ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત

ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમાસાની અનિયમિતતાના કારણે ખેડૂતોને નુકશાનીમાંથી બચવા માટે સરકાર એક પછી એક નિર્ણય લઇ રહી છે.

રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે 0 થી 7.5 હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ 7.5 હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ 807.50 રૂપિયા પ્રતિ હોર્સ પાવરનો દર હાલ છે. હવે બન્ને માટે સમાન 665 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે.

રાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભૂર્ગભ જળના સ્તર નીચા ગયા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી સિંચાઇ હેતુ માટે લેવા વધારાના હોર્સ પાવરની વીજ મોટર લગાવવી પડે છે.  રાજ્યના કિસાનોએ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતોને ધ્યાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વીજ દર એક સમાન કર્યો છે.

ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નિયત થયા મુજબ આવા વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર 2400 રૂપિયે પ્રતિ વર્ષ ૧ લી એપ્રિલ-2013 થી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે.

મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા હવે 7.5 થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે 142.50 રૂપિયા પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર સબસીડી રૂપે વહન કરશે. રાજ્ય સરકાર ઉપર આ તફાવત પેટે વાર્ષિક અંદાજે 77 કરોડનો વધારાનો બોજ પડશે.