ગાંધીનગર મેયરની ચૂંટણીમાં BJP-કોંગ્રેસના સભ્યોએ કરી છુટા હાથની મારામારી

05 November 2018 00:00
લોકશાહીને લાંછનરૂપ અને કલંકિત એવી ઘટના આજે ગાંધીનગરની સામાન્યસભામાં બની હતી. આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણીપૂર્વે BJP-કોંગ્રેસના બાહુબલી કોર્પોરેટરોએ સભ્યો છુટાહાથની મારામારી કરતા સામન્યસભા રક્તરંજિત બની હતી.

ધનતેરસે મહાનગરપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રામા યોજાયો. કૉંગ્રેસના નેતા બે ટર્મથી કોર્પોરેટર પદ પર ચૂંટાતા સભ્ય અશ્વીનભાઇ બારોટ ચૂંટણીના આગલા દિવસે બપોરે અચાનક ગુમ થતાં કૉંગ્રેસ પક્ષમાં રીતસરની દોડધામ મચી ગઇ હતી અને રાત્રે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

સામાન્યસભામાં શરૂ થતા જ યુદ્ધનો માહોલ શરૂ થઇ ગયો હતો. બીજેપી-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટર જીતુભાઇ રાયકાના પગમાં કાચ ઘુસ્યો અને સામાન્ય સભાનું પ્રાંગણ લોહીથી રંગાયું.

કોંગ્રેસના એક નેતાએ આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ કોંગ્રેસના ચૂસ્ત સભ્ય ગણાતા અંકતિ બારોટને ઉઠાવી ગયા છે, તેને સામાન્ય સભામાં ગેરહાજર રહેજો તમને 25 લાખ રૂપિયા મળશે.

આ ઘટના લોહીયાળ લોકશાહી પર કલંક સમાન હતી. લોહીનો રંગ લાલ હતો, પણ સામાન્ય સભાની આબરૂ જે રંગથી ખરડાય તેનો રંગ કાળો હતો.