મોડાસા, તા.૦૬
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી છે. પરોયાની આ ડિઝીટલ પ્રાથમિક શાળા ૨૫૦ બાળકો ધરાવે છે, ગરીબથી માંડીને તવંગર વર્ગના તમામ બાળકો એક જ છતની નીચે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે. કેમ કે આ શાળાની સુવિધાઓ જ એવી છે કે અન્ય ખાનગી શાળાની સરખામણીએ અધ્યતન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેમાં સરકારના વિવિધ પ્રોજેકટ જેવા કે જ્ઞાનકુંજ, ટ્રાન્સપોર્ટેશન, મધ્યાન ભોજન યોજના, કોમ્પ્યુટર લેબ, શાળા તત્પરતા વર્ગ,સુવિધાથી સંપન્ન વર્ગો તેમજ શિક્ષણના તમામ પાસાઓને શિક્ષકો પોતાનીઆગવી સૂજનો ઉમેરો કરી મહત્તમ શિક્ષણ આપવા કાર્યરત છે.શાળામાં પ્રવેશતા જ શાળાની તમામ દિવાલો પર સુંદર શૈક્ષણિક ચિત્રોનુ નિર્માણ કાર્ય બાળકના મનમાં શિક્ષણ પ્રેરક વિચારો ઉત્પન્ન કરે છે. શાળાના આચાર્ય સચિનભાઇ જણાવે છે કે, શિક્ષણ દરેક સમાજના વિકાસ માટે અત્યંત મહત્વનુ પરીબળ છે. જેનુ મહત્વ શાળાના શિક્ષકો ખુબ સારી રીતે સમજે છે અને બાળકો શિક્ષણની રૂચિ કેળવે અને તેમની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે વાલી ઘેર બેઠા જાણી શકે અને પોતાના બાળકોની એકમ કસોટીના પરિણામ જાણી શકે તે માટે શાળાના દરેક વર્ગ શિક્ષકે એક વોટસએપ ગ્રૃપ બનાવ્યુ છે. જેમા દરેક વિદ્યાર્થીઓના વાલી સાથે સંપર્ક કરી તેમના સંતાનોના પરિણામ આપી શકાય તથા શાળાની પ્રવૃતિની જાણકારી આપવા માટે ખાસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમા શાળાના આચાર્ય પોતે શાળાની પ્રવૃતિઓ વિશે માહિતી મુકે છે. રાજ્ય સરકાર દ્રારા અમલી જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં શાળાના ધોરણ ૭ અને ૮માં પ્રોજેક્ટર આપવામાં આવ્યા હતા, જેથી માત્ર બાળક શિક્ષક દ્રારા આપવામાં આવતા કંટાળાજનક પ્રવચન પધ્ધતિના શિક્ષણથી વિશેષ દ્ર્શ્ય શ્રાવ્ય પધ્ધતિ શિક્ષણ વધુ ગહન અને મજબૂત થાય છે. પ્રોજેક્ટરથી શિક્ષણનો આ વિચાર ગ્રામજનોને પસંદ પડતા ગ્રામજનોએ લોકફાળા દ્રારા શાળાના બીજા બે વર્ગ એટલે કે ધોરણ ૫ અને ૬માં પણ પ્રોજેક્ટર આપી એક ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
ડિઝીટલ યુગમાં બાળકો ટેકનોલોજીને સમજે અને તેનો ઉપયોગ તેમના જ્ઞાનમાં વધારો કરવામાં કરે સાથે સરકારી શાળાઓ વિશેના લોક વિચારો આ શાળાની મુલાકાત બાદ બદલવા જ પડે તેવુ સુંદર અને બાળ માનસને અનુરૂપ શાળાનુ વાતાવરણ. શાળા પ્રવેશ સમયે બાળક પ્રથમ દિવસે રડ્તુ હોય, તેની સ્વતંત્રતા છીનવાઇ જાય તેવુ તેને લાગે આ માટે આ શાળામાં ખાસ ધોરણ-૧માં પ્રવેશતા બાળકો માટે એક અલાયદો વર્ગખંડ છે. જેનુ નામ છે “કલરવ” શાળા તત્પરતા વર્ગ- જેમા બાળગીતો, ભીંત પર કાર્ટુન અને રંગબેરંગી ચિત્રો જોવા મળે છે, તો વળી ટીવી કરતા રમકડા બાળ માનસનો વિકાસ ઝડપથી કરે છે, તેથી જ તો આ વર્ગ બાળકોને વધુ આકર્ષિત કરે છે. આ ગામમાં પુસ્તકાલય નથી, પરંતુ બાળકો દ્રારા રજાના દિવસે ઘેરેઘેર જઈ વાંચનનો રસ ધરાવતા લોકોને પુસ્તક અપાય છે. આ કાર્યથી બાળકમાં સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજાય છે. આ પ્રવૃતિને શાળાએ ઝોળી પુસ્તકાલયનુ નામ આપ્યું છે. પહેલા શાળાના પુસ્તકો અપતા હાલ ગામમાં કોઇનો જન્મદિન હોય તો શાળાને પુસ્તકો દાનમાં આપે છે. આ પ્રવૃતિ ગામના યુવકો જે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે છે તેમના માટે અત્યંત ઉપયોગી બની છે. વિજ્ઞાનના સંસ્કરણના સ્વીકાર સાથે આપણી આવનારી ભારતીય પેઢીને મૂલ્ય શિક્ષણની એટલી જ જરૂર છે જેનો સ્વીકાર બાળ માનસમાં થાય અને ગ્રામજનો પણ શાળા સાથે જોડાયેલા રહે તે માટે શાળામાં ગાયત્રી યજ્ઞ, ગુરૂ પૂર્ણિમાએ માતૃ-પિતૃ વંદના, રક્ષાબંધન, વડીલોનો ઋણ સ્વીકાર વગેરે જેવી પ્રવૃતિ થકી બાળકોમાં નિતી વિષયક જ્ઞાન આવે તે માટે આ શાળા કાર્યરત છે. આ શાળામાં દર ગુરૂવારે બાળકોના નખ, કાન અને સ્વચ્છતા વગેરેની બાળ ડોક્ટર દ્રારા જ ચકાસણી થાય છે. જેથી સ્વચ્છતા વિશે બાળકોમાં જાગૃતિ આવવાથી બિમારીનુ પ્રમાણ પણ ઘટ્યુ છે અને બાળકોની શાળામાં હાજરી વધી છે. સાથે શાળામાં છોકરા અને છોકરીઓને હાજરી ધ્વજ આપવામાં આવે છે અને જેની હાજરી શાળામા વધુ હોય તેમનો ધ્વજ શાળા મકાન ઉપર લહેરાવામાં આવે છે. જેનાથી બાળકોમા સ્પર્ધા થવાથી હાજરીનુ પ્રમાણ વધ્યુ જેનાથી શાળાના શૈક્ષણિક સ્તરમાં પણ સુધારો થયો છે.
આ શાળાનો ગુણોત્સવ ગ્રેડ ૨૦૧૪મા હતો જે ૨૦૧૮-૧૯માં છ ગ્રેડ મેળવેલ છે. જેના માટે સરકાર દ્રારા ૧૦,૦૦૦ પુરસ્કાર પણ મળેલ છે.