ગાંધીનગર, 25 જાન્યુઆરી 2020
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. હનુમાન મંદિર ગેરકાયદે બનાવેલું છે એવા આ મુદ્દે પત્રકારોએ સવાલ પૂછતા મધુ ગુસ્સે થઇ ગયા હતા. ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પત્રકારોને માં-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા.
દબંગ ધારાસભ્યે ગાળાગાળી કરી હતી. કોંગ્રેસને પણ જાહેરમાં ગાળો ભાંડી હતી. જે ઘટનાને ભાજપે વખોડી પણ ધારાસભ્ય વારંવાર આવી ગુંડાગીરી કરતાં હોવા છતાં તેમની સામે આ મુદ્દે આ વખતે પણ કોઈ પગલાં રૂપાણી, શાહ કે વાઘાણીએ લીધા નથી.
આ પહેલા મધુએ ધાર્મિક કામમાં અડચણરૂપ અધિકારીઓને તમાચો મારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
મેં ગાળો નથી આપી
ગેરવર્તણુક કેમેરામાં કેદ થયા બાદ પણ પોતે પત્રકારો સાથે ગાળાગાળી કરી હોવાની વાત સ્વીકારવા તૈયાર નથી. તે કહે છે, હું મારા બજરંગ બલીની મૂર્તિ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છું, મે પત્રકારોને કેમેરો બાજુમાં મૂકીને સમજાવવાના પ્રયાસ કર્યાં હતા પરંતુ હું ગાળો કે અપશબ્દો બોલ્યો નથી.
મધુના અન્ય વિવાદો છતાં ભાજપ મૌન
જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તાની શરૂઆત થઇ હતી ત્યારે તેની સમગ્ર સભામાં જે અધિકારી મારી પ્રજાનુ કામ નહીં કરે તેને હોકીના ફટકા મારીશ તેવી ધમકી ઉચ્ચારી હતી.
પાલિકામાં જયારે કાઉન્સિલર હતા ત્યારે તેમના આવા વર્તનના કારણે મ્યુનિસિપલ કમિશનરની કચેરી તરફ જવા દેવામાં આવતા ન હતા.
હોળી ધૂળેટીના તહેવારમાં ઘોડા પર બેસીને મધુએ બંદુકમાંથી હવામાં જાહેરમાં ધડાકા – ફાયરીંગ કર્યુ હતુ.
વિધાનસભાની ચૂંટણીમાં 2017માં વાઘોડિયાની સભામાં ધમકી આપી હતી કે, જે બુથમાંથી કમળ (ભાજપને મત) નહીં મળે તો ગેરકાયદે રીતે રહેતા લોકોને ઠેકાણે પાડી દઇશ તેવી જાહેરમાં ધમકી આપાતુ નિવેદન કર્યુ હતુ.
નીતિન પટેલ, અમે રામ અને હુમાન
નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે કહ્યું કે, અમે બધા રામ અને હનુમાન જ છીએ. અમારી તો ભારતીય સંસ્કૃતિવાળી પાર્ટી છે.
હનુમાન મંદિરનો વિવાદ
વાઘોડિયાના ધારાસભ્ય મધુના ટ્રસ્ટે વાડી મહાદેવ તળાવમાં હનુમાનજીની રૂ.15 કરોડના ખર્ચે 111 ફુટની ઉંચાઇની પ્રતિમા મૂકવા અને ઝુલતો પુલ માટે પાલિકા પાસે પરવાનગી માંગી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂરી આપી કલેક્ટરે તે ફાઈલ સરકારમાં મોકલી હતી. પરંતુ તળાવમાં ચોક્કસ ઉંચાઇથી વધુ પ્રતિમાની સ્થાપના કરવા માટે હાઇકોર્ટમાંથી પરવાનગી મેળવવી ફરજિયાત કરી હોવાનુ કારણ મહેસૂલ વિભાગે આપ્યુ હતું. પણ કામ 20 ટકા તો કરી નાંખવામાં આવ્યું હતું.
બેફામ શબ્દો
આ અગાઉ મધુએ જણાવ્યું હતું કે, મહાદેવ તળાવમાં હનુમાનજીના મંદિરની કોઇ મેટર કોર્ટમાં નથી. કૌશિક ભાઇએ મંજૂરી આપી દેવી જોઇએ. બધા અધિકારીઓ ખોટા છે. અધિકારીઓ કૌશિક ભાઇને ઊંધા માર્ગે લઇ જઇ રહ્યા છે. હું જીવુ છુ ત્યાં સુધી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીશ. કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. જો મારું કામ નહિ થાય તો રાજીનામુ આપી દઈશ. હનુમાનની સ્ટિલની મૂર્તિ મૂકવાનો નિર્ધાર કર્યો છે. મેં કોન્ટ્રાક્ટરને પણ પૈસા ચુકવ્યા છે. મૂર્તિના 80 લાખ રૂપિયા પણ ચુકવી દીધા છે. મારૂં 40 ટકા કામ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશન, કલેક્ટરે મંજૂરી આપી છે. મહિલા ધારાસભ્યો પણ રાજીનામા આપી દેશે. મે મારા દીકરાના નામે ટ્રસ્ટ બનાવ્યું છે, વ્હાઇટના પૈસા આપ્યા છે. દીકરાના નામે ટ્રસ્ટ છે. હું મૂર્તિ મૂકીશ.
ભાજપમાં રહેલા આવા અનેક કાર્યકરો અને નેતાઓ તેમની પોલ ખુલ્લી પાડે છે ત્યારે દાદાગીરી અને ગુંડાગીરી કરવા ટેવાયેલા છે. લુખ્ખાગીરી કરવા માટે ટેવાયેલા જ છે. આવા ગુંડાઓને ટિકિટ આપવાનું કામ નરેન્દ્ર મોદી અને અમીત શાહ કરે છે. ચૂંટણીમાં બેઠક ગુમાવાની બીકે તેઓ આવા નેતાઓ સામે ચું કે ચા કરી શકતા નથી.
ધારાસભ્ય શ્રીવાસ્તવ પત્રકારો સાથે ‘વિવેકભાન’ અને ‘પ્રમાણભાન’ રાખે – ભાજપ
ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના મિડીયા સાથેના બનાવને અયોગ્ય અને અશોભનીય છે. જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિએ ‘વિવેકભાન’ અને ‘પ્રમાણભાન’ રાખવું જોઈએ. પોતાની ભાષા અને વ્યવહારમાં સંયમ રાખવો જોઈએ. મિડીયા સાથે ફ્રેન્ડલી અને પ્રજા સાથે વિવેકપૂર્વક હકારાત્મક વ્યવહાર કરવો જોઈએ. જાહેરજીવનમાં ગમે તેટલાં ઉશ્કેરવા કોષિશ કરે તો પણ પ્રજાના પ્રતિનિધીએ વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.
તેઓ મધુને માત્ર સલાહ આપે છે. તેમની સામે શું પગલાં ભરાશે તે અંગે કંઈ કહેવા તૈયાર નથી. તેમ તેઓ કહેવાની હીંમત પણ બતાવી શકતા નથી.