[:gj]હવે ચાઈના ધોલેરા સરમાં રૂ.10,500 કરોડના રોકાણ સાથે ઈન્ડ. પાર્ક બનાવશે[:]

[:gj]ગાંધીનગર, તા.૩૦

રાજ્ય સરકાર અને ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝિસ(સીએએસએમઈ) વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વના કરારો આજે ગાંધીનગરમાં થયા. જેના ભાગરૂપે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનની એસપીવી ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિ. અને સીએએસએમઈ વચ્ચે થયેલા કરાર અંતર્ગત રૂ.10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાઈના ઈન્ડસ્ટ્રિયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વરસાદની મોસમમાં ધોલેરામાં ખાબકેલા ભારે વરસાદના પગલે ધોલેરા સરના પ્રોજેક્ટ પર બ્રેક લાગી ગઈ હતી.

ધોલેરા સરનો પ્રોજેક્ટ પાણીમાં ડૂબ્યો હતો

આ વર્ષે રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે ધોલેરા સર અને ધોલેરા સોલાર પાર્ક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આટલું ઓછું હોય એમ આ પ્રોજેક્ટમાં કામ કરી રહેલી એલ એન્ડ ટીની ઓફિસ પણ પાણીમાં ડૂબી ગઈ હતી. ત્યારે આવનારા વર્ષોમાં પણ જો આવો જ વરસાદ થાય તો ધોલેરાનો પ્રોજેક્ટ સફળ થશે કે, કેમ એ એક મોટો સવાલ અત્યારે તો રાજ્ય સરકારને પણ સતાવી રહ્યો છે. કેમ કે, આ વિસ્તાર રકાબી આકારનો છે અને ત્યાં વધુ વરસાદ થાય તો તેના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી નથી અને ખાસ કરીને દરિયામાં જતું પાણી પણ આ વર્ષે અટકી ગયું હતું, જેના કારણે ધોલેરાનો આ પ્રોજેક્ટ અને તેની આસપાસના ગામોમાં ભારે પાણી ફરી વળ્યા હતા.

મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો આશાવાદ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ કરાર સમયે ચાઈનીઝ ડેલિગેશનને ગુજરાતમાં મોટા પાયે આવી રહેલા એફડીઆઈ સંદર્ભમાં જણાવ્યું કે, આગામી ર૦રર સુધીમાં ચાઈનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેપૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે. આ કરારને પરિણામે ગુજરાત-ભારત-ચાઈના વચ્ચેના વર્ષોના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સાનુકૂળ તકો પણ રાજ્યમાં રહેલી છે.  એટલું જ નહિ, તાજેતરમાં ભારત સરકારે ઉદ્યોગોને જે કર રાહતો આપી છે તથા ગુજરાત સરકારે પણ એમએસએમઈ સેકટરમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન સહિતની જે સવલતો જાહેર કરી છે, તેનો લાભ પણ ચાયનાના આ ઉદ્યોગોને મળશે.

કરાર અન્વયે ધોલેરા સરને હબ તરીકે વિકસાવી શકાશે

આજે થયેલા કરાર અન્વયે સીએએસએમઈ ઇન્વેસ્ટમેન્ટ ગૃપ ધોલેરા સરને મેજર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે ચાઈનીઝ ઉદ્યોગો માટે પ્રમોટ કરશે. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ આ હેતુસર પ્લગ એન્ડ પ્લે માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ચાઈનીઝ ઉદ્યોગકારોને ઉદ્યોગ શરૂ કરવા માટેની જરૂરી પરવાનગીઓ મેળવવામાં મદદરૂપ થશે.

ચાઈના દ્વારા તૈયાર થનાર પાર્કની વિશેષતા

આ કરાર બાદ જે પાર્ક બનવાનો છે તેની વિશેષતા એ છે કે, આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેકનોલોજીયુકત ઊદ્યોગો ચાઈનાના ઉદ્યોગકારો શરૂ કરશે અને પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ મળીને કુલ ૧પ હજાર જેટલા યુવાઓને સ્થાનિક સ્તરે રોજગાર અવસર પણ મળતા થશે એવી આશા રાખવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે ચાયનાના રાષ્ટ્રપતિ ઝિંગ પીંગની ર૦૧૪માં ગુજરાત મૂલાકાત અને ર૦૧પમાં ગુજરાતના એક હાઇલેવલ ડેલિગેશનની ચાયના મૂલાકાતની ફલશ્રુતિ રૂપે ચાયનાના ઊદ્યોગકારો ગુજરાતમાં મોટાપાયે રોકાણો માટે પ્રેરિત થયેલા છે.  આ કરારને પરિણામે હવે ચાયનાના મધ્યમ અને નાના ઊદ્યોગોને પણ ગુજરાતમાં રોકાણની તકો મળતી થવાની છે.

 [:]