ગાંધીનગર,તા.16 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રાષ્ટ્રીયકૃત બેન્કોને પરંપરાગત પધ્ધતિ માંથી બહાર આવી એગ્રેસીવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય–ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય–ધિરાણથી પગભર થાય તેવા બદલાવ પૂર્ણ વ્યવહારની આવશ્યકતા હવેના સમયમાં બેન્કોએ સ્વીકારવી પડશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર મહેશકુમાર જૈન, એસ.એલ.બી.સી.ના ચેરમેન અને બેન્ક ઓફ બરોડાના CEO પી. એસ. જયકુમાર, લીડ બેન્ક બેન્ક ઓફ બરોડાના એકઝીકયુટીવ ડાયરેકટર વી. એસ. ખીચી સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
યુવા સાહસિકો માટે વધુ સરળતાથી ધિરાણ મળે તે માટે બેન્કો કરે આયોજન
રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હવે ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા ખૂલી ગઇ છે. ઇઝ ઓફ ડૂઇંગને કારણે સરળીકરણ થવાથી વિકાસની સ્પર્ધા એટલી તીવ્ર થઇ ગઇ છે કે પૂરતો સપોર્ટ અને લાંબો દ્રષ્ટિકોણ ન હોય તો વિકાસ શકય નથી. બેન્કોએ સાંપ્રત વ્યાપક સ્થિતીનો વિચાર કરી ૩૪ લાખ જેટલા એમએસએમઈ એકમો, યુવા સાહસિકોને વધુ સરળતાએ ધિરાણ–સહાયથી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે નક્કર પગલાંઓ–આયોજનો કરવાની આવશ્યકતા છે.
સોલાર રુફ ટોપ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ બેન્કો સહાય આપે
રૂપાણીએ ગુજરાત સરકારે ગ્રીન–કલીન ઊર્જા માટે અમલમાં મૂકેલી સોલાર રૂફ ટોપ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની ધિરાણ–સહાયનું બજેટ ફાળવ્યું છે તેની ભૂમિકા આપતાં બેન્કર્સને અપીલ કરી કે આ યોજના માટે બેન્કો પણ સહાય માટે આગળ આવે. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત ર૦રર સુધીમાં સૌને આવાસનો લક્ષ્યાંક પાર પાડવામાં બેન્કોની લોન–સહાયના સહયોગની તેમજ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરના પારદર્શી અભિગમમાં બેન્કોના સક્રિય સહયોગ જરૂરી છે.
તેમણે બેન્કર્સને અનુરોધ કર્યો કે, બેન્કોને મળતી લોન–સહાય કે અન્ય ધિરાણની અરજીઓ સામે ડે-ટુ-ડે કેટલી અરજીઓનો નિકાલ થયો તેનો નિયમીત અહેવાલ રાજ્ય સરકારને મળે તે પણ અપેક્ષિત છે.
આર્થિક તેજીના સરકારના આયોજનમાં બેન્ક સહયોગ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, બેન્કો ખેત ધિરાણ, ફસલ બિમા યોજનાના ચૂકવણામાં વેગ લાવે સાથોસાથ ફલેગશીપ યોજના જેવી ખેતી ક્ષેત્રની, યુવા રોજગારીની-સ્વરોજગારીની યોજનાઓમાં પણ ત્વરીત સહાય આપી આર્થિક તેજીના ભારત સરકારના આયોજનમાં સહયોગ કરે.