ગાંધીનગર, તા. 11
સરકારી કર્મચારીઓ સામાન્ય રીતે કામચોરી કરતાં હોવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. સરકારી કર્મચારીઓ દ્વારા ચાલુ ફરજે પોતાના કામના સ્થળેથી ગાયબ રહેવું અથવા તો ફોન બંધ રાખવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બહાર આવી છે. પરંતુ જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન એક અધિકારીનો ફોન ફરજના સમયે બંધ આવતા ગુસ્સે ભરાયા હતા એવું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે ચકાસવાની શરૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આંગણવાડી બહેનો અને અધિકારીઓનો સંપર્ક કરવાનો પહેલા પ્રયાસમાં જ તમામના ફોન બંધ આવ્યા હતા. આ પ્રકારે ફોન બંધ આવતા મુખ્યપ્રધાન લાલચોળ થઈ ગયા હતા. અને તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઉદઘાટન સમયે કરાઈ મોબાઈલ રેડ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્ટેટ ડેટા સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું. ખુદ મુખ્યપ્રધાને આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરાવ્યું હતું. જે અંતર્ગત મહિલા અને બાળકો અંગે થતી કામગીરી પર સીધી નજર રાખવાનો છે, જે માટે સ્ટેટ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. ત્યારે ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંગણવાડીના કાર્યકર્તાઓ સામે મોબાઈલ રેડ પાડી હતી. મુખ્યપ્રધાને સીધી જ વિભાગના અધિકારીઓ સાથે ગ્રામ્ય સ્તરે કરી ટેલિફોનિક વાત કરી હતી. તેમણે સૌથી પહેલા રાજકોટ જિલ્લાના આંગણવાડી કાર્યકર લીલાવતીબહેનને ફોન જોડ્યો હતો. જેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યાર બાદ તેમણે ઉપરી સીડીપીઓ મુક્તાબહેનને ફોન લગાવ્યો હતો, જેમનો ફોન પણ નો રિપ્લાય આવ્યો હતો. જેના બાદ મુખ્યપ્રધાને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ દરમિયાન આંગણવાડી બહેનો અને અધિકારીઓ ફોન બંધ ન રાખે તે માટે કડક ટકોર કરી હતી.
સરકારી કામગીરીમાં લોલમલોલ જોવા મળી
અત્રે નોંધનીય છે કે, સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ સ્થાનિક સ્તરે સરકારી કર્મચારીઓની કામગીરીમાં લોલમલોલ જોવા મળી રહી છે. જે માટે જ મુખ્યપ્રધાને અચાનક મોબાઈલ રેડ પાડી હતી. જેમાં સાબિત થયું હતું કે, સ્થાનિક સ્તરે સરકારી કર્મચારીઓ ફરજ દરમિયાન પણ શિસ્તતા જાળવી શક્તા નથી. જો સરકાર દ્વારા દરેક વિભાગમાં આ રીતે રેડ પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓની કામચોરીના અનેક પુરાવા મળી શકે તેમ છે.