પાક વીમો નહિ લેનાર ખેડૂતને પણ કેન્દ્રના નિયમ મુજબ સહાય ચૂકવવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગર, તા. 03

રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટ વચ્ચે ખેડૂતો ઉપર મહા સંકટ ઊભું થયું છે. આ સંજોગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. માવઠાના પગલે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. આ સંદર્ભે પાક વીમા નોંધણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારે જે ખેડૂતોએ પાક વીમો ન લીધો હોય અને નુકસાની થઈ હશે તેમને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. દરમિયાનમાં હવામાન વિભાગે આજે જાહેર કરેલી તસવીરોમાં વાવાઝોડાનો સંભવિત ટર્ન દર્શાવવામાં આવ્યો છે. જે મુજબ વાવાઝોડું ચોથી નવેમ્બરે ફરીથી ગુજરાતના દરિયા કાંઠે ફંટાશે.

સરકારે કેમ લીધો આ નિર્ણય?

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અવિરત મેઘ મહેર રહી છે. આ ઉપરાંત વરસાદ પહેલાં અને પછી પણ વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું છે. ચાલુ વર્ષે રાજ્યમાં ફોની, વાયુ, ક્યાર અને હવે મહા વાવાઝોડાનું સંકટ આવ્યું છે. આ વાવાઝોડાના પગલે રાજ્યમાં ખેડૂતોને સૌથી મોટો માર પડ્યો છે. જેમાં તેમના ઊભા મોલ કે વાવણી કરેલા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો પોતાનો પાક નિષ્ફળ જાય અને પોતે પાયમાલ ન થાય તે માટે સામાન્ય સંજોગોમાં નાના ખેડૂતો પાક વીમો લેતા હોય છે. રાજ્યના નાના ખેડૂતો જ પાક વીમો લેતા હોવાના કારણે તેમને પાક વીમા કંપની દ્વારા તેમના નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે છે. પરંતુ જે મોટા ખેડૂતો છે તેઓ મોટાભાગે પાક વીમો નથી લેતા હોતા. આ સંજોગોમાં ચાલુ વર્ષે આવેલા વાવાઝોડા અને તેમાં પણ ખાસ કરીને છેલ્લે આવેલા ક્યાર અને મહા વાવાઝોડાના સંકટમાં રાજ્યના તમામ નાના મોટા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. અને જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમને પણ પારાવાર નુકસાન થયું છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે તમામ ખેડૂતો એટલે કે પાક વીમો લેનાર અને નહિ લેનાર એમ તમામ ખેડૂતોને નુકસાનીનું વળતર મળી રહે તે માટે નિર્ણય કર્યો છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત

મોરબી ખાતે એક કાર્યક્રમમાં આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, સરકાર દિલ્હી સ્થિત વીમા કંપનીઓના સંપર્કમાં છે. પાક વીમા માટે ટોલ ફ્રી નંબર બંધ હોવાની ફરિયાદો હતી. સરકારે સરવેના અને સહાયના આદેશો આપ્યા છે. જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમના માટે મુખ્યપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, પાક વીમો નહિ લેનાર ખેડૂતોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ કે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિયમો મુજબ તેમને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

મહા વાવાઝોડું દીવ-દ્વારકા વચ્ચે ટકરાશે

રાજ્ય પરથી હજુ પણ મહા વાવાઝોડાનું મહા સંકટ ટળ્યું નથી. વાવાઝોડું હાલમાં અરબી સમુદ્રમાં સક્રિય છે અને 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય એવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હાલમાં મહા વાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે. પરંતુ 4 નવેમ્બરે તે કર્વ લઈને ફરી ગુજરાત તરફ ફંટાશે. ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જ્યારે આ વાવાઝોડું રાજ્ય પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100થી 110 કિ.મી. રહેશે. જ્યારથી લો પ્રેશર સર્જાયું છે ત્યારથી ભારતીય મોસમ વિભાગ દ્વારા પળેપળનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની સૂચનાના પગલે સરકારે ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાના કલેક્ટરોને સૂચના આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ સહિતની કૂમકની તૈયારી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે વાવાઝોડું ગુજરાતના કાંઠે નહીં ટકરાય પરંતુ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને ભારે વરસાદ વરસશે. જોકે, આજે નવી જાહેર થયેલી તસવીરોમાં વાવાઝોડાનો સંભવિત ટર્ન દર્શાવવામાં આવ્યો છે. જેના મુજબ વાવાઝોડું ચોથી નવેમ્બરે ફરીથી ગુજરાતના દરિયા કાંઠે ફંટાશે.