ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના બે ટાવર તોડી પડાયા

અમદાવાદ:

ગાંધીનગરના પેથાપુર પાસે આવેલ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા બે કૂલિંગ ટાવરને તોડી પાડવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રિક કંપની લિમિટેડ સંચાલિત ગાંધીનગરના પેથાપુરની પાસે આવેલા ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના યુનિટ નંબર એક અને 2 માં કૂલિંગ ટાવર આવેલા છે. આ કૂલિંગ ટાવર જૂના અને જર્જરિત હાલતમાં હતા. જેથી તંત્ર દ્વારા તેને તોડી પાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત આજે આ બંને કૂલિંગ ટાવરોને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેના ભાગરૂપે રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન આ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રિકસિટી કંપની લિમિટેડ (જીસીઇસીએલ) દ્વારા કંટ્રોલ બ્લાસ્ટિંગ સિસ્ટમની મદદથી આ બંને કૂલિંગ ટાવરને તોડી પાડવામાં આવ્યા હતા. માત્ર ગણતરીની ક્ષણોમાં આ બંને ટાવરો કંટ્રોલ બ્લાસ્ટિંગ સિસ્ટમની મદદથી ધરાશાયી થઈ ગયા હતા.