ગાંધીનગરઃતા:૨૨ કચ્છના દરિયાકિનારે મેંગ્રૂવ્સના નિકંદન સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. જેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના દરિયાકિનારા પરના મેંગ્રૂવ્સનું નિકંદન પર્યાવરણ માટે મોટું સંકટ હોવાનું દર્શઆવી એનજીટીએ જણાવ્યું કે, સરકારે તે સ્થળે તેવી કોઈ મંજૂરી ન આપવી જોઈએ, જેથી પર્યાવરણને અને મેંગ્રૂવ્સનાં જંગલોને નુકસાન થાય. ઉપરાંત એનજીટીએ રાજ્ય સરકાર અને વનવિભાગને 6 મહિનામાં જંગલોને યથાવત્ કરવા અંગે આદેશ કર્યો છે.
કચ્છના ભચાઉમાં નાની ચિરાઈ અને મોટી ચિરાઈમાં મેંગ્રૂવ્સના વિનાશની એનજીટીએ તપાસ હાથ ધરી હતી. સંવેદનશીલ ગણવામાં આવતો આ વિસ્તાર સીઆરઝેડ-1 (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન)માં આવે છે. એનજીટી સમક્ષ કરેલી ફરિયાદમાં કચ્છના એસોસિયેશને આરોપ લગાવ્યો છે કે કંડલા પોર્ટના અધિકારીઓ તેના માટે જવાબદાર છે, કેમ કે જે જમીન મીઠાઉદ્યોગને ફાળવવામાં આવી છે તે કંડલા પોર્ટ ટ્રસ્ટને આધિન છે.
કચ્છ કેમલ બીડર્સ એસોસિયેશને આરોપ લગાવ્યો છે કે, જે લોકોએ મેંગ્રૂવ્સનો નિકાલ કર્યો છે તેઓએ સીઆરઝેડ અને વનસંરક્ષણ અધિનિયમનો ભંગ કર્યો છે. કચ્છના ભચાઉમાં સૌથી વધુ મેંગ્રૂવ્સનો વિનાશ થયો છે. આ ઉપરાંત આરોપ મુકાયો છે કે, તેમણે કંડલા પોર્ટ ટ્રસ્ટ ઉપરાંત કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય સંસ્થાઓને ફરિયાદ કરી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી.
કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, મેંગ્રૂવ્સનું નિકંદન નીકળે તેવી કોઈ પ્રવૃત્તિ અમે નથી કરી. જો કે બે કંપનીઓને આપવામાં આવેલી જમીનમાં મેંગ્રૂવ્સનું નિકંદન નીકળી રહ્યું છે. અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, કચ્છમાં 100 કિ.મી.નો દરિયાકિનારો વિવાદિત છે, તે જમીન સરકારની છે કે કંડલા પોર્ટની તે હજુ સુધી સ્પષ્ટ નથી. અત્યાર સુધી અનેક ઘટનામાં સરકારે આ કંડલા પોર્ટ સુધી ફેલાયેલી જમીન મીઠા ઉદ્યોગને આપી છે.
કંડલા ટ્રસ્ટના અધિકારીઓએ એનજીટીને ખુલાસો કરતાં જણાવ્યું કે, ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલાં તત્ત્વો દ્વારા મેંગ્રૂવ્સનું નિકંદન કાઢવામાં આવ્યું હોઈ શકે. અમારી હદમાં આવેલી જમીનમાં કેટલાક લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે, જેને સરકાર આજદિન સુધી હટાવી શકી નથી. જે પૈકી કેટલાક લોકોએ સમુદ્રનાં પાણીના પ્રવાહને પાળા બનાવીને રોકી લેવામાં આવ્યો છે, જેથી 750 એકર જમીનમાં મેંગ્રૂવ્સનો વિકાસ થઈ શકતો નથી.
એનજીટીના ચુકાદા મુજબ ક્રીકમાં અવરોધના કારણે પાણીની અછત સર્જાતાં મેંગ્રૂવ્સનો વિકાસ થઈ શકતો નથી, જો આ જ સ્થિતિ રહેશે તો મેંગ્રૂવ્સનો વિનાશ થઈ જશે. આ ક્ષેત્રના વિકાસ માટે સરકારે કડક પગલાં ભરવાં જોઈએ.
ગુજરાત સરકારે પોતાના બચાવમાં જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ પર અમે પગલાં ભરી ફરિયાદ પણ નોંધી છે. ઉપરાંત મહેસૂલ વિભાગને આ જમીનમાંથી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવી મુક્ત કરવા પણ આદેશ અપાયા છે.