કોંગ્રેસને ચૂંટણી જીતાડીને દેખાવ બતાવો અન્યથા પદ છોડો

 

ગાંધીનગર, તા.15

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 15 નેતાઓના એકહથ્થુ શાસનને કારણે રાજ્યમાંથી કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાને ફોન કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ નહિ હોય તો પદ છોડવાની તૈયારી રાખવાની તૈયારી રાખવા ચેતવણી આપી દીધી છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જનસત્તા સાથે વાત કરતાં કહ્યું હતું કે, રાહલ ગાંધી અહીં આવ્યા ત્યારે રાહુલ સાથે કોર્ટ કચેરીની વાત થઈ હતી. પણ તેમણે આવી કોઈ સૂચના આપી નથી. ચાવડાની વાતથી ભિન્ન વાત પક્ષના નેતાઓ કહી રહ્યાં છે. કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના ત્રણ નેતાઓને સવારે ફોન કર્યા છે. જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીને ફોન કર્યા છે. તેમને સ્પષ્ટ સૂચના આપી છે કે, વિધાનસભાની ચૂંટણી જીતીને નેતાઓ પોતાનો દેખાવ બતાવે. જો નહીં બતાવી શકે તો તેમણે હોદ્દા છોડવા પડશે. જ્યારે દિલ્હીના સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી હવે પક્ષનું નબળુ પરફોર્મર કે એક જ નેતાની હુકમશાહી ચલાવવા તૈયાર નથી. જયરાજસિંહ, બદ્દરૂદ્દીન અને મનહર પટેલ સાથે પક્ષના નેતાઓના ખરાબ વર્તાવ બાદ ગુજરાતમાંથી રાહુલને છપાલેયા અહેવાલો આપવામાં આવ્યા હોવાનું દિલ્હીના સૂત્રો કહી રહ્યા છે.

કેમ આપ્યું અલ્ટીમેટમ?

11 ઓક્ટોબરે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીને મળવા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીને મળતાં અટકાવ્યા હતા. તેમણે વ્યથા સોશિય મીડિયા થકી વ્યક્ત કરી હતી. તેમણે કોંગ્રેસ મોવડી મંડળને વાત રજૂ કરી હતી. જે અંગે જનસત્તાએ 14 ઓક્ટોબરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ તમામ ઘટનાને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ પ્રદેશ નેતાગીરીને સવાલ કર્યો હતો કે, આ પ્રકારની જૂથબંધીને કારણે કોંગ્રેસ કેવી રીતે ગુજરાતમાં ફરીવાર પોતાનું સ્થાન બનાવી શકશે? જે પેટાચૂંટણીઓ છે તેમાં કેવી રીતે જીતી શકશે? આવા અણિયાળા સવાલો વચ્ચે પ્રદેશ નેતાગીરી અવાક બની ગઈ હતી. પક્ષને સાચીવાત કહી તેથી તેમને કારણદર્શક નોટિસ પણ આપી છે. આ સંજોગોમાં રાહુલ ગાંધીએ પ્રદેશ નેતાગીરીને પેટાચૂંટણીમાં સારો દેખાવ કરવા માટે ચેતવણી આપી હતી અને જો દેખાવ સારો ન થઈ શકે તો પદ પરથી રાજીનામા આપવા સુધીનું અલ્ટીમેટમ આપી દીધું હતું.

કોંગ્રેસની કાળો કકળાટ કાઢવા કવાયત

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને અમપાના કોંગ્રેસના કાઉન્સિલર બદરૂદ્દીન શેખના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને અમદાવાદ આવવું પડ્યું હતું.

પ્રદેશ મહામંત્રીનો સ્વિકાર

રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓને રાહુલ ગાંધીએ આપેલા અલ્ટીમેટમ અંગે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હિમાંશુ પટેલે પૂષ્ટિ કરી હતી કે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. પ્રવક્તા ડો. મનિષ દોશીએ આ વાતનો ઈનકાર કર્યો હતો.

પ્રદેશ પ્રવક્તાનો સ્વિકાર

પ્રદેશના પ્રવક્તા મનહર પટેલે કહ્યું કે, રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રાહુલ ગાંધીએ ફોન કરીને પેટાચૂંટણીમાં સારો દેખાવ કરવાની સૂચના આપી છે અને જો સારો દેખાવ ન થાય તો પદ છોડવાની તૈયારી રાખવાની ચેતવણી પણ આપી છે.

પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ લગાવ્યું એડીચોટીનું જોર

રાહુલ ગાંધીના આદેશ બાદ સફાળા જાગેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તાત્કાલિક અસરથી વિધાનસભાની છ બેઠકો માટેની પેટાચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી  છેલ્લાં બે દિવસથી રાધનપુરમાં ધામા નાખીને બેઠા છે.