ગાંધીનગર,તા.03
ભારતમાં બેરોજગારી અને પ્રતિભાઓની કમી હોવાની ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત જર્મનીની બેવડી શિક્ષણ પ્રણાલીને આવકારવા સજ્જ થયું છે. આ મોડલ ગુજરાતમાં જો કામ કરી ગયું તો સરકારનો સ્કીલ ડેવલપમેન્ટનો જે ગોલ છે તે સિદ્ધ થઇ શકશે અને શિક્ષિત બેકારોને કામ મળશે.
શિક્ષણ સાથે નોકરી
જર્મનીમાં જે વિદ્યાર્થીઓ તેમની સ્કૂલ શિક્ષણ પૂર્ણ કરે છે તેમને ત્રણ વર્ષમાં વ્યવસાયિક વિદ્યાલયોમાં મોકલવામાં આવે છે જ્યાં તેઓ નોકરીની સાથે સાથે શિક્ષણ પણ પ્રાપ્ત કરે છે અને તેમને ન્યૂનતમ વેતન પણ આપવામાં આવે છે, એટલે કે ભણતાં ભણતાં વિદ્યાર્થી કમાઇ પણ શકે છે. શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતની યુનિવર્સિટીમાં આ પ્રયોગ લાગુ કરવાની સરકારની વિચારણા છે. હાલ આ પ્રયોગ અંગે બનાવેલી સમિતિ રિપોર્ટ બનાવી રહી છે. આવી શિક્ષણ પ્રણાલી માત્ર જર્મનીમાં નથી પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં ઉપલબ્ધ છે. યુરોપિય સંઘમાં બેવડી શિક્ષણ પ્રણાલીએ સ્થાન લેતાં જે તે દેશનો બેરોજગારી દર ઘટ્યો છે. આવી પદ્ધતિ ચીન, ઇન્ડોનેશિયા, કોલંબિયા, ઇક્વાડોર અને પેરૂમાં જોવા મળી છે. ગુજરાતમાં રિપોર્ટ તૈયાર થયા પછી પ્રાયોગિક ધોરણે શિક્ષણ સાથે નોકરીનો પ્રયોગ શરૂ કરાશે. ઉમેદવાર 350થી વધુ વ્યવહારિક વ્યવસાયોની સૂચિમાંથી કોઇપણ એકને પસંદ કરી શકે છે. શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું કે એક વિશિષ્ટ વ્યવસ્થામાં સપ્તાહના ત્રણ દિવસ વ્યવસાયમાં અને બે દિવસ સ્થાનિક વાણિજ્ય ક્ષેત્રમાં અથવા તો સૈદ્ધાંતિક શિક્ષણ માટે કોલેજમાં વિતાવવાના હોય છે.પાઠ્યક્રમ જર્મનીનો અધિકૃત છે તેથી કોલેજના શિક્ષણમાં ઉપસ્થિતિ તેમજ કામ કરવાનું છે તે કંપનીમાં જગ્યાની કોઇ સમસ્યા ઉભી થશે નહીં. પાઠ્યક્રમ સમાપ્તિ તેમજ બે પરીક્ષાઓ પછી વિદ્યાર્થીઓને વાણિદ્યની ચેમ્બર દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.
50 ટકા વિધાર્થીઓને નોકરી નહી
નાસકોમ-મેકકિન્સીના રિપોર્ટ પ્રમાણે ભારતમાં માત્ર 26 ટકા એન્જીનિયરીગ ક્ષેત્રના ગ્રેજ્યુએટ જ નોકરી અથવા રોજગાર માટે યોગ્ય છે. 50 ટકા વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં નિષ્ફળતા મેળવે છે, કારણ કે તેઓ તેમના સૈદ્ધાંતિક અને વૈચારિક જ્ઞાનમાં ઘણાં કમજોર હોય છે.
બેરોજગારીની સમસ્યાનો હલ
રિપોર્ટમાં જે સૂચનો કરવામાં આવ્યા છે તેમાં ઉદ્યોગના ઇનપુટ સાથે પાઠ્યક્રમને સમૃદ્ધ બનાવવામાં આવે, યુનિવર્સિટીમાં કેરિયર કાઉન્સિલિંગ કરવામાં આવે, ઉદ્યોગના ઇન્ટરફેસના અવસરો પેદા કરવામાં આવે, ઓનલાઇન શિક્ષણને વધારે મજબૂત બનાવવામાં આવે તેમજ કૌશલ્ય નિર્માણની પદ્ધતિને અપગ્રેડ કરવામાં આવે. જો આટલો બદલાવ લાવવામાં આવે તો બેરોજગારીની સમસ્યાથી દેશ કે રાજ્ય બહાર આવી શકે છે.
શિક્ષણની પદ્ધતિમાં બદલાવ, સ્થાતક કે સ્નાતકોત્તર યુનિવર્સિટીમાં ટેકનોલોજી યુક્ત અભ્યાસક્રમ, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓનું હિત તેમજ કોર્પોરેટ ક્ષેત્રની ભાગીદારીને જોડવામાં આવે તો વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે ઉત્તમ છે.