ઉમેદવારોએ મેળવેલા માર્ક જાહેર કરવા વિપક્ષની માગણી મુદ્દે કમિશનર ટસના મસ ન થયા

અમદાવાદ,તા.૨૩
અમપાની બુધવારે દિવાળી પહેલાની મળેલી સામાન્યસભામાં અમપા દ્વારા લેવામાં આવેલી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષાની પધ્ધતિને લઈને વિપક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આમને-સામને આવી જતા હોબાળો મચી ગયો હતો.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોને મળેલા માર્ક જાહેર કરવાની માંગણી પર અડેલા રહેલા વિપક્ષનેતા દીનેશ શર્માને એક તબકકે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ત્યાં સુધી કહયુ કે,૧૧૦ ઉમેદવારોમાંથી ૧૫ જ સિલેકટ થવાના છે એથી જે ૯૫ બાકી રહેવાના છે તે પરીક્ષા પધ્ધતિના વાંધા-વચકા કાઢશે જ પણ મારે હાઉસને કહેવુ છે કે,આઈઆઈએમ જેવી દેશની પ્રતિષ્ઠીત સંસ્થાને આપણે પરીક્ષાની જવાબદારી સોંપી હતી.અને ભરતી પ્રક્રીયામાં કયાંય કોઈ લાગવગ કે દબાણને વશ થવાશે નહીં.કમિશનરની આ ટીપ્પણીથી વિપક્ષ હેબતાઈ ગયો હતો જયારે શાસકપક્ષ ગેલમાં આવી ગયો હતો.

અમપા બેઠકના આરંભે ખાડીયાના મયુર દવેએ કોંગ્રેસના પ્રવકતા તરીકે રાજીનામુ આપવાની જાહેરાત કરી ફરી પાછા ચુપકે-ચુપકે બદરૂદીન શેખને ભાજપની છાવણીમાં બેસવુ જાઈએ કે સામે?એવો પ્રશ્ન ઉભો કરતા બદરૂદીન શેખને જવાબ આપવાના ફાંફા પડી ગયા હતા માત્ર હુ કોંગ્રેસમાં છુ અને રહેવાનો છુ એટલો જવાબ આપી શકયા હતા.
શુન્યકાળમાં વિપક્ષનેતા દીનેશશર્માએ સેનેટરી ઈન્સપેકટર તેમની ફરજ મુજબ પાણીના સેમ્પલ ન લેતા હોવાના કારણે અને હેલ્થ વિભાગની બેદરકારીના કારણે આજે અમદાવાદ શહેર મેલેરીયા,ડેન્ગ્યુ સહીતના રોગના ભરડામા આવી ગયુ હોવાનો આક્ષેપ કરતા સ્થાયી સમિતિના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે રોગચાળા માટે સતત ચાલુ રહેલા વરસાદને જવાબદાર ઠેરવ્યો હતો.

ફોંગીગથી મચ્છરો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય છે મરતા નથી- બોક્સ
અમપાની સામાન્ય બેઠક આરોગ્ય વિષયક સેમિનાર હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.બદરૂદીન શેખે કહ્યુ,મેયર તમને કદાચ ખબર નહી હોય પણ શહેરમાં હેલ્થ વિભાગ જે વિસ્તારમાં ફોગીંગ કરે છે એ વિસ્તારમાંથી મચ્છર સામે આવેલા વિસ્તારમાં બદલી કરી ચાલ્યા જાય છે મરતા નથી.તમે વાહનો માટે પીયુસી ફરજીયાત બનાવો છો તો જે પોલ્યુશન ફેલાવતી ફેકટરીઓ છે એના માટે કોઈ ચોકકસ નિયમો છે કે કેમ પણ તેમને આ સવાલનો જવાબ કોઈએ આપ્યો ન હતો.

મલ્ટીપરપર્ઝ હેલ્થ વર્કરની ભરતી ગાજી
દર દસહજારની વસ્તીએ મલ્ટીપરપર્ઝ હેલ્થ વર્કર હોવા જાઈએ એવી માર્ગદર્શિકા હોવા છતાં અમપા દ્વારા ૩૦૦ ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો વિપક્ષનેતા દ્વારા આક્ષેપ કરાયો હતો.ઉપરાંત રાત્રિ સફાઈ કામગીરી મા પણ ગેરરીતી આચરવામા આવતી હોવાની આશંકા વ્યકત કરી હતી.

નમૂનાઓ લેવાની સંખ્યા ઘટી કેમ..
કોંગ્રેસના સુરેન્દ્ર બક્ષીએ અમપા દ્વારા વર્ષ-૨૦૧૫-૨૦૧૬માં ૪૧,૬૭૨,વર્ષ-૨૦૧૬-૧૭માં ૪૬૭૬૨,વર્ષ-૨૦૧૭-૧૮માં ૩૮૭૭૦ અને વર્ષ-૨૦૧૯-૨૦માં અત્યારસુધી માત્ર ૧૬,૮૧૯ લેવામા આવેલા પાણીના સેમ્પલોને લઈ ચિંતા વ્યકત કરતા કહયુ,ખરેખર તો સેમ્પલોની સંખ્યા વધવી જાઈએ.ઉપરાંત તેમણે હેલ્થ વિભાગ પાસે ડોકટર કક્ષાના ડેપ્યુટી હેલ્થ ઓફીસરો હોવાછતાં તેમની કામગીરી ખાદ્ય અને અખાદ્ય લાયસન્સ ચેક કરવાની કામગીરી સોલીડ વેસ્ટના નોન ટેકનીકલ આસીસ્ટન્ટ ડાયરેકટરો દ્વારા કરવામા આવતી હોઈ એ ન થવી જાઈએ એવી કમિશનરને રજૂઆત કરી હતી.

લોકસત્તા જનસ્તાનોનો અહેવાલ ગૃહમાં ચર્ચાયો..

ફૂડસેફટી એકટ-૨૦૦૬ હેઠળ અમદાવાદ શહેરમાં ૫-૮-૨૦૧૧થી આઠ વર્ષમાં હેલ્થ વિભાગ દ્વારા લેવામાં આવેલા ૧૯,૭૭૩ ફૂડસેમ્પલો અને તેની સામે માત્ર ૩૮ સેમ્પલો જ અનફીટ જાહેર કરવામા આવ્યા એ અંગે લોકસત્તાજનસત્તા અમદાવાદ આવૃત્તિમાં છપાયેલા અહેવાલ ઉપર બુધવારે ગૃહમાં નિકોલના કોર્પોરેટર જે ડી પટેલ દ્વારા રજૂઆત કરવામા આવી હતી.પણ શાસકપક્ષ આ રજૂઆતને સહન ન કરી શકતા પક્ષ નેતા અમિત શાહે એમને બોલતા અટકાવ્યા હતા