નવેમ્બર પછી રાજ્યના મુખ્ય સચિવ તરીકે સંગીતા સિંઘ અથવા પંકજ કુમારની સંભાવના

ગાંધીનગર, તા. 21

ગુજરાતના વહીવટી તંત્રમાં સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. બદલીઓના આ ઓર્ડર આ સપ્તાહના અંત સુધીમાં કે ઓગષ્ટના અંત સુધીમાં થવાની શક્યતા છે. જે ઓફિસરોની બદલી થવાની છે તેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના એમડી, સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.

સચિવાલયના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના મુખ્ય સચિવ, તેમના કાર્યાલયના ઓફિસરો અને સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી રહ્યાં છે. પહેલા તબક્કે તેઓ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ આ સાથે બોર્ડ-કોર્પોરેશન તેમજ મ્યુનિસિપલ કમિશનરોની પણ બદલીઓ કરશે. બીજા તબક્કામાં સચિવાલયના મુખ્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓની બદલી કરશે. મહત્વના ઉદ્યોગ વિભાગનો વધારાનો હવાલો મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસ પાસે છે તેમાં મુખ્યમંત્રી કોઇ ફેરબદલ કરવા માંગતા નથી.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ બદલીની યાદી તૈયાર કરી રહ્યાં છે, જેમાં મુખ્ય સચિવ ડો. જે એન સિંઘ અને મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથનને પણ વિશ્વાસમાં લેવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠક યોજાઇ હતી તેથી સંભાવના છે કે આ સપ્તાહમાં બદલીઓ થશે. મુખ્યમંત્રીએ વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગમાં પણ બદલીઓ કરવાની યાદી તૈયાર કરી છે.

રાજ્યના જિલ્લા પોલીસ વડા ઉપરાંત પોલીસ ભવનના અધિકારીઓ અને વિવિધ એજન્સીઓના અધિકારીઓની બદલીઓ થવાની સંભાવના છે. રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી પદ પર રહેલા ચાર અધિકારીઓ પૈકી એક કે બે અધિકારીઓને અધિક મુખ્ય સચિવ પદે બઢતી પણ આપવામાં આવનાર છે. એવી જ રીતે પોલીસ વિભાગમાં પણ મોટાપાયે બઢતીની તૈયારીઓ કરવામાં આવી છે.

સચિવાલયના સૂત્રોએ કહ્યું છે કે રાજ્યના મુખ્યસચિવ ડો. જે એન સિંઘ નવેમ્બર સુધી આ પદ પર ચાલુ રહેશે, ત્યારપછી તેમની જગ્યાએ જીએડીના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘને રાજ્યના મુખ્ય સચિવ બનાવવામાં આવે તેવી સંભાવના છે. જો કે આ પદ માટે હાલના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારનું નામ પણ ચર્ચામાં છે. જો કે હાલ કોઈ નિર્ણય લેવામાં આવનાર નથી.

મહત્વના ફેરફારો થવાના છે તેમાં મહેસૂલ વિભાગના પંકજકુમાર, શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરી, પ્રવાસન વિભાગા એસ જે હૈદર, વન અને પર્યાવરણના રાજીવકુમાર ગુપ્તા, ઉર્જા વિભાગના પંકજ જોષી, આરોગ્ય વિભાગના પુનમચંદ પરમાર અને આરોગ્ય કમિશનર જયંતિ રવિનો સમાવેશ થાય છે. એ ઉપરાંત બીજા 24 અધિકારીઓ છે કે જેમની બદલીઓ તોળાઇ રહી છે. ઓગષ્ટ મહિનામાં મુખ્યમંત્રી 100થી વધુ બદલીઓ કરશે.