલે, તપાસના હુકમો કરવાને બદલે ખરેખર જો ખેડૂતોનું હિત હોય તો આ ભ્રષ્ટાચારીઓ – કૌભાંડીઓ સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. અને છેલ્લા વર્ષોથી જે લુંટ ચલાવવામાં આવી રહી છે, એક બેગ પર ૧૪ રૂપિયા જેવો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. તે તમામે તમામ ખેડૂતોના લુંટેલા પૈસા ખેડૂતોને પાછા વળતર સ્વરૂપે સરભર કરી આપવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગણી છે.

એક એક તાલુકામાં જ્યાં જ્યાં ખેડૂતોને લુંટવામાં આવી રહ્યા છે તે તમામે તમામ કૌભાંડનો પર્દાફાશ કરીશું. આ કૌભાંડ કેટલા કરોડનું હોઈ શકે છે. આંકડા મેળવવામાં આવી રહ્યા છે, આપણે સૌ જાણીએ છીએ કે ખાતર ખેડૂતોની રોજીંદી જરૂરિયાત છે. લાખોની સંખ્યામાં દરમહિને ખેડૂતો ખાતર ખરીદે છે. એક ખાતરની બેગ પર ૧૪ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે આપ સૌ જાણી શકો છો કે આટલા વર્ષોથી ચાલતા કૌભાંડમાં કરોડો અબજો રૂપિયાનું કૌભાંડ થયું છે અને જે તેના પ્રોડક્શનના આંકડા મળશે અને વેચાણના આંકડા મળશે ત્યારે સ્પષ્ટ ફલિત થશે કે એક બેગ પર ૧૪ રૂપિયાનો ભ્રષ્ટાચાર તો કરોડો બેગો પર કેટલો ભ્રષ્ટાચાર તે આંકડા પણ જનતા સમક્ષ બહાર આવશે.