ગાંધીનગર, તા. 04
વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીએ રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશનર અને આઈબીના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને પરત ખેંચી લેવાયેલી તેમની પોલીસ સુરક્ષા ફરી આપવા માગણી કરી છે. તેમને અપાયેલી સિક્યોરીટી પરત ખેંચી લેવાતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.
શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીને જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખત શપથ લીધા ત્યારે શાહિબાગ હેડક્વાર્ટરથી ત્રણ કમાન્ડોની સુરક્ષા આપવામાં આવી હતી. જે અચાનક જ 26મી મે 2019થી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પરત ખેંચી લેવાઈ હતી. આ મામલે તેમણે એક પત્ર લખ્યો છે. જેમાં તેમને સુરક્ષા પરત આપવી જોઈએ એવી માગણી કરી છે.
શું લખ્યું છે પત્રમાં?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદીએ કહ્યું છે કે, મે 2014થી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શપથ લીધા ત્યારથી અમારા મકાન પર તેમ જ અમારી સાથે આપના તરફથી શાહિબાગ હેડક્વાર્ટરથી ત્રણ કમાન્ડો ડ્યૂટીના સમય મુજબ ફાળવવામાં આવ્યા હતા. અને પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સમયના ફરજ મુજબ ફાળવેલા હતા. પરંતુ 26મી મે 2019ના રોજ અમોને કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી સિક્યોરિટી ફક્ત અને ફક્ત જરૂરિયાત ન હોવાના બહાના હેઠળ હટાવી દેવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું છે કે, સિક્યોરિટી અમોને જરૂરી છે કેમ કે, એ અંગે અમોને કોઈપણ જાતની પૂછપરછ કર્યા વિના હટાવી લીધેલ છે. જેનું કોઈ જ કારણ જણાવેલ નથી. સિક્યોરિટી પ્રદાન કરવાનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો ત્યારે પણ અમો વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના સગાં ભાઈ હતા. સિક્યોરિટી હટાવી ત્યારે પણ અમો વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના સગા ભાઈ છીએ.
અમો એક સમાજસેવી તેમ જ ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈઝ ડિલર ફેડરેશનના વાઈસ ચેરમેન છીએ. જેના કારણે સામાજિક તેમ જ અમારા સંગઠનની કામગીરી અંગે દેશના દરેક ભાગમાં સતત પરિભ્રમણ થતું રહે છે. આ ઉપરાંત અમારી ઉંમર 67 વર્ષની છે અને અમારી કામગીરીના કારણે દરેક ઠેકાણે એકલાએ જવાનું થાય છે. આ સંજોગોમાં અસામાજિક તત્વો તરફથી મને કોઈ નુકશાન કરે તો હું મારી ઉંમરના કારણે મારો સ્વબચાવ કરી શકું તેમ નથી. વર્તમાન સમય જોતાં દેશના કેટલા નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિતમાં છે તે નક્કી કરી શકાય નહિ. મારી ઓળખ સમગ્ર દેશમાં વડાપ્રધાનના સગાભાઈ તરીકેની પ્રસ્થપિત થઈ છે. જેના કારણે મારી ઉપર ગમે ત્યારે ગમે તે સ્થળે અજુગતું બને એવું મને લાગી રહ્યું છે.
પ્રહલાદ મોદી શું કહે છે?
આ મામલે પ્રહલાદ મોદીનો સંપર્ક સાધતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વર્ષ 2014માં મારા ભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે મેં માંગી નહોતી તેમ છતાં મને સિક્યોરિટી આપી હતી. તો હવે જ્યારે સિક્યોરિટી હટાવી દીધી છે તો હું માંગુ છું.