અમદાવાદ,12
અમદાવાદની ભારત ભરમાં જાણીતી કેલિકો મિલની જમીનનું ઓક્શન કરવાની કાર્યવાહી પૂરી થતી નથી, ત્યારે બીજી તરફ કેલિકો મિલની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી દેનારાઓનો રાફડો ફાટી રહ્યા છે. કેલિકો મિલના કબજાની જમીનમાં 150થી વધુ પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. તેમ જ હોટેલ્સ અને ગેરેજ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના જ કાર્યકર અને કેલિકો મિલના કામદાર કિશોરભાઈ પરમારે પ્રધાનમંત્રીને અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને જાણ કરી હોવા છતાંય આ દબાણો દૂર કરવા માટે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ જાણ કરી છે.
પોલીસ કમિશનરને અગાઉ આપવામાં લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કેલિકો મિલની જમીનના કમ્પાઉન્ડમાં શાહ અબ્બાસની ચાલી પાસે, શાહ અબ્બાસની મસ્જિદ પાસે તથા સપ્તર્ષિ સ્મશાન પાસેની જમીન પર મુસ્તાક અલી પરમાર, રફીક આલમ પરમાર, ઇરફાન આલમ પરમાર, ઇમ્તિયાજ આલમ પરમાર, ઇરફાન આલમ પરમાર, સોહિલ વટવાવાળા અને આમીન અસલમ શેખ, અનીશ અસલમ શેખ, વલી લાઈટવાળાએ મળીને કેલિકો મિલની જમીમાં જ હાઈકોર્ટે નિયુક્ત કરેલા લિક્વિડેટરની સત્તામાં આવતી જમાલપુર પેટ્રોલ પમ્પ અને હનુમાનજીના મંદિર વચ્ચેની મિલની દિવાલને તોડી પાડીને ગેરકાયદેસર ગોદામો બનાવી દીધા છે. તેમણે ગટર, વીજળીના ગેરકાયદે જોડાણ લઈને આ જગ્યાઓ ભાડે આપી દીધી છે. શાહઅબ્બાસની ચાલી પાછળ આવેલી કેલિકો મિલની જમીનમાં 20 પાકાં મકાનો બનાવી દેવામાં આવ્યા છે. શાહ અબ્બાસની મસ્જિદની પાછલ મિલના પ્લાન્ટની જગ્યા પર જ 23 પાકાં મકાનો બાંધી દેવામાં આવ્યા છે. બાબા લવલવીની દરગાહની બાજુંમાં નાળા ઉપર 7 પાકા મકાન બાંધી દેવામાં આવ્યા છે. દેવીપૂજક સમાજની કબ્રસ્તાનની દિવાલ તોડીને તેમાં ગેરકાયદેસર રીતે 18 પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓમાંના એક વલી લાઈટવાળા સપ્તર્ષિ સ્મશાનના વિસ્તારમાં વીજ ચોરી કરીને 200 મકાનમાં વીજળીનો પુરવઠો આપવાનું કામ કરતો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે દાણી લીમડાની પોલીસને ફરિયાદ કરવામાં આવે તો તેઓ એમ કહે છે કે આ દબાણ દૂર કરવાનુ કામ અમારું નથી. અમે તો હાઈકોર્ટ તરફથી હુકમ કરવામાં આવે તો જ અમે તેને દૂર કરવાની કામગીીરી કરી શકીએ છીએ. અમદાવાદના રિવર ફ્રન્ટની નજીક આવેલી આ જમીનનું સારામાં સારું મૂલ્ય ઉપજી શકે તેમ છે. પરંતુ તેના પરના દબાણો આગામી વરસોમાં તેની હરાજીમાં પણ મોટા અવરોધો ઊભા કરી શકે તેમ છે.
કિશોર પરમારે ચીફ જ્સ્ટિસને કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે 1996થી કેલિકો મિલ બંધ પડેલી છે. ત્યારથી કેલિકો મિલની જવાબદાીર ઓપિશિયલ લિક્વિડેટરના હાથમાં છે. પરંતુ આ જમીન પર ભૂમાફિયા, અસામાજિક તત્વો અને લઘુમતી કોમના લોકોએ કબજો જમાવવા માંડ્યો છે. કેલિકો મિલની જમીન પર ગેરકાયદે કબજો જમાવીને લુખ્ખાગીરી કરનારાઓ જમીનના ભાડાં પેટે લાખોની આવક કરી રહ્યા છે. આ અંગે ઓફિશિયલ લિક્વિડેટરને જાણ કરવામાં આવી હોવા છતાંય તેમના તરફથી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. પરિણામે કેલિકો મિલની જગ્યા અસામાજિક તત્વો અને ગુંડાઓનો અડ્ડો બની ગઈ છે. રિવર ફ્રન્ટને અડીને આવેલી આ જમીન પર કબજો કરવા માટે અસામાજિક તત્વોમાં હોડ લાગી ગઈ છે.
આ સંજોગોમાં જમાલપુર ચાર રસ્તા અને એપીએમસી સામે આવેલી કેલિકો મિલના 6000 કામદારોના બાકી લેણા આપવાની કામગીરીમાં અવરોધ ઊભો થશે. કામદારોના અંદાજે રૂા. 40થી 50 કરોડના લેણા બાકી છે. આ જમીનની અગાઉ યોજવામાં આવેલી હરાજીમાં રૂા.300 કરોડની આસપાસની કિંમત મૂકવામાં આવી હતી. આ જમીનની હરાજીમાં ભાગ લેનારા લેન્ડ ડેવલપરે કાર્ટેલ કરીને અપસેટ વેલ્યુની આસપાસના ભાવે જ સોદા કરવાનો નિર્ણય લીધો હોવાના આક્ષેપ થતાં હરાજી રદ કરવામાં આવી હતી. આ જમીનની હરાજી કરી દેવામાં આવે તો 6000 કામદારોના પૈસા છૂટા થઈ શકશે. અન્યથા કેલિકો મિલના કામદારો માટે તેમના નાણાંનું વળતર મેળવવું સપનું બની જશે.