ગુજરાતના ટ્રાફિક ભંગના દંડમાં પોલીસને જસલા પડી જશે

ગાંધીનગર,તા.10

ગુજરાતમાં ટ્રાફિકના ગુનાઓમાં રાજ્ય સરકારે ટ્રાફિક ભંગના જે દંડ નક્કી કર્યા છે તેમાં ટ્રાફિક પોલીસને જલસા પડી જશે. પોલીસ વાહન ચાલકોને પકડશે નહીં પરંતુ સીસીટીવી કેમેરા ગુનેગારને પકડશે તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાનું કહ્યું છે, સાથે સાથે પાછળ બેસેલી વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવું પડશે અન્યથા વાહન ચાલક સાથે પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ 500 રૂપિયા દંડ ભરવો પડશે. સીટબેલ્ટમાં પણ 1000 રૂપિયાનો દંડ રાખ્યો છે. લોકો દંડની રકમ ઓનલાઇન ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસને માત્ર હેલ્મેટ અને સીટબેલ્ટ જ દેખાય છે

ગુજરાતમાં 120 પ્રકારના ટ્રાફિક નિયમન ભંગના ગુનાઓ છે પરંતુ પોલીસને હેલ્મેટ અને સીટબેલ્ટ દેખાય છે. વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવી ખૂબ જોખમી છે છતાં સરકારે કેન્દ્રના કાયદામાં સુધારો કરીને દંડની રકમ માત્ર 500 રૂપિયા રાખી છે. આ રકમ કેન્દ્ર સરકારના કાયદામાં 1000 રૂપિયા હતી. જો કે બીજી વખત ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતાં કોઇ વાહનચાલક પકડાય તો 1000 રૂપિયા દંડ સૂચવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગંભીર પ્રકારના ગુનામાં દંડની રકમમાં કોઇ ફેરફાર કર્યો નથી તે સારી બાબત છે.

વાહન પર લખાણ પણ એક ગુનો છે છતા નજરઅંદાજ કેમ?

મોટર વાહનના ગુનાઓમાં એક ગુનો વાહન પર લખાણ લખવાનો પણ છે છતાં રૂપાણી સરકારે આ ગુનાને નજરઅંદાજ કર્યો છે. તત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યાએ વાહનો પર કોઇપણ પ્રકારના લખાણ લખવા સામે વિરોધ નોંધાવી ટ્રાફિક પોલીસને એવી સૂચના આપી હતી કે સરકારી વાહન સિવાય કોઇપણ પ્રાઇવેટ વ્યક્તિ તેના વાહન પર કોઇપણ જાતના લખાણ ચિતરાવી શકતો નથી પરંતુ અત્યારે ભાજપની સરકારમાં ગ્રામ પંચાયતના સદસ્ય સહિત કોઇપણ કમિટીના સભ્ય લાલ લીટીમાં તેમના હોદ્દાઓ ચિતરાવે છે જેમાં પોલીસ ભેરવાઇ જાય છે.

મુખ્યમંત્રીનો દાવો સાચો પડશે?

ટ્રાફિક પોલીસ હપ્તા ઉઘરાવી શકશે નહીં તેવો દાવો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે પરંતુ જ્યાં સીસીટીવી કેમેરા બંધ હશે ત્યાં અથવા તો જ્યાં સીસીટીવી કેમેરા નહીં હોય ત્યાં ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી હપ્તા ઉઘરાવી શકે છે. એટલું જ નહીં જ્યાં ટ્રાફિક લાઇટો બંધ હશે અને વીજળી નહીં હોય ત્યાં પણ પોલીસને હપ્તા ઉઘરાવતાં કોઇ રોકી શકશે નહીં. પોલીસ હપ્તા ઉઘરાવવા માટે નવી નવી તરકીબો અપનાવી શકે તેમ છે.