એક અઠવાડિયા બાદ લર્નિંગ લાઈસન્સ આઈટીઆઈમાંથી જ મળી શકશે

ગાંધીનગર, તા. 10

રાજ્ય સરકારે રાજ્યના શીખાઉ વાહનચાલકોના લાઈસન્સ કઢાવવા માટે આરટીઓના સ્થાને આઈટીઆઈને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની એક તાલીમ સરકારે 11મી ઓક્ટોબરે ગોઠવી છે અને એક અઠવાડિયા સુધી નવી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આરટીઓ શીખાઉ લાઈસન્સની કામગીરી કરશે પણ ત્યારબાદ દરેકે આ લાઈસન્સ મેળવવા આઈટીઆઈ જવું પડશે.

આ અંગે રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માંઝુએ 9મી ઓક્ટોબરે રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગના નિયામકને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, નવા વાહનવ્યવહાર નિયમોને કારણે રાજ્યની આરટીઓ પર કામનું ભારણ વધી ગયું છે. જેના કારણે રાજ્ય સરકારે શીખાઉ લાઈસન્સની કામગીરી આરટીઓ કક્ષાએ બંધ કરીને રાજ્યની તમામ આઈટીઆઈ ખાતેથી શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

શું લખ્યું છે પત્રમાં?

પત્રમાં જણાવ્યું છે કે, સરકાર પ્રતિ લાઈસન્સદીઠ રૂ. 100 આઈટીઆઈને આપશે. જે 100 રૂપિયા ચૂકવવામાં આવશે તેમાંથી આઈટીઆઈની લાઈટ, હાર્ડવેર, ઈન્સ્ટ્રક્ટર અને આચાર્યનું મહેનતાણું અને સ્ટેશનરીના ખર્ચનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આટીઆઈના આચાર્યને આઈટીઆઈ દીઠ આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને લોગીન આઈડી અને પાસવર્ડ આરટીઓના પરામર્શમાં રહીને કરવાનો રહેશે. કોઈપણ આચાર્ય કે ઈન્સ્ટ્રક્ટર રજા ઉપર જાય તો પણ તેના અલગથી લોગીન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાના રહેશે અને ચાર્જ સુપરત કરવાનો રહેશે. આ માટે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ સ્થાનિક અનૂકુળતા પ્રમાણે આરટીઓના પરામર્શમાં 11મી ઓક્ટોબરે ગોઠવવાની રહેશે. પત્રમાં આઈટીઆઈની અદ્યતન યાદી, નામ-સરનામા, ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અને ઈસ્ટ્રક્ટર અને આચાર્યોની યાદી તાત્કાલિક અસરથી મોકલવાનો પણ આદેશ કરાયો છે. સાથે લર્નિંગ લાઈસન્સની કામગીરી માટે ઓટોમોબાઈલ અને મિકેનિકલ ટ્રેડના તેઓના તાલુકાના હકુમત પૂરતા ટેસ્ટિંગ અધિકારી તરીકે કામગીરી કરવાની રહેશે એવું પણ આ પત્રમાં જણાવ્યું છે.

લર્નિંગ લાઈસન્સ માટે નવા નિયમો

નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી કોઈપણ વાહનચાલકને જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઈસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઈસન્સની ફી પણ ભરવી પડશે. તેના માટે વાહનચાલકે એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે. અત્યાર સુધી લર્નિંગ લાઈસન્સ માટે માત્ર રૂ.150 જે વાહન ચાલકે ભરવાના થતા હતા, તેની સાથે હવે ફરજિયાત રૂ.1050 પણ ભરવા પડશે. આ નિયમના કારણે હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂ.1050 એક મહિનો વહેલા આપી દેવા પડશે. જો કોઈ પણ વ્યક્તિ પાસે ટૂ વ્હિલરનું લાઈસન્સ હશે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હિલરનું લાઈસન્સ કઢાવવું હશે તો જે તે વાહનચાલક કે વાહનમાલિકને આ અંગે લાઈસન્સમાં ઉમેરો કરી અને ટેસ્ટ આપવો પડશે એવું પણ નવા નિયમોમાં જણાવાયું છે.

હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂ.1050 એક મહિનો વહેલા આપી દેવા પડશે. જો કોઈ પણ વ્યક્તિ પાસે ટૂ વ્હિલરનું લાઈસન્સ હશે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હિલરનું લાઈસન્સ કઢાવવું હશે તો જે તે વાહનચાલક કે વાહનમાલિકને આ અંગે લાઈસન્સમાં ઉમેરો કરી અને ટેસ્ટ આપવો પડશે એવું પણ નવા નિયમોમાં જણાવાયું છે.