ગાંધીનગર, તા. 21
ગુજરાતના મુખ્યપ્રધાન પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ શરૂ થતાં પહેલા એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુ વિકસાવવામાં આવશે. પરંતુ ત્રણ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનના આંદિજાન, સમરકંદ અને બૂખારાના ગવર્નરોને ગુજરાત આવવાના આમંત્રણ તેમ જ વિવિધ પ્રતિમાઓના અનાવરણ કરવા સિવાય કોઈ પ્રકારના એમઓયુ કર્યા નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે, ઉઝબેકિસ્તાનના વિવિધ રાજ્યોના ગવર્નરને ગુજરાત પ્રવાસના આમંત્રણ જ આપવાના હતા તો તે પત્ર દ્વારા પણ આપી શકાયા હોત, તેના માટે આટલું મોટું પ્રતિનિધિમંડળ લઈને ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કરવાની જરૂરિયાત નહોતી.