અરવિંદ અગ્રવાલને ચીફ સેક્રેટરી થતાં રોકવા માટે સંગીતા સિંઘ ને હોમ

ગાંધીનગર,તા.31

ગુજરાત સરકારે કરેલી સિનિયર અધિકારીઓની બદલીઓમાં હાલના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થતાં રોકવા માટે સરકારે સંગીતા સિંઘને હોમ વિભાગનો હવાલો સોંપી દીધો છે. આ ફેરબદલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો રોલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

શાહની રાહ જોવાતી હતી

રાજ્યના સિનિયર આઇએએસ અધિકારીઓની બદલીની ફાઇલો તો 15 દિવસ પહેલાં તૈયાર હતી પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમિત શાહની ગુજરાત મુલાકાતની રાહ જોતા હતા. આખરે અમિત શાહની મંજૂરી પછી આ બદલીઓ કરવામાં આવી હોવાનું સચિવાલયના સૂત્રો કહી રહ્યાં છે.

હજુ 45 આઈએએસ અને પોલીસ વિભાગમાં પણ બદલી

રાજ્ય સરકારે 79 આઇએએસ અધિકારીઓની બદલીઓ કરી છે પરંતુ હજી 45 જેટલા આઇએએસ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે જેમાં જિલ્લા કલેક્ટરો અને ડીડીઓનો સમાવેશ થાય છે. એ ઉપરાંત પોલીસ વિભાગની બદલીઓ પણ તૈયાર છે જેની જાહેરાત એકાદ બે સપ્તાહમાં થઇ શકે છે.

પાંચ અધિકારી ચીફ સેક્રેટરી બનતા અટકશે?

ગુજરાતના હાલના મુખ્ય સચિવ ડો જેએન સિંહને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેઓ ગયા જુલાઇ મહિનામાં નિવૃત્ત થવાના હતા. પરંતુ એક્સટેન્શનના કારણે તેઓ નવેમ્બર મહિના સુધી ચાલુ રહી શકે છે. જો કે કેન્દ્ર સરકાર તેમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપી શકે છે. જો તેમ થાય તો પાંચ અધિકારી ચીફ સેક્રેટરી બનતા અટકી જાય તેમ છે અને આખરે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારનો વારો આવી શકે છે.

પંકજ કુમારને ચીફ સેક્રેટરી માટે રાહ જોવી પડશે

સંજય પ્રસાદ સપ્ટેમ્બર 2009માં, સુજીત ગુલાટી અને પીકે ગેરા નવેમ્બર 2019માં, અરવિંદ અગ્રવાલ અને અતનું ચક્રવર્તી એપ્રિલ 2020માં, અનિલ મુકીમ ઓગષ્ટ 2020માં, સંગીતાસિંઘ ઓક્ટોબર 2020માં વય નિવૃત્ત થાય છે. હાલના ચીફ સેક્રેટરી જેએન સિંહને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો તેઓ મે 2020 સુધી આ પદ પર રહી શકે છે કે જેથી સંગીતા સિંઘનો સમય પણ પૂરો થઇ શકે છે.સચિવાલયના સૂત્રો કહે છે કે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારને થોડો સમય રાહ જોવી પડશે, જો કે તેમની વય નિવૃત્તિ મે 2022માં છે. તેમની પાસે ઘણો સમય છે. તેઓ રાજ્યના ચીફ સેક્રેટરી બની શકે છે.