કરાચી,તા.21
પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો મેળવવા માટે ભાવવધારો કરી રહ્યા છે.
જાકે સ્થાનિક પ્રશાસને ભાવ ૨૫૩ રૂપિયા પ્રતિ કિલો કહ્યો હતો જે સોમવારે ૧૯૩ રૂપિયા પ્રતિ કિલો હતો. જોકે મીડિયાના અહેવાલ મુજબ કોઇ પણ વેપારી આ ભાવ પર ટામેટાં નથી વેચી રહ્યા. સ્થાનિક ટ્રેડરના કહેવા પ્રમાણે ૧૩-૧૪ કિલોના ટામેટાં વાળું બોક્સ ૪૨૦૦-૪૫૦૦ રૂપિયામાં વેચાઇ રહ્યા છે જેનો ભાવ ટામેટાંની ગુણવત્તા પર આધાર રાખે છે. સરકારે ગયા અઠવાડિયે ૪૫૦૦ ટમ ટમેટાંની ઈરાનથી આયાત કરી હતી પરંતુ તે હજુ માર્કેટમાં આવવાના બાકી છે તેથી બજારોમાં ભાવ હજુ વધી રહ્યો છે.