’ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ : વિપક્ષ નેતાના મોદી-શાહને ચાબખાં

ગાંધીનગર, તા. 02

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ ટ્વિટરના માધ્યમથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એકપછી એક એમ ત્રણથી વધારે ટ્વિટ કરીને ટ્વિટર ગજવી મૂક્યું છે.

ટવીટર પર ધાનાણીના ચાબખા

ગાંધી જંયતિ નિમિત્તે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર ગજવ્યું છે. ટ્વિટર પર અલગ અલગ પૉસ્ટ મૂકી ધાનાણીએ વર્તમાન કેન્દ્ર સરકાર અને ભાજપના બે ટોચના નેતાઓ પર ચાબખાં માર્યા છે. ધાનાણીએ ટ્વિટર પર ગાંધી-સરદાર  અને મોદી-શાહની તસવીર મૂકી લખ્યું છે કે, ‘દેશ બદલ રહા હૈ, બે ગુજરાતીઓ આઝાદી અપાવી આજે બે ગુજરાતીઓ અસત્ય અને હિંસાના સહારે દેશને ગુલામ બનાવ્યો’, ધાનાણીના આ ટ્વિટથી રાજકીય માહોલ ગરમાયો છે.

દેશ બદલ રહા હૈ, હે રામ..

પરેશ ધાનાણી પ્રથમ ટ્વિટમાં હિંદીમાં  લખ્યું છે કે, ‘ દેશ બદલ રહા હૈ, હે રામ.. આઝાદ ભારતમેં ‘ગુલામ’ પેદા કરને કી કોશિષ ક્યું હો રહી હૈ? જય હિંદ’ આ ટ્વિટમાં ધાનાણીએ ગાંધી-સરદાર અને મોદી-શાહનું પૉસ્ટર મૂકી અને લખ્યું છે કે ‘બે ગુજરાતીઓએ સત્ય અહિંસાના માર્ગે આઝાદી અપાવી, આઝાદ ભારતમાં બે ગુજરાતીઓ જ અસત્ય અને અહિંસાના માર્ગે આપણને ગુલામ બનાવવાનો પ્રયાસ શા માટે કરી રહ્યા છે

‘ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ 

ધાનાણીએ અન્ય એક ટ્વિટ કરીને સવાલ પણ પૂછ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘ગુજરાત ગાંધીનું છે કે ગોડસેનું?’ તેમણે લખ્યું કે, ‘હે રામ'” થી શરૂ થયેલી અહિંસક યાત્રાને હવે “રામ બોલો ભાઈ રામ” સુધીની હિંસક કેડીએ કોણે અને શું કામ પહોંચાડી હશે..? #ભારત_બચાવો_અભિયાન.’ આ ઉપરાંત ધાનાણીએ અન્ય એક ટ્વિટ પણ કરી હતી. જોકે, તેમાં પરેશ ધાનાણીએ ગાંધીજીને ‘હું પણ ગાંધી તુ પણ ગાંધી’ કવિતાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ધાનાણીના સરકાર અને ભાજપ વિરૂદ્ધના અનેક ટ્વિટ ચર્ચાનો વિષય બની જતા હોય છે ત્યારે આ ટ્વિટે પણ ટ્વિટર ગજાવ્યું છે અને સાથોસાથ રાજકીય માહોલ પણ ગરમ કરી દીધો છે.

અનોખી પ્રકારની શ્રદ્ધાંજલિ આપી ભાજપના નેતાઓ પર આકરો કટાક્ષ કરી ચાબખાં માર્યા છે.