ગાંધીનગર, તા.26
ગુજરાત રાજયના માર્ગો પર કુલ 8.48 લાખ ઓટો રિક્ષાઓ દોડી રહી છે. જેમાથી 10થી 15 ટકા એટલે કે લગભગ 2.12 લાખ ઓટો ડ્રાઈવર્સ પાસે ઓટો રિક્ષા ચલાવવાનો પરવાનો છે જયારે બાકીની 6.36 લાખ ઓટો રિક્ષાઓ ગેરકાયદે ચાલે છે. 85 થી 90 ટકા ઓટો રિક્ષા ગેરકાયદે છે છતા વાહન વ્યવ્હાર વિભાગ દ્વારા તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે વાહન વ્યવ્હાર કમિશ્નર પણ કંઈ બોલવા તૈયાર નથી.
મુસાફરોના જીવ જોખમમાં
વાહન વ્યવહાર વિભાગના નાયબ નિયામક, એ.એ.શાહ કહે છે કે, લગભગ 12 લાખથી 13 લાખ ઓટો રિક્ષા અને લોડિંગ રિક્ષા નોંધાયેલી છે. વિભાગના સૂત્રો કહે છે, રાજ્યમાં સાડા આઠ લાખ પેસેન્જર રિક્ષા અને લગભગ ચાર લાખ જેટલી લોડિંગ રિક્ષા છે. આટલી સંખ્યામાં બન્ને પ્રકારની રિક્ષાઓ સરકારના વાહનવ્યવહાર વિભાગમાં નોંધાયેલી છે. પરંતુ સરકારના રેકર્ડ કહે છે કે, પેસેન્જર રિક્ષા માટે જે બેઝ હોવો જોઈએ તે માત્ર 65 હજાર રિક્ષા ચાલકો જ ધરાવે છે. એટલે કે, સરકારની રહેમનજર હેઠળ મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે.
કેટલા લોકો પાસે લાયસન્સ અને બેઝ છે?
સતત મીટિંગોમાં વ્યસ્ત રહેતા રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માંઝુએ આ મામલે વાત કરવાનું ટાળી દીધું હતું. સૂત્રો કહે છે કે, 10થી 15 ટકા લોકો પાસે જ સરકારના નિયમો પ્રમાણે જે પરવાના જોઈએ તે ઈશ્યૂ કરવામાં આવ્યા છે. પેસેન્જર રિક્ષા ચલાવતા હોય એવા માત્ર 2.12 લાખ ડ્રાઈવર્સ પેસેન્જરને બેસાડવાના પરવાના તથા બેઝ ધરાવે છે. જ્યારે નોંધાયેલી ચાર લાખ જેટલી લોડિંગ રિક્ષા પૈકી માત્ર 9000 જણાં પાસે જ આ પ્રકારની રિક્ષા ચલાવવાનો પરવાનો છે.
ડ્રાઈવર્સ એસોસિએશન શું કહે છે ?
અમદાવાદના રિક્ષા ડ્રાઈવર્સ સંગઠનના અગ્રણી રાજવીર ઉપાધ્યાય કહે છે, ખૂબ જ ઓછા ડ્રાઈવર્સ પાસે કાયદેસરનું લાયસન્સ કે બેઝ છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા આટલી મોટી ગેરરિતી આચરવામાં આવી રહી છે જે રાજ્યના મુસાફરો માટે જોખમી છે. સરકાર આ મામલે ગંભીર નહિ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.