ગાંધીનગર,તા.24
જે પ્રોજેકટના રાજનેતાઓ દ્વારા અનેક સપના દેખાડવામાં આવ્યા હતા તે કચ્છના ભૂજમાં શરુ થનારો રુ.15 હજાર કરોડનો એલ્યમિનીયમ પ્રોજેકટ અંતે પડતો મુકવામાં આવ્યો છે અને બોકસાઈટની સંપતિ ધરાવતી કચ્છની ધરા માટે આ પ્રોજેકટ છેવટે સાકાર ના થનારુ સપનું જ સાબિત થયો છે. ઉઘોગ વિભાગે પણ આગળ કામ કરવાની ના પાડી છે ત્યારે આ પ્રોજેકટ હવે કયારેય પણ સાકાર નહી થાય.
2011માં થયા હતા એમઓયુ
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નાલ્કોના સંયુકત સાહસથી આ પ્રોજેકટને અમલમાં મુકવા માટે 2011માં એમઓયુ કરવામાં આવ્યા હતા. શરુઆતમાં પ્રોજેકટ માટે આશાપુરા માઈનકેમ ગુજરાત સરકારે એમઓયુ કર્યા હતા પરંતુ વર્ષો સુધી આ પ્રોજેકટ સાકાર ના થતા અંતે 2010માં જીએમડીસીએ નવેસરથી પાર્ટનર શોધવાની શરુઆત કરી હતી. જે તે સમયે આ પ્રોજેકટ માટે હિન્દાલ્કો, અદાણી ગૃપે પણ રસ દાખવ્યો હતો. છેવટે નાલ્કો સાથે સંયુકત પાર્ટનરશીપમાં આ પ્રોજેકટ શરુ કરવાનું નકકી કરાયું હતું.
જીએમડીસીની 26 ટકા ભાગીદારી
કચ્છના આ એલ્યુમિનીયમ પ્રોજેકટમાં વાર્ષિક 0.5 મિલીયન ટનનો એલ્યુમિનિયમ સ્મેલ્ટર પ્લાન્ટ સ્થપવાનો હતો. આ પ્રોજેક્ટમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન 26% ની પાર્ટનર હતી. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે જરૂરી જમીન પણ ફાળવી આપી હતી.
નાલ્કોએ પ્રોજેકટમાં રુ.151 કરોડ ચુકવ્યા
જીએમડીસીના સુત્રોની માનીએ તો કંપનીએ જરુરી 300 હેકટર જમીન પૈકી 100 હેકટર જમીન ખરીદી હતી. નાલ્કોએ એલ્યુમિના રિફાઈનરી અને સ્મેલટર પ્લાન્ટ માટે રુ.151 કરોડનું પેમેન્ટ પણ કરી દીધુ હતુ. વર્ષ 2011માં એલ્યુમિનીયમ પ્રોજેકટમાં જીએમડીસીએ નાલ્કો સાથે ભાગીદારી કરી તે સમયે એવો હેતુ હતો કે આ પ્લાન્ટમાંથી દર વર્ષે પાંચ લાખ ટન સ્મેલટર અને 10 લાખ ટન રિફાઈન્ડ એલ્યુમિના ઉત્પાદિત કરાશે.
પ્રોજેકટ પડતો મુકાયો
જીએમડીસીએ પોતાના 54માં વાર્ષિક અહેવાલમાં જણાવ્યુ હતુ કે નાલ્કોએ તૈયાર કરેલા ડીટેઈલ્ડ રીપોર્ટમાં 15 હજાર કરોડનો પ્રોજેકટ વાયેબલ ના જણાતા બંને ભાગીદારોએ સંયુકત સહમતીથી આ પ્રોજેકટ પડતો મુકવા નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં નાલ્કોએ જીએમડસીને પ્રોજેકટમાં થનારા વ્યાપક વીજ વપરાશ સંદર્ભે 2.2 રુપિયે પ્રતિ યુનિટ વીજળી મળે તેવી ગોઠવણ કરવા સુચન કર્યુ હતુ.
બોકસ:
આંતરાષ્ટ્રીય કંપનીઓએ આ પ્રોજેકટમાં રસ દાખવ્યો
એલ્યુમિના રિફાઇનરી અને સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપવા માટે અમેરિકાની એલ્યુ કેમ ઇન્કોર્પોરેશન, રશિયાની યુસી રૂસાલ, દુબાઇની દુબાઇ એલ્યુમિનિયમ લિમિટેડ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રસ દાખવ્યો હતો. જો કે હવે આ પ્રોજેક્ટ પર કોઇ નવી કંપની શોધવામાં નહીં આવે તેવું ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે. સરકાર આ પ્રોજેક્ટને હવે રદ કરવા માગે છે.