કૈલાસનાથનને મોદીના દબાણથી એક્સટેન્શન

મુકિમની જેમ કૈલાસનાથન માટે પણ મોદીને સીધી સૂચના આપવી પડી

મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી એવી વ્યક્તિ છે કે જેના વિના નરેન્દ્ર મોદીને ચાલે તેમ નથી, રાજ્યની ગુપ્ત માહિતી તેઓ મોદીને આપતા હોય છે

ગાંધીનગર

ગુજરાતના મુખ્યમંત્રી કે કૈલાસનાથનને રાજ્ય સરકારે વધુ એક વખત એક્સટેન્શન આપ્યું છે. તેઓ જ્યારે દિલ્હી ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની બન્ને વચ્ચેની મુલાકાત બાદ કૈલાસનાથનને એક્સટેન્શનનો પત્ર આપવામાં આવ્યો છે.

ગુજરાત સરકારમાં કૈલાસનાથન એવી વ્યક્તિ છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીક છે. રાજ્ય સરકારમાં શું ચાલી રહ્યું છે. કેવા પ્રકારના ફેરફારોની આવશ્યકતા છે, કોણ શું કરે છે તેનું સીધું ધ્યાન કૈલાસનાથન રાખી રહ્યાં છે. તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારને જોડતી એક કડી માનવામાં આવે છે. રાજ્યના ચીફ સેક્રેટરી કોણ થશે તે કૈલાસનાથન નક્કી કરતા હોય છે પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીએ સીધી સૂચના આપી છે.

રાજ્યની બ્યુરોક્રેસીમાં ક્યારે અને કેવા ફેરફારો કરવા જોઇએ તેની સલાહ તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપે છે. 1979 બેચના ગુજરાત કેડરના આ અધિકારીને રાજ્ય સરકારે છેલ્લે  ડિસેમ્બર 2017માં એક્સટેન્શન આપ્યું હતું. 66 વર્ષના કૈલાસનાથનને 2013થી એક્સટેન્શન મળતાં આવ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૈલાસનાથન વયનિવૃત્ત થયા પછી તેમના માટે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરવામાં આવી છે.

તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે મુખ્યમંત્રી કચેરીમાં તેઓ અધિક મુખ્ય સચિવ હતા. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામગીરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ 24 કલાકમાં તેમનો નવો ઓર્ડર થઇ ગયો છે, જે ઓર્ડર ડિસેમ્બર 2017માં સમયસર મળ્યો ન હતો તેથી તેઓ રાજ્ય સરકારથી થોડા નારાજ થયા હતા. આ વખતે કૈલાસનાથન અને અનિલ મુકિમનો સીધો ઓર્ડર પીએમઓની સૂચનાથી કરવામાં આવ્યો છે.

કૈલાસનાથન 2006માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્રસચિવ તરીકે દાખલ થયા હતા. આ સમયથી તેઓ મુખ્યમંત્રી કચેરીમાં કામ કરી રહ્યાં છે. તેમનો સમયગાળો એક રેકોર્ડ છે. હવે નવા ઓર્ડર પ્રમાણે રૂપાણી એટલે કે ભાજપ સરકારની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહી શકશે.

ગુજરાત સરકારમાં પોલિટીકલ ગતિવિધિઓ પર નજર રાખી શકે તેવા એકમાત્ર કૈલાસનાથન છે. રાજ્યના બીજા કોઇ અધિકારી સરકારની રખેવાળી કરે છે પરંતુ કૈલાસનાથનની નજર આવનારી ચૂંટણીઓ અને તેની સ્ટેટેજી બનાવવામાં હોય છે. રાજ્ય સરકારની તમામ પોલિસી અને નિર્ણયોમાં કૈલાસનાથનનું મહત્વનું યોગદાન હોય છે. મોદી જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર થયા ત્યારે કૈલાસનાથને દેશભરમાં મોદી માટે યાત્રાઓ કરી હતી.

કૈલાસનાથનને કોઇ રાજ્યના રાજ્યપાલ બનાવવાની અફવાઓ વર્ષોથી ચાલતી આવે છે પરંતુ જો રાજ્ય સરકારમાંથી તેમને હટાવી લેવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનું સંકલન તૂટી જાય તેમ છે તેથી નરેન્દ્ર મોદી તેમને અન્ય કોઇ જગ્યાએ લઇ જતા નથી. કૈલાસનાથનનો રોલ એક રીતે સ્વતંત્ર છે. કેન્દ્રની યોજનાઓનું ગુજરાતમાં કેવી રીતે પાલન કરવું, રાજ્યની કઇ યોજનાથી લોકોમાં પ્રસિદ્ધિ મળશે તેવી સઘળી બાબતો તેઓ જાણે છે અને સરકારને સલાહ આપે છે.