ગાંધીનગર-તા:19
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે તેથી રાજ્યની જીઆઇડીસીના અધિકારીઓને તાકીદ કરી ઉદ્યોગોને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જીઆઈડીસીની અવ્યવ્હારુ નિતી જવાબદાર?
રાજ્યના ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જીઆઇડીસીના અધિકારીઓને બોલાવીને લધુ અને મધ્યમ ઉદ્યોગોને પડતી તકલીફો નિવારવાની સૂચના આપી એવું કહ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં જવાનું વિચારે તે પહેલાં તેમની સાથે ચર્ચા કરીને સમાધાન કરો. ઉદ્યોગ સંચાલકોને સમજાવો અને તેમના નાના મોટા પ્રશ્નોનો નિકાલ કરો. કેટલાક ઉદ્યોગો માને છે કે જીઆડીસીની અવ્યવહારૂ નિતીના કારણે સાણંદના કેટલાક ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહ્યાં છે. ખાસ કરીને તેઓએ મધ્યપ્રદેશને પસંદ કરીને મધ્યપ્રદેશના બોર્ડના અધિકારીઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકોની વિગતો ઉદ્યોગ વિભાગે મેળવી છે.
ઉધોગજગતના પ્રશ્નો ઉકેલવામાં ઉદાસીનતા
ઉદ્યોગ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાના ઉદ્યોગકારોના પ્રશ્નો હલ ન થવાના કારણેલગભગ 200 જેટલા પ્લોટધારકોએ તેમના ઉદ્યોગ અન્ય રાજ્યોમાં ખસેડ્યા છે.
ગુજરાતમાંથી 1000 કરોડનું રોકાણ બહાર ગયું છે છતાં રાજ્યના જીઆઈડીસીના અધિકારીઓ આ વિસ્તારના ઉદ્યોગોના પ્રશ્નોને ઉકેલવા ઉદાસીન છે. ઔદ્યોગિક વસાહતોના એસોસિયેશનના હોદ્દેદારો જણાવે છે કે મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
સ્થાનિક એકમોની અવગણના
એક ઉદ્યોગજૂથના પ્રતિનિધિએ કહ્યું હતું કે ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓને ડિસ્કાઉન્ટ આપી તેમના માટે લાલ જાજમ બિછાવાય છે તેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ જીઆઈડીસી દ્વારા સ્થાનિક એકમોની અવગણના કરવામાં આવે છે. નાના ઉદ્યોગોના પ્રશ્નો નિવારવામાં વિલંબ થતાં અમે કરેલું રોકાણ બ્લોક થઇ ગયું છે અને પ્રોજેક્ટના અમલના તબક્કા પર જઈ શકતા નથી.
બે હજાર જેટલા સ્ટાર્ટઅપને નોટીસ
તાજેતરમાં જ ગુજરાતના 2000 જેટલા સ્ટાર્ટઅપને રજીસ્ટાર ઓફ કંપનીઝે નોટીસ આપી છે અને તેમના વ્યવસાયને સમેટી લેવાની ચીમકી ઉચ્ચારી છે કારણ કે સ્ટાર્ટઅપ માટે બે વર્ષની સમય મર્યાદામાં કામગીરી શરૂ કરવાની હોય છે જે આ ઉદ્યોગજૂથોએ કરી નથી. હવે જીઆઇડીસીમાં પણ સરકારની જોહુકમીનો ભોગ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો બની રહ્યાં છે. રાજ્યની 202 જેટલી જીઆઇડીસી એસ્ટેટમાં 63000 જેટલા ઉદ્યોગો આવેલા છે જે પૈકી 200 જેટલા પ્લોટધારકોએ અન્ય રાજ્યો તરફ નજર દોડાવી છે.