ગુજરાત સરકારે રૂ. 200 કરોડનું વિમાન ખરીદ્યું, કલાકના ૮૯૦ કિ.મી. ની ઝડપે ઊડી શકશે.

ગાંધીનગર,તા.06
બે વર્ષના લાંબા ઇન્તજાર પછી રાજ્ય સરકારને એક નવું એરક્રાફ્ટ મળશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો તેમજ વીવીઆઇપી મહેમાનો ઉડાન ભરી શકશે. આ એરક્રાફ્ટ એક કલાકમાં 890 કિલોમીટરની સફર કરી શકશે.

રાજ્ય સરકારે બે વર્ષ પહેલાં સામાન્ય અંદાજપત્રમાં નવા એકક્રાફ્ટ માટે નાણાકીય જોગવાઇ કરી હતી પરંતુ બે વર્ષથી એરક્રાફ્ટની ખરીદી લંબાતી જતી હતી પરંતુ હવે બે સપ્તાહમાં એટલે કે નવેમ્બરમાં આ વિમાન આવી જશે. સરકારે 200 કરોડ રૂપિયાના ખર્ચે આ નવું વિમાન ખરીદ કર્યું છે જે બોમ્બાર્ડિયર નિર્મિત ચેલેન્જર 650ના નામે ઓળખાય છે.

ગુજરાત સરકાર પાસે હાલ રાજ્યમાં બીક્રાફ્ટ સુપર કિંગ 200 ટર્બોપ્રોપ વિમાન છે જેનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી આ એરક્રાફ્ટ ગુજરાતના નેતાઓ અને મહાનુભાવોને સફર કરાવે છે પરંતુ હવે તેનું મેન્ટેનન્સ મોંઘુ પડતું હોવાથી સરકારે નવું વિમાન લેવાનું નક્કી કર્યું હતું. આ વિમાનનું સંચાલન ગુજરાત સિવિલ એવિયેશનની કંપની ગુજસેલ કરી રહી છે.

ચેલેન્જર 650 જેટમાં 7000 કિલોમીટરની સીધી રેન્જ છે જે હાલના એરક્રાફ્ટ ટર્બોપ્રોપની 1400 કિલોમીટરની ક્ષમતા સામે પાંચ ગણી વધારે છે. હાલના વિમાનની ઉડાન ક્ષમતા પ્રતિ કલાકે 580 કિલોમીટરની છે જ્યારે નવા વિમાનની ક્ષમતા 890 કિલોમીટરની છે.

નવા ચેલેન્જર વિમાનનો ઉપયોગ લાંબા અંતરની ઉડાનોમાં થશે. રાજ્યના મુખ્યમંત્રી કે કોઇપણ મહાનુભાવને ચીન, મધ્યપૂર્વના દેશો, જાપાન, સિંગાપોર કે રશિયા જવું હશે તો તેમાં જઇ શકશે. અત્યારે લાંબા અંતરની સફર કરવી હોય તો ગુજરાત સરકારે ખાનગી વિમાનો ભાડે લેવા પડતા હોય છે પરંતુ હવે ખાનગી વિમાનોને ભાડે લેવાની આવશ્યકતા રહેશે નહીં.

રાજ્યના સિવિલ એવિયેશન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે નવા વિમાનની ઉડાન માટે પાયલોટને તેનું શિક્ષણ આપવામાં આવશે. એક વખત જ્યારે વિમાનની ડિલીવરી લેવામાં આવે છે ત્યારે બોમ્બાર્ડિયરના પાયલોટની ટીમ ગુજરાત સરકારના પાયલોટને ટેકનિકલ જ્ઞાન આપે છે, સાથે સાથે વિમાન ઉડાવવાની તાલીમ આપવા હોય છે. કંપનીની ટીમ કેટલાક સપ્તાહ સુધી ગુજરાતમાં રહેશે અને પાયલોટને તાલીમ આપશે.

નવા વિમાનમાં 12 સીટો આવેલી છે અને તે 7000 કિલોમીટર સુધી હવામાં એકસાથે ઉડી શકે છે. ગુજરાત સરકાર પાસે હાલ એક વિમાન અને એક હેલિકોપ્ટર છે. આ બન્ને વાહનો જૂનાં થઇ ગયા હોવાથી તેનું વાર્ષિક મેન્ટેનન્સ ઉડાન સહિત બે કરોડ જેટલું આવતું હોય છે. હવે નવું વિમાન લેવામાં આવતા તેનું મેન્ટેનન્સ ઓછું આવશે.