
જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. વરસાદ માત્ર ૩૦૦ થી ૩૫૦ એમ એમ જેટલો ઓછો પડે છે. પાણી વપરાવાના કારણે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા છે. કઇંક નવું કરવાની ધગશ ધરાવતા સુરેશભાઈ સાવલિયાએ ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. પત્નીની મદદથી શરૂઆતમાં તેમણે કચ્છની દેશી ખારેકનું વાવેતર કર્યું હતું. પણ પછી ટીશ્યુ કલ્ચરથી એક ઝાડમાંથી સુરેશભાઈને 120 કિલો ખારેકનું ઉત્પાદન મેળવવાની સફળતા મેળવી છે. વર્ષે રૂ.7 લાખનું વેચાણ ખારેક અને બીજું એટલું જ વેચાણ અન્ય વસ્તુનું કરે છે.

જૈવિક અને વૈજ્ઞાનિક ખેતી
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કર્યું. ખારેક વાવીને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ કર્યા વિના દેશી ખાતર અને અળસિયાના ખાતરનો ઉપયોગ કર્યો છે. સુરશેભાઈએ 8 વર્ષ સુધી સખત પરિશ્રમ કરીને પોતાની પત્ની સાથે 3 વિઘા જમીન પર જૈવિક ખેતી કરી રહ્યા છે.

ત્રીજા વર્ષથી જ ઉત્પાદન
તેમણે ટીશ્યુ કલ્ચર અને દેશી ખારેક વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે દેખાયો, ટીશ્યુ કલ્ચર ખારેકમાં પાંદનો વિકાસ દેશી ખારેક કરતા વ્યવસ્થિત જોવા મળ્યો તેમજ તેમાં ફૂલ અને ફળ બેસવાનો સમય એક જ સરખો જોવા મળ્યો. ઉપરાંત તેમાં ખારેક જમીનની સાવ નજીક લાગવાથી ખારેક ઉતારવી ખૂબ જ સહેલી છે. આ ખારેકનો સ્વાદ દેશી ખારેકના સ્વાદ કરતા ખૂબ જ મીઠો હતો. તેમજ તેમાં ઉત્પાદન અને ફળની સાઈઝ એક સરખી હોવાથી તેના ભાવ વધારે આવવાથી તેમની આવક પણ વધી. સૌથી મહત્વનો ફાયદો જોઈએ તો આ ખારેક ત્રીજા વર્ષથી ઉત્પાદન આપે છે જયારે દેશી ખારેક છઠ્ઠા વર્ષથી ઉત્પાદન આપે છે.

પોતાની બ્રાંડ
એક ઝાડમાંથી સુરેશભાઈને 120 કિલો ખારેકનું ઉત્પાદન થાય છે. આમ તેઓ પ્રત્યેક વિઘા જમીનમાંથી ખારેકના ઉત્પાદન વડે રૂ.2.25 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેમનો પરિવાર સંપૂર્ણપણે ખેતી પર આધારિત છે. તેમની પાસે અન્ય કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમણે ખેતીને જ ધંધાનું સ્વરૂપ આપ્યું છે. ભોજલ રામ ઓર્ગનિક ખારેકના બ્રાન્ડ નામથી વેચાણ કરી રહ્યાં છે અને તેનું માર્કેટિંગ પેકીંગ અને વેચાણ પણ તેઓ જાતે જ કરી રહ્યા છે.
રાની પશુઓનો ત્રાસ
બાગાયતી પાકોની ખેતી લગભગ અશક્ય હતી ત્યાં ખેતી કરી છે. જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોજ, હરણ વગેરે નુકસાન ન કરે તે માટે સુરેશભાઈએ પોતાના ખેતરને કાંટાળા તાર, નેટ અને જાળીથી રક્ષિત કરેલી છે. સુરેશભાઈ ખેતીની સાથે પશુપાલન કરતા સામાન્ય ખેડૂત છે છેલ્લા ૨૫ વર્ષથી તેઓ મગફળી, કપાસ, મકાઇ, જુવાર, રજકો વગેરે પાકોની અન્ય ખેડૂતોની જેમજ સામાન્ય ખેતી કરી રહ્યા હતા. થોડા અનુભવ બાદ તેમણે રીંગણની ખેતી શરૂ કરી હતી.

English



You must be logged in to post a comment.