રાજકોટ,તા:૨૯ રાજકોટના અન્ય તાલુકા ગોંડલ , જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવી ગયું હતું. વરસાદના કારણે સ્થાનિક ડેમમાં પણ નવાં પાણીની આવક થઈ છે. જે મુજબ મોતીસર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે રાજકોટના આજી-1 અને આજી-2 ઉપરાંત ન્યારી-1 અને ન્યારી-2 ડેમ ફરી ઓવરફ્લો થયા છે. આ સિવાય લાલપરી તળાવ પણ પાણીથી ભરાઈ ચૂક્યું છે.
એકંદરે સારા વરસાદના પગલે રાજ્યનાં મોટાભાગનાં જળાશયો લગભગ ભરાઈ ચૂક્યાં છે. સરકારના દાવા પ્રમાણે હાલમાં વિવિધ જળાશયમાં એકત્ર થયેલું પાણી દોઢથી બે વર્ષ સુધી પીવાનાં અને સિંચાઈનાં કામમાં આવશે.
પાછોતરા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેમણે આગોતરી વાવણી કરી લીધી છે તેવા પાક માટે આ વરસાદ નુકસાનરૂપ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ રીતે હજુપણ વરસાદ વરસતો રહ્યો તો ઊભા પાકને ભારે નુકસાન થશે, અને પાક ઉત્પાદનને મોટી અસર થશે.