સમગ્ર ગુજરાત રાજ્યને ભરડામાં લઈ રહેલાં સ્વાઈન ફ્લુનાં કારણે પાટનગરમાં જ 15 કેસ થવા છતાં ઘેરી તંદ્રામાં રહેલાં સરકારી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગરને પુરાં પાડવામાં આવતાં નર્મદા કેનાલના પાણીનું પૂરતાં પ્રમાણમાં યોગ્ય રીતે ક્લોરીનેશન થતું નથી. આ ઉપરાંત બોરમાંથી લેવામાં આવતાં ઘટતાં પાણીનાં કારણે વિવિધ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ક્લોરીનેશન પ્લાન્ટની ક્ષમતામાં તાત્કાલીક વધારો કરવો જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા આયુષ્યમાન ભારતની ઘેલછામાં આરોગ્ય ક્ષેત્રેખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. પરિણામે સમગ્ર રાજ્ય સ્વાઈન ફ્લુનાં ભરડામાં આવી ગયાં છે. રાજ્ય સરકારનાં ઘરઆંગણે ગાંધીનગરમાં જ ૧૫ જેટલાં સ્વાઈન ફ્લુનાં કેસ થવા છતાં નહીં જાગેલા સરકારી તંત્રનાં કારણે લોકોમાં ભયની લાગણી વ્યાપી છે. ગાંધીનગર શહેર અને આસપાસનાં વિસ્તારોમાં નર્મદા કેનાલમાંથી પીવા માટેનાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ નર્મદા કેનાલમાં સફાઈ જ થતી નહીં હોવા સાથે માનવ – પશુ વગેરેનાં મૃતદેહો રહેવા સહિત અનેક જાતનો કચરો ઠાલવવામાં આવે છે. આમ છતાં આ નર્મદા કેનાલનાં પાણીનું યોગ્ય રીતે પુરતા પ્રમાણમાં ક્લોરીનેશન કરવામાં આવતું નથી. પરિણામે સ્કીન ડીસીસ, ગેસ, પેટમાં દુઃખાવો, કમળો, ઝાડા-ઉલટી જેવા રોગો ઘર કરી ગયા છે.
ગાંધીનગર શહેરમાં સામાન્ય રીતે ૫૬ એમ.એલ.ડી. પાણી વપરાય છે. તેની સામે ક્લોરીનેશન માટેનો પ્લાન્ટ માત્ર ૪૦ એમ.એલ.ડી. પાણીનો જ હોવાથી કેનાલનું પાણી પૂરતાં પ્રમાણમાં શુદ્ધ કરી શકાતું નથી. જ્યારે ગાંધીનગર શહેરમાં પાણીનો વપરાશ દરરોજ ૬૬ એમ.એલ.ડી. છે. આથી 10-12 એમ.એલ.ડી. જેટલું ઘટતુંપીવાનું પાણી સ્થાનિક સેક્ટરોમાં આવેલાં બોરમાંથી લેવામાં આવે છે. પાટનગર માટે આવી તંગી હોવા છતાં સરકારી તંત્ર દ્વારા કલોલ તાલુકાનાં ૪૪ ગામોમાં નર્મદાનું પીવાનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં તેમાંથી ૩૦ ગામોમાં પણ નર્મદાનું પાણી પહોંચ્યું નહીં હોવા સાથે ક્યાંય નળ પણ ખૂલ્યાં નહીં હોવા છતાં પાણી પુરવઠા બોર્ડે રૂપિયા પાંચ કરોડનું બીલ ફટકારી દીધું છે. ત્યારે શુદ્ધ પાણી માટે રૂપાણી સરકારને ચેંડા નહીં કરવા તેમણે અનુરોધ કર્યો છે.