ગાંધીનગર, તા. 30
ગુજરાત હવે ખંડિયું રાજ્ય બની ગયું છે. રૂપાણી સરકાર જે નિર્ણય લે છે તે દિલ્હીના ઈશારે લઈ રહી છે. પહેલાં કોંગ્રેસમાં જે રીતે રાજ ચાલતું હતું તે હવે ભાજપમાં પણ શરૂ થયું છે. દિલ્હીથી જે યોજના બને છે તેનો અમલ ગુજરાતમાં રૂપાણી કરે છે. કેન્દ્ર આધારિત યોજનાઓનો અમલ વધારે હોય છે. ગુજરાત સરકારની પોતાની આગવી વિચારધારા પ્રમાણેની યોજના અમલી બનતી નથી. રૂપાણીની સરકાર પોતાના વિચારો અને આયોજનો પ્રમાણે નિર્ણય લેવામાં નિષ્ફળ નીવડી છે. સચિવાલયમાં આ અંગે અધિકારીઓ સરકારની ટીકા કરી રહ્યા છે.
દિલ્હી દરબારની મંજૂરી જરૂરી
ટોચના અધિકારીઓની બદલી અને બઢતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની મંજૂરી વગર બદલીનું પાંદડું પણ હલી શકતું નથી. 79 આઈએએસ અધિકારીઓની બદલી થઈ તે પણ અમિત શાહ ગાંધીનગર આવ્યા બાદ થઈ છે. રૂપાણી દિલ્હી દરબારને પૂછ્યા વગર કોઈ નિર્ણયો લઈ શકતા નથી.
નવા નિર્ણયો નહીં કે સમિક્ષા નહીં
સચિવાલયમાં કર્મચારીઓ કહે છે કે, રાજ્ય સરકારની દર અઠવાડિયે મળતી પ્રધાન મંડળની બેઠકમાં પ્રજાલક્ષી ઠોસ નિર્ણયો લેવામાં આવતા નથી. સરકાર રૂટિન ચાલી રહી છે. મંત્રી મંડળની બેઠકમાં એજન્ડા પર ચર્ચા કરીને નિર્ણયો લેવાય છે પણ અગાઉના નિર્ણયોનો અમલ કેવો થયો તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. અગાઉની કેશુભાઈની સરકારમાં નિયમિત રીતે અગાઉના નિર્ણયોના અમલની સમિક્ષા થતી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળતી બેઠકમાં સમિક્ષા ઓછી થઈ રહી છે. તેમ અધિકારીઓ માની રહ્યા છે.
કેન્દ્રીય નેતાગીરી ઉપર નિર્ભર સરકાર
વિભાગના અધિકારીઓને બેઠકમાં સરકાર દ્વારા સાંભળવામાં આવતી નથી. વાત સાંભળવામાં આવે છે તેમાં કોઈ પ્રધાનની ભલામણનું કામ હોય કે તેમના મતવિસ્તારનું હોય તે બાબતને વધુ પ્રાધાન્ય આપીને ચર્ચા કરાય છે. અધિકારીઓના અભિપ્રાય અને ફાઈલો પરની નોંધો બાજુ પર મૂકી દેવામાં આવે છે.
કેન્દ્રની યોજનાઓ વધુ, ગુજરાતની નહીં
કેન્દ્રની યોજનાઓ ગુજરાતમાં અમલી બને છે, ગુજરાતની આગવી યોજનાઓ બનતી નથી. છેલ્લાં કેટલાંય સમયથી ચાલતો મેટ્રો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. ધોલેરા, નેશનલ હાઈવે, કોરીડોર, મેટ્રો બસનો પ્રોજેક્ટ પણ કેન્દ્રની મહેરબાનીથી જ શરૂ થયો હતો. તો 29મી તારીખે અમદાવાદમાં જે ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું તે પણ કેન્દ્ર સરકારનો જ પ્રોજેક્ટ છે. આ ઉપરાંત આવા અનેક પ્રોજેક્ટ છે જે કેન્દ્ર સરકારની મદદથી જ ચાલી રહ્યા છે.
પ્રધાનો વચ્ચે અણબનાવ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પ્રધાન મંડળમાં અંતર અને તિરાડ છે. પ્રધાન મંડળની કેટલીક બેઠકોમાં અંતર જોવા મળે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વચ્ચે કેટલાંક મુદ્દે અણબનાવ ચાલતો હોય છે. બજેટની ફાળવણીના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન નીતિન પટેલ નારાજ થઈ ગયા હતા અને બેઠક છોડીને પણ ચાલ્યા ગયા હતા.
મુખ્ય પ્રધાન સ્વર્ણિમ સંકૂલમાં ઓછા આવે છે
મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી આવ્યા છે તેઓ સ્વર્ણિમ સંકૂલ ખાતે સપ્તાહમાં એક કે બે દિવસ જ આવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી મોટાભાગના સરકારી કામો મુખ્ય પ્રધાન નિવાસસ્થાન ઉપર બનાવાયેલા તેમના કાર્યાલયમાંથી જ કરે છે. કોઈપણ કામ કે રજૂઆત માટે પ્રધાન મંડળના સભ્યો કે અધિકારીઓને તેમના બંગલે જ જવું પડે છે તેના કારણે સમયની સાથે સાથે પેટ્રોલ ડિઝલનો ખર્ચો પણ વધુ થાય છે. તેવા સંજોગોમાં જો મુખ્ય પ્રધાન પોતે આવી રીતે પોતાના સત્તાવાર નિવાસસ્થાનના કાર્યાલયમાંથી કામ કરતા હોય તો સરકારની તિજોરી પર પણ બોજ વધે છે. અને છેવટે તેનો ભાર પ્રજાના ખિસ્સા પર જ આવતો હોય છે.