અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લોકોને રાહત આપશે. ગુજરાતની ખાદી સંસ્થાઓ માટે આ એક ઉદાહણરૂપ છે.
ચરખા અને હાથસાળ દ્વારા ખાદી સંસ્થાઓ સધ્ધર થઈ છે. પણ લોકોના આફતના સમયે તે મદદ માટે ભાગ્યે જ આવે છે. ઘણી એવી સંસ્થાઓ છે કે જે વર્ષે રૂ.100 કરોડનો ખાદીનો ધંધો કરે છે. ત્યારે ગાંધી જયંતીના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ખાદી સંસ્થાઓ હવે દુષ્કાળમાં આગળ આવી રહી છે. ગાંધીજીના વિચારો પર ચાલતી આ સંસ્થાઓ ગુજરાતમાં વેરણ છેરણ થઈ ગઈ છે અને ત્રણ ભાગલા પડી ગયા છે. તેઓ સરકાર સાથે પ્રશ્નો ઉકેલવામાં પડી છે પણ પ્રજાની તકલીફોની પડી નથી. તમામ ખાદી સંસ્થાઓએ રોજગારી વધારીને કે દુષ્કાળ રાહત જાહેર કરીને અમરેલીમાં જે થયું એવું સમગ્ર ગુજરાતમાં થવું જોઈએ, એવું ગુજરાતના લોકો ઈચ્છી રહ્યાં છે.
ગામડાંઓમાં રહેલા ગરીબોને રાહત મળી રહે તે માટે વર્ષ 1918માં ગાંધીજીએ ખાદી ચળવળ શરૂ કરી આઝાદીની લડત સાથે જોડી હતી. ગાંધીજીનો વિચાર એવો હતો કે ખેતરોમાં ઉગતા કપાસમાંથી રૂ મેળવી લોકો ઘરે બેઠાં જ ચરખો અને હાથસાળ ચલાવી ખાદી બનાવે. હવે ગુજરાતમાં ગામડાના લોકોને જરૂર છે ત્યારે ખાદી બનાવતી સંસ્થાઓએ લોકોને રોજગારી કે અનાજ આપવું જોઈએ. ખેતીમાં દુષ્કાળ અને અન્ય અનિશ્ચિતતાઓના કારણે ગામડાના લોકો પીડાઈ રહ્યાં છે.
ગુજરાતમાં 16,384 ખાદી તૈયાર કરતાં કારીગરો સરકારના ચોપડે છે. હવે આ કારીગરો લુપ્ત થઈ રહ્યાં હોય તેમ ખરેખર તો 5,000 કારીગરો જ ખાદી બનાવી રહ્યાં છે. ગુજરાતમાં 11,000થી પણ વધુ લોકોને રોજગારી પણ મળી રહી નથી. સરકાર દ્વારા મળતી સહાયની રકમ યોગ્ય રીતે વપરાતી નથી. ગુજરાતમાં 171 ખાદી સંસ્થાઓ પૌકી 20થી 30 ખાદી સંસ્થાઓ જ સાચા અર્થમાં ખાદીનું કાપડ બનાવે છે. તેમની પાસે ખાદીના કારીગરો છે. બાકીની સંસ્થાઓએ ચરખામાં તૈયાર થયેલી આંટીને હાથસાળ વડે વણીને આપવી જોઈએ. આજે સમય છે કે દુષ્કાળમાં લોકોને ખાદી વણવા માટે તાલીમ આપીને તેમને 8 મહિના માટે રોજગારી આપવી જોઈએ.
રૂની પૂણી માંથી સુતરની આંટી બનાવવાની મજૂરી આંટી દીઠ રૂ.5.5 કાંતનારને આપવામાં આવે છે. તેમાં થોડો વધારો આપવાની જરૂર છે. મજૂરી ઉપરાંત રાજ્ય સરકાર આંટી દીઠ રૂ.3 વધારાની સહાય આપે છે. તે વધારી આપવા માટે સરકારને કહેવું જોઈએ. હાથસાળ પર કાપડ વણનારાને મીટરદીઠ રૂ.20ની મજૂરી મળે છે તે રૂ.25 કરીને ગુજરાતના દુઃખી લોકોને મદદ કરવી જોઈએ. વણાટ પર સરકાર એક મીટર રૂ.6 આપે છે. તે 10 કરે તો ઘણાં લોકોને રોજગારી મળી શકે તેમ છે. ખાદી વણનારાઓના ખોટા બેંક ખાતામાં ખાદીના નામે રૂપિયા જમા થઈ રહ્યાં છે તે હવે આ ગાંધીની સંસ્થાઓએ બંધ કરવું જોઈએ.
ચરખામાં આંટી કાંતનારી વ્યક્તિ એક દિવસમાં સરેરાશ 30 આંટી કાંતી શકે છે. જે હિસાબે ચરખો કાંતી રૂ.255 મજૂરી મેળવી શકે તેમ છે. એક વ્યક્તિ દિવસમાં સરેરાષ 10 મીટર કાપડ વણે છે. આમ બેરોજગારી દૂર કરવાનું આ શ્રેષ્ઠ સાધન છે. પણ લોકોને પૂરતું વળતર આપવાની ખાદી સંસ્થાઓની ફરજ છે. ગાંધીજીએ ગામડાઓનું અર્થતંત્ર કાપડ વળીને મજબૂત કરવાનું હતું તે હજુ પણ શક્ય છે. હવે કુદરતી કાપડની ભારે માંગ ઊભી થઈ રહી છે. ત્યારે દુષ્કળમાં લોકોને આ અંગે તાલીમ આપી બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે.
રૂની પુણીની પોલ
ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન(કે.વી.આઈ.એસ.)ના મધ્યપ્રદેશના પ્લાન્ટમાં કપાસમાંથી તૈયાર થયેલી રૂની પૂણી ગુજરાતમાં ખાદી બોર્ડના સુરેન્દ્રનગરના સંગ્રહાલયમાં મોકલાવે છે. ખાદી મંડળીએ તેના 20 ટકા આપવાના રહે છે. ખાદીનું વેચાણ થયા બાદ બાકીની 80 ટકા રકમ આપવાની રહે છે. કારીગરો, ચરખાઓ અને હાથસાળ કાગળ પર જ છે. પૂણી તો મીલમાં આપી દેવામાં આવે છે. સબસીડી અને રીબેટ અંગે ગુજરાત સરકારે તેમાં તપાસ કરી નથી. 200થી 300 રૂપિયે ખરીદાતી પૂણી લેતી હોય એવી 20થી 30 સંસ્થાઓ જ છે. બાકીની ખાનગી પેઢી જેવી 171 સંસ્થાઓ મીલનું કાપડ ખાદી તરીકે વેચે છે. હવે ભૂતીયા કારીગરો રાખવાના બદલે સૌરાષ્ટ્રમાં ખાદીના કારીગરો આ દુષ્કાળમાં તૈયાર કરવાની જવાબદારી ખાદી સંસ્થાઓની છે. ગુજરાતની 70 ટકા ખાદી સંસ્થાઓ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ છે.
5 મહિનાનું કામ 15 દિવસમાં કેમ પૂરું થયું
ગુજરાત સરકારે શાળાઓમાં ગણવેશ માટે ખાદીની ખરીદી કરવા માટે 34 સંસ્થાઓને રૂ.2.48 કરોડનો 1.50 લાખ મીટર ખાદીનું કાપડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ અને ખાદી બોર્ડે 16 ઓગસ્ટ 2018માં કામ આપ્યું અને 15 દિવસમાં તમામ કાપડ સરકારે વળીને આપી દીધું હતું. જે ખરેખર હાથથી વણતાં 5થી 6 મહિલા ગુજરાતના તમામ કારીગર કામ કરે તો થાય તેમ હતું. મિલનું પોલી વસ્ત્ર સરકારને ઊંચા ભાવે આપવામાં આવ્યું હોવાનો આરોપ પણ છે.
ઊંચા ભાવ
કાપડ હાથથી વણવાનું હતું તેથી બુશર્ટનું કાપડ એક મિટરના રૂ.184 અને ચડ્ડી માટે રૂ.200 એક મિટરના ચૂકવાયા હતા. જે ખરેખર મીલનું કાપડ રૂ.30થી 60માં મીટર મળી શકે છે. આમ ઊંચા ભાવ ખાદીના નામે આપવામાં આવ્યા હતા. જો ગુજરાત પાસે 20 હજાર ખાદી વણનાર હોત તો આવું ન કરવું પડત. તેથી ખાદી વણનાર વધે એવું આ વર્ષે કરવાની જરૂર છે.
ખાદીના નામે હવે મીલનું કાપડ આપવામાં આવી રહ્યું છે. હવે ગાંધીજીના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તેથી રૂ.100 કરોડનું ટર્નઓવર કરતી સંસ્થાઓએ ગુજરાતમાં ખરેખર ખાદી વણનાર વર્ગ ઊભો કરવાની આ વર્ષે 2019માં સારી તક છે. સરકાર પણ તેમાં મદદ કરે તે માટે રજૂઆત કરવી જોઈએ એવું અમદાવાદના એક ખાદી વણાટ કેન્દ્રના જવાબદાર વ્યક્તિએ જણાવ્યું હતું. – દિલીપ પટેલ