ટોચની ચાર કંપની ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ સ્થાપશે

ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હતું કે, અમે કંપનીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. મોટી ચાર ટેક કંપનીઓ ગિફ્ટ સિટીમાં ટેક્‌નોલોજી અને ફિન-ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.

માસ્ટરકાર્ડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રવિ અરોરાએ જણાવ્યું હતું કે, માસ્ટર કાર્ડના ભારત ખાતેના બિઝનેસ માટે ગુજરાત મહત્ત્વનું રાજ્ય રહ્યું છે. અમે વડોદરામાં આધુનિક ટેક્‌નોલોજી સેન્ટર ધરાવીએ છીએ, જેમાં 230થી વધુ કુશળ કર્મચારી સક્રિય છે. આ સેન્ટર ઊભા થઈ રહેલા પેમેન્ટ સેગમેન્ટ માટે ડિજિટલ અને મોબાઈલ એપ્લિકેશન વિકસાવવા નું કામ કરે છે. અમે ગુજરાત અને ભારતીય અર્થતંત્રમાં બિઝનેસના વિસ્તરણ માટે વધારાનું રોકાણ કરીશું, જેથી કેશલેસ ઈકોનોમીની દિશામાં ઝડપથી પ્રગતિ કરી શકાય.

એમ.કે. દાસે જણાવ્યું હતું કે, ભારતમાં ગિફ્ટ સિટી પહેલું અને એકમાત્ર ફાયનાન્સિયલ સિટી છે, જે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) સ્ટેટસ સાથે મલ્ટિ સર્વિસ SEZ ધરાવે છે. સ્થાનિક અને વૈશ્વિક ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસ ધરાવતી વૈશ્વિક અને સ્થાનિક ફિન-ટેક કંપનીઓ માટે બિઝનેસનો પ્રારંભ લાભદાયી રહેશે. તેમણે ફિનટેક પોલિસીનો અણસાર આપ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત ગિફ્ટ સિટી માટે નવી પોલિસી લાવશે.

એમ.કે. દાસના જણાવ્યા અનુસાર સરકાર ગિફ્ટ સિટીમાં ટેક્નોલોજી અને ફિનટેક હબની રચનાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એ GESEA- IT એસોસિયેશનની મદદથી ગિફ્ટ સિટીમાં ટેક્નોલોજી હબ વિકસાવવાનું શરૂ કર્યું છે.12 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાંથી GIDCને IT હબ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા 6 લાખ ચોરસ ફૂટ જમીન આપવામાં આવી છે.

ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રેએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટી પાસે IFSC સ્ટેટસ હોવાથી આગામી પગલું ફિન-ટેક હબની રચના કરવાનું હશે.અમે ત્રણ ફિનટેક સર્વિસીસ એરક્રાફ્ટ લીઝિંગ, મરિન લીઝિંગ અને ફિન-ટેકના ઓનશોરિંગનો પ્રસ્તાવ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવાના છીએ.