ગાંધીનગર,તા:૧૫ દેશવ્યાપી મંદીના માહોલમાં આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતના ઉદ્યોગો પણ બાકી નથી. મંદીની અસર વેપારીઓ પર ભારે નકારાત્મક પડી રહી છે. ત્યાં સુધી કે મંદીના આ માહોલની અસર સરકારની જીએસટી પરની આવક પર પણ પડી રહી છે. સરકારની જીએસટીની આવકમાં 258 કરોડનો ભારેખમ ઘટાડો નોંધાયો છે.
2018ના વર્ષમાં જ્યાં રાજ્ય સરકારને જીએસટીથી 14,900 કરોડની આવક થઈ હતી, ત્યાં 2019માં આ આંકડો 14,642 કરોડ થઈ ગયો છે, એટલે કે રૂ.258 કરોડનો ઘટાડો નોંધાયો છે. મંદીમાં ધંધા-રોજગાર પર પડી રહેલી ગંભીર અસર અંગે વેપારીઓ જણાવે છે કે, અગાઉ કરતાં વેચાણમાં ઘટાડો તો નોંધાયો જ છે, સાથોસાથ સરકાર દ્વારા GSTનું ઊભું કરાયેલું માળખું પણ તેમને પરેશાન કરનારું છે.
તો વેટની આવકમાં પણ સરકારને ભારે માર પડ્યો છે. ગત નાણાકીય વર્ષમાં જ્યાં સરકારને વેટમાંથી 9200 કરોડની આવક થઈ હતી, ત્યાં આ નાણાકીય વર્ષમાં માત્ર 8827 કરોડની જ આવક થઈ છે. એટલે કે વેટની આવકમાં પણ 373 કરોડનો ઘટાડો નોંધાયો છે.
મંદીના કારણે રાજ્યના વિવિધ સેક્ટર્સને નુકસાનનો સામનો કરવો પડ્યો છે, ઉપરાંત તેમનું ઉત્પાદન પણ ઘટ્યું છે. પ્રોડક્શન યુનિટમાં ઉત્પાદન ઘટતાં પણ રાજ્ય સરકારની આવક પર અસર પડી રહી છે.
આ અંગે એક અધિકારીએ આપેલી માહિતી મુજબ ગતવર્ષે આઈજીએસટીની આવકને જાળવી રાખવામાં રાજ્ય સરકાર સફળ રહી હતી, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં વર્ષોથી પેન્ડિંગ રિફંડના કેસને તાત્કાલિક ક્લીયર કરી દેવામાં આવ્યા હોવાથી આવકમાં ઘટાડો નોંધાયો છે. એસજીએસટીની આવક માટે રાજ્યોએ કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેવું પડે છે, જેમાં સમય જતાં રાજ્ય સરકારને નુકસાન પણ જઈ રહ્યું છે. આમ એસજીએસટીની ઘટતી જતી આવક મંદીની સ્થિતિ દર્શાવી રહી છે. કેટલીક કંપનીઓએ બોગસ કંપની બનાવી કરોડો રૂપિયાની આઈટીસી મેળવી લીધી હોવાનો સ્વીકાર એસજીએસટી વિભાગે કર્યો.