ડેરીની ભરતીમાં શંકર ચૌધરીનો વહીવટ….

કૌભાંડોમાં માહેર એવી સાબર ડેરીમાં વધુ એક કૌભાંડનો ફણગો ફૂટતાં વિવાદ ઊભો થયો છે. ડેરીમાં 189 કર્મચારીઓ ની ભરતીમાં રૂ. 15થી 25 લાખ સુધીના કૌભાંડ ડિરેક્ટર શંકર ચૌધરી દ્વારા કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે અન્ય પરીક્ષાર્થીઓએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 189 કર્મચારીઓની ભરતી માટે 1 ડિસેમ્બરથી લેખિત પરીક્ષા શરૂ થવાની છે. અને આ પરીક્ષા પહેલાં જ ડેરીના ડિરેક્ટરો અને ખાસ કરીને શંકર ચૌધરી દ્વારા પોતાના મળતિયાઓને ગોઠવવાનો તખ્તો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે ડિરેક્ટરો દ્વારા કર્મચારીની ભરતી માટે રૂ. 15થી 25 લાખ લેવામાં આવતો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. અને આ માટે ગ્રાહકો શોધવાની તજવીજ પણ ડિરેક્ટરોના મળતિયાઓ અને તેમના સગાંવહાલાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ મામલે જિલ્લાના સહકારી તેમ જ ધારાસભ્યોએ પણ અણિયાળા સવાલો ઉઠાવીને ડેરીના ડિરેક્ટરોને ઘેરવાની શરૂઆત કરી છે.

શું છે કૌભાંડ?

સાબરકાંઠાની અવ્વલ નંબરની સાબર ડેરીમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ પર કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય ડેરી દ્વારા લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પહેલી ડિસેમ્બરથી સાબર ડેરીની 189 કર્મચારીઓની ભરતી માટે લેખિત પરીક્ષા લેવાની શરૂઆત થવાની છે. પરંતુ ડેરીના કેટલાંક ડિરેક્ટરો દ્વારા આ જગ્યાઓ માટે રોકડી કરવાની હિલચાલ શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે ડેરીના ડિરેક્ટરો અને તેમના મળતિયા તેમ જ સગાંવહાલાંઓ દ્વારા આ જગ્યા માટે ગ્રાહકો શોધવાની શરૂઆત કરી છે. અને આ જગ્યા માટે અંદાજે રૂ. 15થી 25 લાખનો તોડ કરીને ભરતી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની તજવીજ શરૂ થઈ હોવાની ભણક કેટલાંક પરીક્ષાર્થીઓ તેમ જ જિલ્લા સહકારી આગેવાનોને આવી જતાં તેમણે વિરોધ શરૂ કર્યો છે. અને પરીક્ષા યોજાય એ પહેલાં જ ડિરેક્ટરો દ્વારા બારોબાર ભરતી કરવાના કારસાનો પર્દાફાશ થાય અને આ પ્રકારે ગેરરીતિ આચરીને ભરતી ન થાય તે માટે કેટલાંક પરીક્ષાર્થીઓએ કોર્ટના દ્વાર પણ ખખડાવી દીધા છે.

લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબો આપી દેવાયા

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 1 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબો પહેલેથી જ જે લોકોએ આ જગ્યા માટે રોકડિયો વ્યવહાર કરી દીધો છે તેમને તેના જવાબો પહોંચતા કરી દેવામાં આવ્યા છે જેથી તેઓ પરીક્ષામાં સરળ તા થી જવાબો લખીને ડેરીમાં નોકરી માટે ક્વોલિફાય થઈ જાય અને ડેરીના વહિવટદારો દ્વારા પારદર્શક રીતે ભરતી કરવામાં આવી હોવાનો દેખાડો કરી શકાય.

જિલ્લાના સહકારી આગેવાનો અને ધારાસભ્ય મેદાને

સાબર ડેરીના ભરતી કૌભાંડની વાત બહાર આવતાં જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી આગેવાનો તેમ જ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ મેદાનમાં આવી ગયા છે. ધારાસભ્ય કોટવાલનો આ અંગે સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, વર્ષોથી સાબર ડેરીનો વહિવટ ખાડે ગયો છે અને ખાડે ગયેલા વહિવટના વહિવટદારો દ્વારા ડેરીની 189 કર્મચારીઓની ભરતીમાં પણ વહિવટ કરીને નોકરી આપવાનો જે કારસો રચાયો છે તે કોઈ પણ સંજોગોમાં સાંખી નહિ લેવાય. આ મામલે ઉગ્ર આંદોલન કરીને તેનો વિરોધ કરવામાં આવશે. તેઓ વધુમાં કહે છે વર્ષોથી આ જગ્યાઓ ભરવામાં નહોતી આવી અને હવે ભરવાનું ઠરાવાયું છે ત્યારે આ રીતે પૈસા લઈને લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રોના જવાબો આપી દઈને જરૂરિયાતમંદોને બેરોજગાર રાખવાનો આ કારસો છે.

સરકારનું કૌભાંડ મામલે સૂચક મૌન

સાબર ડેરીના ભરતી કૌભાંડનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે તેમ છતાં રાજ્યની કહેવાતી સંવેદનશીલ સરકારના પેટનું પાણી હાલતું નથી. આ મામલે જ્યારે સહકાર પ્રધાનનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો ત્યારે તેમણે આ મામલે કશું જાણતા નહિ હોવાનું કહીને વાત ટાળી દીધી હતી.

ઉગ્ર આંદોલનના ભણકારા

રાજ્યમાં એકબાજુ બેરોજગારીનો આંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે બીજી બાજુ આ રીતે પૈસા લઈને ભરતી કરવાનું કૌભાંડ સાબર ડેરીના ડિરેક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં આ મામલે ભારે ઉહાપોહ અને ઉગ્ર આંદોલન થાય એવી શક્યતાઓ નકારી શકાય નહિ.