ગુજરાતમાં એપ્રેન્ટિસ યોજનામાં કૌભાંડની આવતી દુર્ગંધ, મોટું કૌભાંડ ખૂલવાની આશંકા

ગાંધીનગર,તા:૦૭  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાને રાજ્યભરમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાનગી કંપનીઓ યુવાનોને ટ્રેનિંગ માટે રોકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું સ્ટાઈપેન્ડ આપતી નથી અને સરકારી ગ્રાન્ટના રૂપિયા ચાંઉ કરી જાય છે. જો સરકાર આ યોજનામાં તકેદારી નહીં રાખે તો વર્ષના અંતે સૌથી મોટું કૌભાંડ સામે આવી શકે છે.

આ યોજના હેઠળ સ્નાતકને 3000, ડિપ્લોમા હોલ્ડરને 2000 અને અન્ય લાયકાત ધરાવનાર યુવાનને 1500 રૂપિયા સુધીનું ભથ્થું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારનો ટાર્ગેટ હતો કે રાજ્યમાં વર્ષે કુલ 1 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડ આપવું, પરંતુ સ્ટાઈપેન્ડ લેવા માટેની પ્રક્રિયા એટલી જટિલ છે કે યુવાનો આસાનીથી અરજી કરી શકતા નથી. જે કંપનીઓમાં અરજી માન્ય થઈ છે તેમાં ગેરરીતિ ચાલી રહી છે. સ્ટાઈપેન્ડની રકમ શંકાના દાયદામાં આવી છે, કેમ કે આ રૂપિયા તો સરકાર આપવાની છે, જ્યારે ઉદ્યોગો કે સંસ્થાએ માત્ર ટ્રેનિંગ આપવાની છે.

રાજ્યના વિવિધ વિભાગો જેવા કે ટુરિઝમે વિવિધ હોટેલો અને સંસ્થાઓને, શહેરી વિકાસ વિભાગે બિલ્ડિંગ વ્યવસાયમાં તેમજ ઉદ્યોગ વિભાગે એકમોમાં એપ્રેન્ટિસ રાખવાની ભલામણો કરી હતી, પરંતુ કંપનીઓ કે સંસ્થાઓ યુવાનોને એપ્રેન્ટિસ માટે રાજી હોતી નથી. જ્યાં યુવાનોને લેવામાં આવે છે ત્યાં સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ ઘૂસી ગઈ છે. સરકારી રૂપિયા ચાંઉ થઈ રહ્યા છે. રાજ્યના કુલ 10 વિભાગોએ તેમની સાથે સંકળાયેલા ઉદ્યોગો અને સંસ્થાઓને ભલામણ કરી હતી.

આ યોજનાનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો, પરંતુ બે વર્ષના અંતે યોજનાને લક્ષ્યાંક પ્રમાણેનો ફાયદો થયો નથી. કેટલીક જગ્યાએ કંપનીઓના સંચાલકોની જોહુકમીના કારણે યુવાનો એપ્રેન્ટિસશિપ છોડી રહ્યા છે. યુવાનો માટે મહિને 1500થી 3000 રૂપિયાની રકમ પણ ઓછી પડે છે, કેમ કે ઘરથી કામના સ્થળે જવા માટે એટલો ખર્ચ થઈ જાય છે કે તેમની પાસે બચતમાં કોઈ રૂપિયા રહેતા નથી.

શાળા છોડી ગયેલા ઉમેદવારો/આઈ.ટી.આઈ પૈકી ડિપ્લોમા/ડિગ્રી પાસ ઉમેદવારોને ખાનગી કે જાહેરક્ષેત્રનાં ઔદ્યોગિક સેવાકીય એકમો ખાતેની ઓન જોબ ટ્રેનિંગ સુવિધાનો મહત્તમ લાભ આપવો એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉપરાંત જુદા જુદા વ્યવસાયોમાં ઔદ્યોગિક/સેવાકીય એકમોના સહકારથી સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ સેવાકીય એકમો માટેનું કુશળ માનવબળ ઊભું કરવાનો છે.

સ્ત્રી કે પુરુષ કે જેઓ 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતાં ના હોય, તેઓ એપ્રેન્ટિસશિપ તાલીમ યોજનામાં તાલીમ લેવા માટે જોડાઈ શકે છે. જોખમી પ્રકારના ઉદ્યોગોમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની રહેશે. લઘુતમ શૈક્ષણિક લાયકાત જુદાજુદા વ્યવસાયો (ટ્રેડ) માટે જુદી જુદી હોય છે. એકમ ખાતે એપ્રેન્ટિસની ભરતી સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે 6 માસથી 2 વર્ષ સુધીનો (ટ્રેડ મુજબ અલગ અલગ) હોય છે. એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના અંતર્ગત એપ્રેન્ટિસને બેઝિક તાલીમ અને ઓન જોબ તાલીમ લેવાની રહે છે.