કમલમમાં મેરેથોન બેઠકો, અયોધ્યા મામલે કડક આદેશ અપાયા

ગાંધીનગર, તા.૦૨

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના ખરાબ પરિણામો અને કેન્દ્રીય નેતાગીરીની નારાજગી પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાર્ટીના સ્ટેટ કાર્યાલય કમલમમાં મળેલી મેરેથોન બેઠકમાં પાર્ટીએ મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાતમાં ઘટી રહેલો જનાધાર વધારવા માટે સોશ્યલ મિડીયાને એક્ટિવ કરવા તેમજ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રદેશ ભાજપ અને સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીથી નારાજ હોવાની છાપ ઉભી થઇ છે. પેટાચૂંટણીના પરિણામોમાં ઉત્તર ગુજરાતમાં ખેરાલુને બાદ કરતાં ત્રણ બેઠકોમાં પાર્ટીના ઉમેદવારોની હારની સમીક્ષા કરવા માટે એકત્ર થયેલા પ્રદેશ નેતાઓ વચ્ચે ગંભીરતા પૂર્વક ચર્ચાઓ થઇ છે.

સંગઠનની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે ડિસેમ્બરમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ બને છે તેના નામોની પ્રાથમિક ચર્ચા પણ આજે કમલમમાં થઇ હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્ટીની વિવિધ બેઠકોમાં ભાગ લઇને પાર્ટીના આગેવાનોને માર્ગદર્શન આપ્યું છે. મહત્વની બાબત એવી છે કે અયોધ્યાની વિવાદાસ્પદ જમીન અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવવાનો છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ અને કેબિનેટના મંત્રીઓએ શું કરવું અને શું ન કરવું એ મુદ્દે લંબાણપૂર્વક ચર્ચાઓ થઇ છે.

સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચૂકાદો અનામત રાખ્યો છે અને 17મી નવેમ્બર પહેલાં ચૂકાદો આપી શકે તેમ છે તેથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કમલમમાં ચર્ચાઓ થઇ છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પહેલાં કેન્દ્રીય મોવડીમંડળના કહેવાથી મુખ્યમંત્રીએ ભાજપના પ્રદેશ નેતાઓને કડક સૂચનાઓ આપી છે.

સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવે ભાજપના નેતાઓ પાર્ટીની સૂચના વિના કોઇપણ કાર્યક્રમો કે નિવેદનો આપી શકાશે નહીં. ભાજપના કેન્દ્રીય નેતાઓ એવું ઇચ્છતા નથી કે અયોધ્યાનો ચૂકાદો તેમના વિરોધમાં જાય નહીં. કોઇપણ પ્રદેશ નેતાઓ અણછાજતા વિવાદ ઉભા કરીને ચૂકાદાને અસર ન કરે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે મુદ્દે પ્રદેશ નેતાઓ વચ્ચે કેટલાક સૂચનો થયાં છે.

આ બેઠકમાં પેટાચૂંટણીના ખરાબ પરિણામોની સમીક્ષા તેમજ 2020ના ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી સંદર્ભે પ્રાથમિક ચર્ચાઓ પણ કરવામાં આવી છે. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન થાય અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો લોકો સુધી પહોંચે તેવી તાકીદ કરવામાં આવી છે.

નવેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, તે પૂર્વે રાજ્યની જનતા માટેની અનેક યોજનાઓની જાહેરાત કરવાનો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. આજની બેઠકમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો હજી પણ વપરાશ થતો હોવાથી પ્લાસ્ટીકના પ્રતિબંધનો કડક અમલ કરાવવા પણ મુખ્યમંત્રીએ પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરી છે.