અમદાવાદ, તા.26
પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસેથી ચાર્જ વસૂલવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગરીબોની સેવા?
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જીસીએસ હોસ્પિટલના ફેસિલિટી ડિપાર્ટમેન્ટમાં અગાઉ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા યુવરાજસિંહ રાઠોર કહે છે કે, ‘મૈ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ સુંધી જીસીએસ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું છે. જેમાં દર્દીઓ સાથેની છેતરપીંડીથી માંડીને જુદાં જુદાં કોન્ટ્રાકટ ના ખોટા બિલોની ઘણી હિસાબીય ભૂલો મૈ પકડી પાડી હતી. અલબત્ત કોન્ટ્રાક્ટરો હોસ્પિટલ મેનેજમેન્ટનાં જ કેટલાક ઉચ્ચ અધિકારીઓના મેળાપીપણા ગેરરીતિ આચરતાં હોઈ મારી સામે ખોટો કેસ કરી મને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. જે બાબતે મે લેબર કોર્ટમાં કેસ પણ કર્યો છે. તેઓ ઉમેરે છે કે સરકાર દ્વારા આ જમીન ગુજરાત કેન્સર સોસાયટી ની મફતના ભાવે ટ્રસ્ટના નામે આપવામાં આવી છે. પરંતુ હવે અહીં ખાનગી હોસ્પિટલની માફક મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા બીપીએલ કાર્ડધારકો પાસેથી પણ ચાર્જ લેવામાં આવે છે. હવે મા કાર્ડ પણ ચલાવામાં આવતું નથી. ટ્રસ્ટના નામે ઉભી કરેલી હોસ્પિટલમાં સ્પેશિયલ ઓપીડી ચલાવી શકાય નહીં, છતાં અહીં સ્પે.ઓપીડી ચલાવી દર્દીઓ પાસેથી રૂ ૪૦૦ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. સ્પેશિયલ રૂમના ૧૮૦૦-૨૦૦૦ રૂપિયા વસુલવામાં આવે છે. અહીં એક્સ-રે, સોનોગ્રાફી, મેડીકલ ટેસ્ટ તમામ ચાર્જેબલ છે. ઓર્થોપેડિક ઇમપ્લાન્ટ, આંખના લેન્સ, જડબના ઇમપ્લાન્ટ વિગેરેના પણ તગડાં ભાવ લેવાય છે. આઇસીયુમાં વેન્ટિલેટર ના રૂ ૫૦૦૦ ઉપરાંત ડોક્ટરનો વિઝીટ ચાર્જ અને નર્સિંગ ચાર્જ પણ લેવાય છે. અન્ય હોસ્પિટલમાંથી આઇસીયુમાં દાખલ થતાં દર્દી પાસેથી રૂ ૧૫૦૦ ચાર્જ લેવામાં આવે છે. વળી મેડીસીન નો પણ બમણો ભાવ લેવામાં આવે છે. ગરીબોની સેવાના નામે મેળવેલી સરકારી જમીન ઉપર ઉભી કરેલી હોસ્પિટલમાં રીતસરનો ધંધો જ થઈ રહ્યો છે.
દર્દીના મોત છતા વીઝીટ ચાર્જ વસુલાયો
કૃષ્ણનગર એસ આર પી હેડક્વાર્ટરના એક પોલીસ કર્મચારી બાબુભાઇ પરમારની ફરિયાદ મુજબ તેમની દીકરી સોનલને જીસીએસ હોસ્પિટલનર્સ આઇસીયું વોર્ડમાં દાખલ કરી હતી. ત્રીજા દિવસની રાત્રે જ્યારે તેમના પત્ની જસુ બેન દીકરીની સાથે આઇસીયું માં હાજર હતા ત્યારે સોનલની તબિયત બગડતા વારંવાર ડોક્ટરને બોલાવવા છતાં કોઈ આવ્યું નહિ છેવટે તેમની દીકરીનું કરૂણ મોત નીપજ્યું હતું. અલબત્ત સોનલના મૃત્યુ બાદ પણ હોસ્પિટલ દ્વારા ડોકટર-નર્સનો વિઝીટ ચાર્જ ફાઇનલ બીલમાં વસુલવામાં આવ્યો હતો. આવા કેટલાય દર્દીઓએ તેમની ફરિયાદો સુપ્રીટેન્ડન્ટ અને જનરલ મેનેજર નેહાલાલને સંબોધીને લખી છે પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
સ્ટાફ ઉપલબ્ધ નહી
સૌથી ગંભીર બાબત એ છે કે અહીં રાતે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ હોતો જ નથી. આથી જો મોડી રાતે કોઈ ગંભીર કેસ આવે તો તુરંત જ સિવિલ હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અંગે યુવરાજસિંહે ચેરીટી કમિશનરમાં પણ ફરિયાદ કરી છે પરંતુ ત્યાંથી પણ કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી.