અર્થતંત્રને ઘેરી રહેલી મંદીઃ વેપાર ઉદ્યોગો થકી થતી વેરાની આવકમાં ઘટાડો

અમદાવાદ,તા.01

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ટેક્સની આવકમાં વધારો કરવા માટે હવાંતિયા મારી રહી છે. 2019-20ના નાણાંકીય વર્ષના પહેલા છ મહિનામાં સરકારની આવકમાં અપેક્ષા પ્રમાણે વધારો થયો ન હોવાથી સરકાર બેબાકળી બની ગઈ છે. આ સંજોગોમાં શેરબજારને ટકાવી રાખવાના મરણિયા પ્રયાસ રૂપે સરકાર શેરબજારના વહેવારો પણ વેરામાં રાહત આપશે તેવી વાતો વહેતી કરી દેવામાં આવી છે. વાસ્વતમાં મંદીની અસર હેઠળ સરકારની વેરાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ મંદીની ઘેરી અસરો અર્થતતંત્ર પર જોવા મળી રહી છે.

2018-19ના પહેલા છ મહિનાને અંતે ભારત સરકારે કરેલી ટેક્સની આવકની તુલનાએ 2019-20ના પહેલા છ મહિનાને અંતે કરેલી આવકમાં માંડમાંડ બે ટકાનો વધારો થયો છે. આ સંજોગોમાં રાજ્યના આવકવેરા કમિશનરો અને પ્રિન્સિપાલ ચીફ કમિશનરો પણ તેમના વાર્ષિક ટાર્ગેટમાં ઘટાડો કરવાની માગણી કરી રહ્યા છે. 2017-18ના નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર માસના અંત સુધીમાં એટલે કે પહેલા છ માસિક ગાળામાં થયેલી આવકની તુલનાએ 2018-19ના પહેલા છ મહિનાને અંતે કેન્દ્ર સરકારની વેરાની આવકમાં 8.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

સરકારે તેના વેરાની આવકના લક્ષ્યાંકોને હાંસલ કરવા હોય તો આગામી પાંચ મહિનામાં સરકારની વેરાની આવકમા 31.3 ટકાના દરે વધારો થાય તે જરૂરી છે. વાર્ષિક ધોરણે સરખામણી કરતાં આ વધારો 42 ટકાનો થવો જરૂરી છે. આ વધારો થાય તેવી શક્યતા હાલને તબક્કે બહુ જ ઓછી જણાય છે. કેન્દ્ર સરકાર માટે ખર્ચમાં ઘટાડો કરવો કઠિન છે. કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં પણ અપેક્ષા પ્રમાણે વધારો થઈ રહ્યો નથી.

તેથી જ જીએસટીના અમલીકરણ પછી પહેલા પાંચ વર્ષ દરમિયાન રાજ્યની આવકમાં 14 ટકાના વાર્ષિક વધારા સાથે પડનારી ઘટની રકમ કેન્દ્ર સરકાર ચૂકવવાની છે. આ સંજોગોમાં આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્યોને તેમની ઘટના નાણાં ચૂકવવામાં પણ કેન્દ્ર સરકારને તકલીફ પડે તેમ છે. તેથી કેન્દ્ર સરકાર તેના ખર્ચમાં ઘટાડો કરી શકે તેવી કોઈ જ ગુંજાયશ હાલને તબક્કે જણાતી નથી. કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં રાહત આપીને વધારાનો1.45 લાખ કરોડનો બોજ લીધો છે. જીએસટીની સપ્ટેમ્બરની આવક સપ્ટેમ્બરમાં અંદાજે રૂા.98,200 કરોડની આસપાસની રહી છે. આ સંજોગોમાં ડાયરેક્ટ ટેક્સ કોડમાં સરકાર વ્યક્તિગત કરવેરામાં પણ રાહત આપે તેવી વાતો ભલે થતી હોય પણ વ્યક્તિગત વેરામાં લાભ આપવાનું જોખમ ઊઠાવી શકે તેવી સ્થિતિ નથી.

સરકારની વેરાની આવક ઘટી છે. વેરા સિવાયની આવકમાં વધારો થયો છે. મહેસૂલી ખર્ચ – રેવન્યુ એક્સપેન્ડિચર બહુધા સમાન સપાટીએ રહ્યા છે. સરકારની ફિક્સ્ડ એસેટ્સ એટલે કે મિલકતની સર્વિસ માટે કરવા પડતા ખર્ચને રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ઓળખાવવામાં આવે છે. સરકારની પ્રોપર્ટી, સરકારી કંપનીઓના પ્લાન્ટ અને મશીનરીને ફિક્સ્ડ એસેટ તરીકે ઓળખાવવામાં આવે છે. 2019-20ના પહેલા છ મહિનામાં મૂડી ખર્ચમાં વધારો થયો છે. જમીન, મકાન, પ્લાન્ટ અને મશીનરી લેવા માટે કરવામાં આવતા ખર્ચને કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ઓળખાવવામાં આવે છે. જોકે સરકારની વેરાની આવકની તુલનાએ તેનો ખર્ચ વધી જાય તો તેને ફિસ્કલ ડેફિસિટમાં વધારો થયો હોવાનું કહેવામાં આવે છે. વાર્ષિક ધોરણે સરખામણી કરવામાં આવે તો ગયા વરસની સરખામણીમાં આ વરસે નસીબ જોગે આવકની તુલનાએ ખર્ચમાં પહેલા ત્રિમાસક ગાળાને અંતે માત્ર 1.98 ટકાનો જ વધારો થયો છે. પહેલા છ માસને અંતે આ વધારો 14.1 ટકાનો થયો છે. આ હકીકત દર્શાવે છે કે સરકારે બીજા ત્રિમાસિક ગાળામાં ખર્ચ વધારવાના પગલાં લીધા છે. જોકે આ વધારો સંરક્ષણ માટેના સરંજામ માટે કરવામાં આવેલા વધારાને પરિણામે આવ્યો છે.

રિઝર્વ બેન્ક દ્વારા સરકારને રિઝર્વ ફંડમાંથી મોટી રકમની ફાળવણી કરવામાં આવી હોવાથી સરકારની વેરા સિવાયની આવકમાં 2019-20માં જંગી 91.8 ટકાનો વધારો થયો છે. પહેલા છ માસને અંતે સરકાર તેની નાણાં ખાધને 92.6 ટકા સપાટી સુધી સીમિત રાખવામાં સફળ થઈ છે. જોકે બીજા છ માસિક ગાળામાં વેરા સિવાયની આવકમાં મોટું ગાબડું જોવા મળી શકે છે. હા, સરકાર તેની બીજી મિલકતો વેચીને વેરા સિવાયની આવકમાં વધારો કરે તો તેમાં ઘટાડો થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

આ સંજોગોમાં સરકાર પાસેનો કોઈ સંગીન વિકલ્પ હોય તો તે ખાનગીકરણનો છે. આમ ભારત સરકારની ટીના મોમેન્ટ- ધેર ઈઝ નો ઓલ્ટરનેટીવ મોમેન્ટ આવી ગઈ છે. આ સંજોગને સરકારની અક્સ્યામતો વેચવાનો  યોગ્ય સમય હોવાનું નિષ્ણાતો ગણાવી રહ્યા છે. સરકારી કંપનીઓના શેર્સ ઓફલોડ કરીને આવક કરવાની આ ઘડી હોવાનું તેમનું કહેવું છે.