અમદાવાદ, તા.19
ગુપ્તચર સંસ્થાએ આપેલી ઘૂસણખોર આતંકીઓની માહિતીના પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત પોલીસ એલર્ટ પર છે. રાજ્યમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ દરિયાઈ સરહદ પર પેટ્રોલીંગ વધારી દઈ શકમંદ આતંકીઓને ઝડપી લેવા એન્ટી ટેરરિઝમ સ્કવૉડ બે દિવસ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ રાજ્યની સુરક્ષા માટે થઈ રહેલી પોલીસ કાર્યવાહીથી મુખ્યમંત્રી વિજય રૂપાણી બિલકુલ અજાણ છે. રૂપાણીએ આતંકીઓને લઈને આવેલા ઈનપુટ રેકર્ડ પર નહીં હોવાનો દાવો કર્યો છે.
ગુજરાત પોલીસને મળેલા આતંકી હુમલાના ઈનપુટમાં અફગાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આંતકી ગ્રુપના વડાના પાસપોર્ટનો ફોટો અને આતંકીના ફોટો એન્ટી ટેરરિઝમ સ્કવૉડે તમામ શહેર-જિલ્લાના એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ને મોકલી આપ્યો છે. આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના શખ્સના પાકિસ્તાની ઓળખપત્રની નકલ પણ આપવામાં આવી છે. ગત 15 જુલાઈથી આજદીન સુધી ફોટોમાં સામેલ શખ્સ અથવા અન્ય કોઈ અફઘાન પાસપોર્ટ ધરાવનારા અફઘાન નાગરિકો જે કોઈપણ વિસ્તારમાં રોકાયા હોય તો તેની વિગતો સ્થાનિક ઈન્ટેલિજન્સ બ્રાંચ-સ્પેશ્યલ બ્રાંચ પાસેથી મેળવીને મોકલી આપવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત અફઘાન નાગરિકોનું અંગત બાતમીદારોની મદદથી વેરીફિકેશન કરાવવા એટીએસે જણાવ્યું છે.
અતિ ગુપ્ત મેસેજ લીક થતા તપાસ થશે
એન્ટી ટેરરિઝમ સ્કવૉડના નાયબ પોલીસ અધિક્ષક બી.એચ.ચાવડાના હસ્તાક્ષરથી મોકલી અપાયેલો અતિ ગુપ્ત મેસેજ લીક થઈ જતા તેની તપાસના આદેશ અપાયા છે. આતંકી હુમલાના ઈનપુટનો અતિ ગુપ્ત સંદેશો અને તેની સાથે સામેલ આતંકીના તેમજ દસ્તાવેજોના ફોટા સોશીયલ મિડીયા પર ફરતો થઈ ગયા છે. જેને લઈને આ મેસેજ ક્યાંથી અને કોણે લીક કર્યો છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલામાં જવાબદાર પોલીસ કર્મચારી કે અધિકારીની ભૂમિકા સામે આવશે તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
ચાર આતંકી ભારતમાં ઘૂસ્યા છે
અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરીને ભારતમાં કુલ ચાર આતંકીઓએ ઘૂસણખોરી કરી છે તેવા ઈનપુટ પોલીસને મળ્યા છે. જો કે, ચાર આતંકી ભારતના કયા શહેરમાં હુમલો કરશે તેની કોઈ ઠોસ માહિતી કેન્દ્રીય એજન્સીએ નહીં આપી હોવાથી સમગ્ર દેશમાં પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. ઘૂસણખોરી કરનારા તમામ આતંકીઓની પણ કોઈ ચોક્કસ માહિતી નહી હોવાથી ઘાસના ઢગલામાં તણખલું શોધવા જેવો પોલીસનો ઘાટ થયો છે. ભૂતકાળમાં પણ ગુપ્તચર સંસ્થા આવા અનેક મેસેજ કરી ચૂકી છે, પરંતુ ઈનપુટના પગલે કોઈ આતંકી પકડાયો હોય તેવી માહિતી નથી.
કોસ્ટલ સિક્યુરિટી મજબૂત બનાવાઈ
રાજ્યમાં પ્રવેશવાના માર્ગો પર ચેકીંગ વધારી દેવાતા આતંકીઓ દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસી શકે છે. જેથી કોસ્ટલ સિક્યુરિટીને મજબૂત કરવા બે દિવસ પહેલા આદેશ અપાઈ ચૂક્યા છે. શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર પર ભારે ભીડ હોવાથી તેમજ જન્માષ્ટમી પર સૌરાષ્ટ્રમાં લોક મેળાનું આયોજન થતું હોવાથી પોલીસે આ તમામ બાબતોને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી