ગાંધીનગર,તા.12
ગુજરાતમાં જીએસટી એક્ટનો અમલ થયા પહેલાં સેલ્સ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, સેન્ટ્ર સેલ્સ ટેક્સ, મોટર સ્પીરીટ ટેક્સેશન, એન્ટ્રી ટેક્સ અને સુગર કેન પરચેઝ ટેક્સ હેઠળના વેરા અંગે વેપારી વર્ગના અંદાજે 20,000 થી વધુ વિવાદ વિવિધ સ્તરે પડતર છે પરિણામે આવા કેસોમાં સંકળાયેલી વસૂલાતની નોંઘપાત્ર રકમ લહેણી તરીકે બાકી છે.
આ જૂના વિવાદોના નિકાલ માટે રાજ્યના વિવિધ વેપારી એસોસિયેશન તરફથી થયેલી રજૂઆતને અંતે ગુજરાત સરકારે વેરા સમાધાન યોજના 2019 અમલમાં મૂકી છે. સરકારે નોટીફિકેશન બહાર પાડીને આ યોજનાની શરતો જાહેર કરી છે.
વેરા સમાધાન યોજનાની શરતો અને વિગતો આ પ્રમાણે છે….
- તમામ પ્રકારના બાકી વેરાની વસૂલાતોને આ યોજનામાં આવરી લેવામાં આવી છે.
- તમામ કાયદા હેઠળના વેરા, વ્યાજ અને દંડની માગણી વેપારી દીઠ 100 કરોડથી ઓછી હોય તેને આ યોજનાનો લાભ મળશે.
- યોજનાની કટઓફ ડેટ 30મી જૂન 2017 રહેશે જે પ્રમાણે 30મી જૂન 2017 સુધીના ધંધાકીય વ્યવહારોને લગતી આકારણી, ફેરઆકારણી, રીવીજન કે અપીલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- જે કેસોમાં ટેક્સ ક્રેડીટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ આગળ લઇ જવામાં આવી હોય તેવા કેસોમાં કટઓફ ડેટ 31મી માર્ચ 2017 રહેશે.
- આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વેપારીઓએ 15મી સપ્ટેમ્બર થી 15મી નવેમ્બર સુધી અરજી કરવાની રહેશે.
- અરજી મળે તે પછી વિભાગના સબંધિત અધિકારી દ્વારા વેપારીના કુલ બાકી લેણાંની વિગતો 30મી નવેમ્બર 2019 સુધીમાં વેપારીને પત્ર દ્વારા જણાવાશે.
- વેપારીએ ભરવાની થતી રકમના 10 ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે 15મી જાન્યુઆરી 2020 સુધીમાં ભરી દેવાની રહેશે. બાકીની 90 ટકા રકમ ફેબ્રુઆરી 2020 થી ડિસેમ્બર 2020 સુધી 11 સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે.
- આ માસિક હપ્તાની રકમ જે તે મહિનાની અંતિમ તારીખ પહેલાં ભરી દેવી પડશે.
- કોઇપણ વેપારી ડાઉન પેમેન્ટ કર્યા બાદ હપ્તા ભરશે નહીં તેને આ યોજનાનો લાભ મળશે નથી.
- વેરાની સંપૂર્ણ રકમ ભરવામાં આવશે તો વ્યાજ અ દંડ સંપૂર્ણ માફ કરવામાં આવશે.
- જે વેપારીએ યોજનાના અમલ પહેલાં ચૂકવણી કરી હશે તેને બાકી રહેતાં લેણાં પેટે ભરવાના થતાં વેરાની મહત્તમ 50 ટકા મર્યદામાં રેમિશન આપવામાં આવશે.
- એન્ફોર્સમેન્ટ કાર્યવાહીના કિસ્સામાં વેરાની સંપૂર્ણ રકમ ભરાશે તો દંડ માફી મળશે જ્યારે વ્યાજની રકમની 20 ટકા રકમ ભરવાની રહેશે.
- આવા કિસ્સામાં યોજનાના અમલ પહેલાં બાકી લેણાં પેટે આંશિક રકમનું ચૂકવણું કર્યું હશે તેવા કિસ્સામાં ભરવાની થતી રકમના 25 ટકાની મર્યાદામાં વેરા સામે વધારાનું રેમિશન અપાશે.
- એન્ટ્રી ટેક્સ અને મોટર સ્પીરીટના કિસ્સામાં વેરાની સંપૂર્ણ રકમ ભરવાની રહેશે અને એન્ટી ટેક્સના કિસ્સામાં દંડની રકમ અને મોટર સ્પીરીટા કિસ્સામાં ભરવાની થતી રકમના 20 ટકા રકમ ભરવાની રહેશે જ્યારે બાકીની રકમનું રેમિશન આપવામાં આવશે.
- જે કેસોમાં આદેશ પસાર થયો હતો તેમાં થયેલી ગણતરીને રીવાઇઝ કરવાની રહેશે અને તેમાં આવો વધારો 20 ટકા સુધીની મર્યાદામાં માન્ય રાખી ભરવાપાત્ર વેરો નક્કી કરાશે.
- જે કેસોમાં આદેશ પસાર થવાનો બાકી હોય તેમાં આવો વધારો 20 ટકા સુધીની મર્યાદામાં માન્ય રાખી તે મુજબ ભરવાપાત્ર વેરો નક્કી કરાશે અને તેના પર વ્યાજ અને દંડની રકમની ગણતરી કરવાની રહેશે.
- બાકી આકારણી કેસોમાં વેપારી સ્વમેળે પોતાની જવાબદારી જાહેર કરી યોજના હેઠળ લાભ લઇ શકશે પરંતુ તેની બાંહ્યધરી આપવી પડશે.
- વધારાની માગણી માટે એસેસમેન્ટ, રીએસેસમેન્ટ કે રીવીઝનની આપેલી નોટીસના કેસોમાં પણ યોજનાનો લાભ મળશે.
- અપીલના કેસોમાં વેપારીએ અપીલ પરત ખેંચવાની રહેશે.
- વિભાગ દ્વારા ટ્રીબ્યુનલ કે કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય તેવા કેસોમાં વેપારી વિવાદીત રકમ સ્વિકારી યોજના પ્રમાણે રકમ ભરશે તો તેને લાભ મળવાપાત્ર થશે.
- એક કરતાં વધુ આદેશો અન્વયે ડીમાન્ડ પૈકી અમુક આદેશો પ્રમાણે ડીમાન્ડ માટે લાભ લઇ શકાશે પરંતુ એક જ આદેશ અન્વયે અપીલના કેસો સિવાય લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- તમામ કાયદા હેઠળની બાકી માગણી પેટે યોજનાની તારીખ પહેલાં ભરેલી રકમ ગુજરાત મૂલ્ય વર્ધિત વેરાની કલમ પ્રમાણે પ્રથમ વ્યાજ સામે ત્યારબાદ પેનલ્ટી સામે સરભર કર્યા પથી બાકીની રકમ વેરા સામે મજરે આપવામાં આવશે.
- માલની હેરફેર કર્યા વિના વેચાણ બીલ ઇસ્યુ કરવામાં આવ્યા હોય (બોગલ બીલીંગ) ના કિસ્સામાં ભરેલો વેરો જપ્ત થયો હોય અથવા તો વેરા જેટલી દંડની રકમ હોય તેમાં લાભ મળશે નહીં.
- ભારત સરકારે ભાગેડુ જાહેર કરેલી હોય તેવી વ્યક્તિઓની પેઢીને આ લાભ મળશે નહીં.
- આ યોજનામાં કોઇપણ કારણે રિફંડ ઉપસ્થિત થાય તો તેવું કોઇ રિફંડ અપાશે નહીં.
- યોજના હેઠળ લેવાયેલો નિર્ણય આખરી ગણાશે અને તેની સામે કોર્ટ સમક્ષ અપીલ કરી શકાશે નહીં.
- માત્ર દંડના આદેશો કરવામાં આવ્યા હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળી શકશે નહીં
- યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે તેમજ તે લાભ લેવા માગતા હોય તેમાં ડીમાન્ડ નોટીસ રજૂ કરવી પડશે.
- યોજના હેઠળ વેરા, વ્યાજ અને દંડની રકમ માફ કરવાની થાય તેવી રકમના માફીના આદેશો સબંધિત અધિકારીએ કરવાના રહેશે.
- નિર્ણયના અનુસંધાને ભરવાપાત્ર વેરા, વ્યાજ અને દંડના રેમીશનની કાર્યવાહી વાણિજ્યિક વેરા કમિશનરે હાથ ધરવાની રહેશે