આન્સર કી કોરી મુકનારા મોટાભાગના યુનિ.ના કર્મી હોવાની કુલપતિની કબૂલાત

પાટણ, તા.૦૬

હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતી પરીક્ષામાં ઉમેદવારો દ્વારા આન્સરકી કોરી મૂકતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉમેદવારોની રજુઆત શંકાસ્પદ નામોના લિસ્ટ સાથે રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપી છે. યુનિવસિર્ટી દ્વારા શંકાશીલ ઉમેદવારો જો સીસીટીવી જોવા માંગતા હોય તો બતાવાશે તેવી તૈયારી દર્શાવાઇ છે. દરમિયાન જે શંકાસ્પદ નામ ચર્ચાય છે તે પૈકી કેટલાકને પ્રાથમિક પૂછપરછ કરતાં આન્સર કીમાં જવાબ લખ્યાનું જણાવ્યાનું કુલપતિએ કહ્યું હતું.

યુનિવસિર્ટીમાં રવિવારે યોજાયેલ ક્લાર્ક, ટાઈપિસ્ટ, પી એ ટુ રજિસ્ટ્રારની 30 જગ્યાઓ માટે લેવાયેલ પરીક્ષામાં 11 થી 14 ઉમેદવારોએ આન્સર કી કોરી મૂકી હોવાનું જણાવી પરીક્ષા રદ કરવા માંગ અન્ય પરીક્ષાર્થીઓ દ્વારા કરાઇ છે.

પરીક્ષા ઓબઝર્વર અને પરીક્ષા કન્વીનરના વિરોધાભાસી બયાનો પછી તેમાં કોઇ સ્પષ્ટતા યુનિવર્સીટી દ્વારા કરાઇ નથી છતાં જો કોઈ ઉમેદવારોને શંકાસ્પદ લાગતું હોય તો તેઓ અમને મળી શકે છે, અમે તેમને સીસીટીવી ચેક કરાવવા તૈયાર છીએ. જે શંકાસ્પદ નામો ચર્ચાઇ રહયા છે તેમાંથી મોટાભાગના અમારા યુનિવસિર્ટીના કોન્ટ્રાકટ કમર્ચારી છે. જેઓને અમે પૂછતાં તેમણે પરીક્ષામાં આન્સરકીમાં જવાબો લખ્યાની કાર્બન આન્સરકીની કોપી બતાવી છે. છતાં અમે સીસીટીવી ચેક કરીશું અને જો તેણે કોરી મૂકી હશે તો પરિણામ આવશે એટલે ખબર પડશે તેવું ઇન્ચાર્જ કુલપતિ ડો અનિલ નાયકે જણાવ્યું હતું. જિલ્લા કલેકટર આનંદ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે તેમને મળેલી રજુઆત રાજ્ય શિક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવી છે. હવે તેમનો વિષય છે. તેઓ જે તે તપાસ કરીને યોગ્ય તે નિર્ણય લેશે.