રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટુ માળખુ ધરાવતા ગુજકોમાસોલનું સુકાન દિલીપ સંઘાણીને ફરી સોપાયું છે. દિલીપ સંઘાણી પૂર્વ સહકારી મંત્રી પણ રહી ચૂક્યા છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ. આ ગુજકોમાસોલમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપના મહામંત્રી કે સી પટેલ અને પ્રવક્તા ભરત પંડ્યા મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. એક સમયે ગુજકોમાસોલ પર કોંગ્રેસનો કબજો હતો. વર્ષો સુધી ગુજકોમાસોલનું ચેરમને પદ નટુ પિતાંબરે શોભાવ્યું છે. હવે આ સંસ્થા પર ભાજપનો કબજો છે. સરકારે ધીમેધીમે નાફેડને આગળ કરી ગુજકોમાસોલનું કદ ઘટાડ્યું છે પણ આજે આ ખેડૂતો માટે અતિ અગત્યની સંસ્થા છે. રાજયમાં તાલુકા જિલ્લા સંઘો અને સહકારી મંડળીઓ સહિત કુલ 5400 સભાસદો છે.
1 મે 1961 થી ગુજકોમસોલે ખાતરોનું વિતરણ શરૂ કર્યું. 1976માં જીએસએફસીની સ્થાપના સાથે તેના મુખ્ય વિતરકો તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગુજકોમસોલ જીએસએફસી, જીએનએફસી, ઇફકો, ક્રિભકો, ભારતીય પોટાશ માટે પણ મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર છે. ફેડરેશન દ્વારા માત્ર સહકારી મંડળ દ્વારા ખાતરોના વિતરણની નીતિ અપનાવવામાં આવી હતી અને ગુજરાત સરકારે આ નીતિ સ્વીકારી હતી. 1961માં ફેડરેશનની પૂલ ખાતરોના એકમાત્ર વિતરણ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વિતરણ ચેનલ ફક્ત સહકારી મંડળીઓ દ્વારા છે. ફેડરેશન પાસે આમ તો પિરામિડ પ્રકારનો ગામલોક સ્તરે પ્રાથમિક સોસાયટીઓ છે જેનો વિશાળ આધાર રચાય છે જેમાં બહુહેતુક અને સેવા સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે.
દિલીપ સંઘાણી અગાઉ ખેડૂતોને અપાતા પાકવીમા મામલે સરકારની મુશ્કેલીઓ વધારતા નિવેદનો કરી ચૂકયા હોવા છતા અમરેલી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા સંઘાણી પર ભાજપે ફરીથી ભરોસો મૂક્યો છે. આ સંસ્થા પર નટુ પિતાંબરનું વર્ચસ્વ હતું. જેમને હટાવવા માટે ભાજપના નેતાઓએ ભારે મથામણ કરી આ સંસ્થા પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. દિલીપ સંઘાણીને ફરી ચેરમેન પદની લોટરી લાગી છે.