ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠનું ટપાલ કવર બહાર પાડવામાં આવશે

અમદાવાદ, તા. 06

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત કરાયેલી ગૂજરાત વિદ્યાપીઠને આવનારા દિવસોમાં ખાસ ભેટ મળે એવી શક્યતાઓ છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આગામી દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠનું ખાસ ટપાલ કવર દેશના ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. આ અંગે વિદ્યાપીઠના સત્તાવાળાઓ અને ટપાલ વિભાગ વચ્ચે થયેલી વાતચીતના ભાગરૂપે ગાંધીજીની તસ્વીર અને પ્રાણજીવન છાત્રાલયના સો વર્ષ નિમિત્તે એક તસ્વીર નક્કી કરાઈ છે. જેને આગામી દિવસોમાં મંજૂરી મળી જશે તો વિદ્યાપીઠની સ્થાપના એટલે કે 18મી ઓક્ટોબરે તેનુ ટપાલ કવર બહાર પાડવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેના ટપાલ કવર પર મહાત્મા ગાંધી અને પ્રાણજીવન છાત્રાલયના દરવાજાની તૈયાર કરાયેલી ડિઝાઈન વિભાગને મોકલી આપી છે. પ્રાણજીવન છાત્રાલય જેમના નામથી શરૂ કરાયું હતું તે પ્રાણજીવન મહેતાએ તે સમયે રૂ. 1.5 લાખનું દાન કર્યું હતું. આ છાત્રાલય એ વિદ્યાપીઠનું પ્રથમ મકાન હતું. અને આ મકાનને તે સમયના જાણીતા એન્જિનિયર ભાઈકાકા દ્વારા બનાવવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાપીઠ અને ટપાલ વિભાગ વચ્ચે આ પ્રદર્શન અંગે વાટાઘાટો થઈ છે. દરમિયાનમાં આ વિચાર બહાર આવ્યો હતો. તેથી વિદ્યાપીઠે વિભાગની શરતોને આધીન રહીને ડિઝાઈન તૈયાર કરી છે.

આ વાતને ટપાલ વિભાગના પબ્લિક રિલેશન્સ ઈન્સ્પેક્ટર સંદીપ બ્રહ્મભટ્ટે પૂષ્ટી કરતાં કહ્યું કે, અમદાવાદના વરિષ્ઠ ટપાલ અધિકારીને ગૂજરાત વિદ્યાપીઠનો સંપર્ક કરી તેમની વિશેષ ટપાલ કવર જે પ્રાદેશિક હેડક્વાર્ટરના પોસ્ટ માસ્ટર જનરલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી દરખાસ્તનો સ્વીકાર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ વિશેષ કવરની ડિઝાઈનની આખરી મંજૂરી મેળવવા માટે કવાયત તેજ કરી દેવાઈ છે અને તે સંબંધિત અધિકારીને આખરી મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે. અને આ વિશેષ કવર ટપાલ વિભાગની આખરી મંજૂરી મળ્યા બાદ જ પ્રસિદ્ધ કરાશે. અને અંદાજે 10 હજાર જેટલા વિશેષ કવર તૈયાર કરવાની યોજના છે. આ વિચાર વિદ્યાપીઠને પણ ગમી ગયો છે અને તેમણે આ ડિઝાઈનની ટપાલ ટિકીટ માટેની દરખાસ્ત પણ આપી છે.

સૂત્રો કહે છે, જો બધું સમુસુથરું પાર પડશે તો 18મી ઓક્ટોબરે એટલે કે વિદ્યાપીઠના સ્થાપના દિવસના રોજ યોજાનારા ખાસ કાર્યક્રમમાં તે બહાર પાડવામાં આવશે. અને વિદ્યાપીઠને 18મી ઓક્ટોબર પહેલા 10 હજાર કવર મળી જશે. વિદ્યાપીઠના સૂત્રો વધુમાં કહે છે કે, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષ 2019માં ઉજવાઈ રહ્યું છે ત્યારે આ શ્રેષ્ઠ સમય છે. આ સંસ્થા ગાંધીજીના આચાર અને વિચારોને વરેલી છે ત્યારે તેનો વધુને વધુ પ્રસાર થાય એ મહત્વનું છે. અને આ પ્રકારે સંસ્થાના ટપાલના કવર બહાર પડે તે સંસ્થાના સન્માનથી વિશેષ છે.

ટપાલ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કવરની ડિઝાઈને સંસ્થાની શતાબ્દિના સમયે આખરી મંજૂરી ચોક્કસ મળી જશે. આ ડિઝાઈન નામંજૂર થવાની કોઈ શક્યતા રહેલી નથી.