અમદાવાદ, સોમવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેન્દ્ર સરકારની આવકમાં મંદીની અસર હેઠળ થઈ રહેલા ઘટાડાનો પરિણામે રાજ્ય સરકારને ઘટેલી આવકનું વળતર આપવું ડિસેમ્બર પછી કેન્દ્ર સરકાર માટે કઠિન બની જશે. જીએસટીના અમલીકરણ પછી રાજ્ય સરકારને 14 ટકાના વાર્ષિક વધારા સાથે પડનારી ઘટને સરભર કરી આપવા કેન્દ્ર સરકાર કાયદેસર બંધાયેલી છે. આ જવાબદારી અદા કરવી કેન્દ્ર સરકાર માટે કઠિન બની ગઈ છે. આ જ સ્થિતિ રહી તો આગામી ડિસેમ્બર પછી કેન્દ્રની તિજોરી રાજ્ય સરકારોની ઘટનો બોજ વેંઢારી શકશે નહિ તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની 2016ના નાણાંકીય વર્ષની આવકને પાયાની આવક ગણીને દર વર્ષે તેેના પર 14 ટકાનો વધારો કરી આપતા જે રકમ થાય તે રકમમાં જેટલી રકમની ઘટ પડે તેટલી રકમ કાયદેસર ચૂકવવા કેન્દ્ર સરકાર બંધાઈ તે પછી જ જુલાઈ 2017થી જીએસટીનો અમલ શક્ય બન્યો છે. આ ઘટનાને માંડ અઢી વર્ષ થયા છે ત્યારે જ કેન્દ્રની હાલત ખરાબ થવા માંડી છે. આ દરથી માસિક ગણતરી કરવામાં આવે તો દેશના દરેક રાજયોની મળીને જીએસટીની માસિક આવક 2019-20ના વર્ષમાં રૂા.55,900 કરોડની થવી જરૂરી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મળીને જીએસટીની કુલ આવક રૂા.1,00,000(એક લાખ કરોડ)કરોડથી વધતી નથી. વર્ષમાં બેચાર વાર વધી જાય છે, પરંતુ બહુધા રૂા. 1 લાખ કરોડની આસપાસની જ રહે છે.
ગુજરાતના જીએસટીના સૂત્રોનું કહેવું છે કે 2019-20ના નાણાંકીય વર્ષમાં ગુજરાતની જીએસટીની આવક અંદાજે રૂા.48000 કરોડથી વધુ થવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. કેન્દ્રની આવક ઘટે છે, પરંતુ ગુજરાત મેન્યુફેક્ચરિંગ સ્ટેટ હોવાથી તેની આવક પર વધુ અસર પડી શકે છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ગુજરાતને મહિને સરેરાશ 600થી 625 કરોડનું વળતર ચૂકવ્યું હતું. તેની સામે આ વરસે ગુજરાતને મહિને રૂા.775થી 800 કરોડ ચૂકવવાની નોબત આવી શકે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર ન ચૂકવી શકે તો ગુજરાત માટે તેના ટાર્ગેટ એચિવ કરવા કઠિન બની જાય તેમ છે.
સપ્ટેમ્બર માસમાં કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર સાથે મળીને જીએસટીની કુલ આવક રૂા. 98,200 કરોડની થઈ છે. આ જ સ્થિતિ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ જળવાઈ રહે તો કેન્દ્ર પાસે ગુજરાત સહિતના દેશના તમામ રાજ્યોને જીએસટીની ઘટના નાણાં ચૂકવવા માટેના ફંડની અછત નિર્માણ થશે. કારણ કે સપ્ટેમ્બર સુધીની આવકને આધારે જ રાજ્ય સરકારોને આપવા પાત્ર વળતરની રકમ વધીને રૂા.1,08,000 કરોડ થઈ ગઈ છે. આ રકમ હજી ચૂકવાઈ નથી. આમ આ ઘટ મહિને રૂા.9000 કરોડની જવાબદારી ઊભી કરે છે. આગામી છ માસમાં જીએસટીની આવક રૂા.1.25 લાખ કરોડની ગતિએ ન વધે તો કેન્દ્રસરકારને રાજ્યોની રકમ ચૂકવવામાં તકલીફ પડી શકે છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ઘર્ષણનો આરંભ પણ થઈ શકશે. કોન્ગ્રેસ શાસિત રાજ્યોમાંથી કેન્દ્ર દ્વારા તેમને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની બૂમરાણ પણ ઊઠવાની સંભાવના છે, કારણ કે કેન્દ્રની આવકના વધારાની તુલનામાં રાજ્યોને ચૂકવવાની જવાબદારીમાં સતત વધારો થતો જોવા મળશે.
કેન્દ્ર સરકારે દેશની તમામ રાજ્ય સરકારનો મહિને રૂા.55,900 કરોડ ચૂકવવાના થાય છે. તેની સામ કેન્દ્રએ અત્યાર સુધીમાં મહિને રૂા.38,700 ચૂકવ્યા છે. આમ બાકી ચૂકવવાની રકમની ઘટમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર જુદી જુદી સેસ નાખીને આ ઘટને સરભર કરવાનો પ્રયાસ કરી રહી છે. પાન મસાલા, તમાકુ અને તમાકુની બનાવટ પર સેસ લાગુ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે એરેટેડ વોટર અને મોટર કાર સહિતની વસ્તુઓ પર સેસ લેવામાં આવી રહી છે. જીએસટીની આવકમાં વાર્ષિક ધોરણે અપેક્ષા કરતાં ઓછો એટલે કે સરેરાશ છ ટકાના દરે વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળે છે. તેથી રાજ્ય સરકારને વળતર આપવા માટે કેન્દ્ર સરકાર ક્યાંથી પૈસા લાવશે તે એક સવાલ છે.