પાર્કિંગની જગ્યામાંથી મલાઈ તારવી લેનારા હવે પાર્કિંગના નામે નાગરિકોની કલાઈ પકડે છે

પ્રશાંત પંડીત

અમદાવાદ, તા.11

શહેરમાં પોલીસ અને અમપા દ્વારા વાહન પાર્ક સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 10 હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગની જગ્યા વેચીને મારી હોવાથી રોજના હજારો વાહનો માર્ગ પર પાર્ક કરવામાં આવી રહ્યાં હોવાનો અંદાજ છે. બિલ્ડીંગોમાં ધંધા માટે આવતા મુલાકાતીઓ કે દુકાન માલિકોને માર્ગ પર કે રોડ પર આવેલી ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવાની ફરજ પડે છે. આવો અંદાજીત વિસ્તાર 110 કિલોમીટર થવા જાય છે જ્યાં રસ્તા કે ફૂટપાથ પર લોકોએ પોતાનું વાહન પાર્ક કરવાની ફરજ પડે છે.

પ્રજાને રંજાડ, સત્તાને છૂટ

શહેરના વિવિધ વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા પાર્કિંગના નામે છેલ્લા કેટલાક દિવસોથી ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરની પાર્કિંગની વિકરાળ સમસ્યાના મૂળમાં રહેલા બિલ્ડરો, ભાજપના સત્તાધીશો અને ભ્રષ્ટ અધિકારીઓ છે. કાળી કમાણી કરીને ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપનારા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને અધિકારીઓ કરોડોની સંપત્તિ ધરાવે છે છતાં તેમની સામે કોઈ પગલાં લીધા નથી. ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી રૂપાણી સરકારના એકપણ પ્રધાને ત્રણ વર્ષની અંદર વ્યકત કરી નથી.

ભ્રષ્ટાચારને જન્મ

અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને પાર્કિંગના સ્થાને દુકાનો બનાવી દીધી છે. જેના પેટે બિલ્ડર, રાજકારણીઓ અને અધિકારીઓ કે ભ્રષ્ટાચારના માફિયાઓ કમાયા છે. હવે પ્રજા પર જુલમ કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે 8 મહાનગરોમાં આવા 12 લાખ શોપિંગ સેન્ટરો છે જેમાં મોટા ભાગના શોપીંગ સેન્ટરોમાં દુકાનો બની ગઈ છે.

અમપા પાસે યાદી

અમદાવાદ શહેરમાં અમપાના ટેકસ વિભાગ તરફથી શહેરના કયા ઝોનમાં નવી કેટલી મિલ્કતોનો ઉમેરો થયો એની નોંધ કરવામાં આવતી હોય છે. વર્ષ-2018-19ના માર્ચ સુધીમાં અમપાના ટેકસ વિભાગના ચોપડા ઉપર કુલ મળીને ૩.૭૫ લાખ જેટલી કોમર્શિયલ મિલ્કતો નોંધાવા પામી છે. આ મિલ્કતોમાં દુકાનો, શાળાઓ, હોટલો, રેસ્ટોરન્ટ સહિત ઓફીસોનો પણ સમાવેશ થઈ જાય છે.

યુનિટો ધરાવનારા કે બહારથી આવનારાઓને જાહેર રોડ પર કે ફૂટપાથ ઉપર તેમના વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે. પોલીસ તેમના વાહનો ટોઈંગ કરીને લઈ જાય છે. તે માટે ખરેખર જવાબદાર તો ભાજપ અને ભ્રષ્ટ અધિકારીઓ છે.

ભાજપના હરેન પંડયા વેપારીઓનો બચાવ કર્યો હતો

વર્ષ-૨૦૦૨માં શહેરના સીજી રોડ પર પાર્કિંગના નામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. વડી અદાલતના આદેશ મુજબ, સી.જી.રોડ પર અમપા દ્વારા પાર્કિંગ ન ધરાવનારા બિલ્ડીંગોમાં તોડફોડની શરૂઆત કરાઈ હતી. ખૂબ ઉહાપોહ થતા અને સીજી રોડ બંધનું એલાન આપવામાં આવ્યા બાદ એ સમયના ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડયાએ વિરોધ કરતાં ઝૂંબેશ પડતી મૂકવામાં આવી હતી. પણ બિલ્ડરો કે ભાજપના નેતાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

જીડીસીઆરમાં પાર્કિંગ ફરજીયાત

બાંધકામ માટે બનાવવામાં આવેલા ગુજરાત સરકારના જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર) પ્રમાણે પાર્કિંગ હોવું જરૂરી છે. અમપાના એક એસ્ટેટ અધિકારીના કહેવા પ્રમાણે, નિયમ મુજબ શહેરમાં કોઈપણ નવું બાંધકામ થાય અને તે રહેણાંક કે કોમર્શિયલ હોય તો પાર્કિંગની વ્યવસ્થા હોવી જરૂરી છે. દસ હજાર બિલ્ડીંગો પાર્કિંગની સુવિધા ધરાવતા નથી. તો આ ગંભીર બેદરકારી માટે મ્યુનિસિપલ કમિશનરો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.

શહેરમાં રસ્તા-ફૂટપાથનું ચિત્ર

ક્ષેત્રફળ- ૪૭૭ ચોરસ કીલોમીટર

૨૪૧૫.૪૦ કીલોમીટરના આસ્ફાલ્ટાના રસ્તા

૬.૦૫ કીલોમીટરના પ્લાસ્ટિક વેસ્ટના માર્ગો

૧૦૧.૩૧ કીલોમીટરના કાચા રસ્તા

૬૦૦ કિ.મી.ના માર્ગો પર બન્ને બાજુ 1.5થી 2 મીટર ફૂટપાથ

સુરતે પાર્કિંગ પોલિસી લાગુ કરી દીધી

રાજ્યમાં સુરત શહેરે નવી પાર્કિંગ પોલિસી લાગુ કરી છે. જે મુજબ એક મહિનો ફ્રી અને ત્યારબાદ ચાર્જ લાગશે. ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી છે. ગત વર્ષે સરકાર પાસેથી મંજૂરી મળી જતા તેને લાગુ કરવા માટે મનપાએ તૈયારીઓ શરુ કરી હતી. કયા રસ્તા ઉપર પાર્કિંગ કરવું અને ક્યાં ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે આજથી પાર્કિંગ પોલિસી લાગુ કાવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 15 રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં પાર્કિંગ કરવાનું રહેશે, જો અહીંના બદલે અન્ય કોઈ જગ્યા પર પાર્કિંગ કરવામાં આવશે, તો પાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે.

તમામ રસ્તા પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જ

સુરતમાં કલાક દીઠ વાહન પાર્કિંગ ચાર્જ લેવાનું નક્કી કરાયું છે. જે અમદાવાદમાં પણ થઈ શકે છે. અમદાવાદમાં 150 જેટલા પાર્કિંગ સ્થાનો છે જે મોટા ભાગે પાર્કિંગના સ્થાને દુકાનો બનાવી દીધી છે, જેમની પાસેથી આ રકમની લૂંટ ચલાવવામાં આવી રહી છે.

કલાક            3              6              9              12           24

થ્રી વ્હિલર       25            30            45            65           80

કાર              30            40            60            90           110

ટેમ્પો            40            60            80            110          130

ટ્રક              90            110          165          250          300

શાળાના માલિકો જવાબદાર

અમદાવાદમાં 80 ટકા ખાનગી શાળાઓમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ રસ્તા પર પોતાની ગાડીઓ પાર્ક કરે છે. 2 વર્ષમાં 211 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાહન પાર્ક કરવાની જગ્યા નથી. આવી 2 હજાર શાળાઓ છે.

એક કાર દીઠ 4 લાખનો પાર્કિંગ ખર્ચ

પાર્કિંગ મકાન બનાવવામાં એક કાર પાર્ક કરવા માટે રૂ.4 લાખનો ખર્ચ આવી રહ્યો છે. 28 કરોડના ખર્ચે કાંકરીયામાં 2013માં મલ્ટિલેવલ સ્માર્ટ પાર્કિંગમાં 600 કાર પાર્ક કરવાની ક્ષમતા સામે બહુ થોડા વાહનો પાર્ક થાય છે. આવા 10 જેટલાં મકાનો બનશે જેમાં બિલ્ડરોની સામે દંડ કરવાના બદલે પ્રજાના વેરાના નાણાં વાપરવામાં આવે છે.

પ્રજાને દંડ અને બિલ્ડરોને કંઈ નહીં

અમપાને અને પોલીસની સંયુક્ત જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શહેરભરમાં વિવિધ નિયમોનો ભંગ કરનારા સામે દંડ વસુલી રહી છે.  અમપા અને પોલીસની સંયુકત ટીમ આડેધડ પાર્કિંગ અને દબાણ માટે પ્રજા પાસેથી દંડ લે છે પણ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવનારને દંડ કે ગુનો દાખલ કરતાં નથી.

રસ્તા પર કેટલાં વાહનો પાર્ક થાય છે

ગુજરાતમાં 2.50 કરોડ વાહનોમાંથી 8 મહાનગરોમાં 50 લાખ વાહનો રસ્તાની વચ્ચે પાર્ક થાય છે. તેથી ટ્રાફિક જામ થાય છે. અમદાવાદમાં 10 લાખ વાહનો રસ્તા પર પાર્ક કરેલાં હોવાનો અંદાજ છે. રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તિવારી તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીને સાથે રાખી અમદાવાદ પોલીસ કમિશનરોને આ આદેશ કર્યા છે કે રસ્તા પરના વાહનો ઉઠાવો.

ધંધા ઘટી ગયા, હલ શું 

અમદાવાદમાં હવે રોડ પર પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી તેથી મોલને બાદ કરતાં રસ્તા પરની દુકાનોના ધંધા 80 ટકા ઘટી ગયા છે. પાર્કિંગની સમસ્યાનો હલ લાવવો હોય તો માલિકીના સ્થાને જ વાહનો પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં પાર્કિંગનો માલિકી હક ન હોય ત્યાં તે વાહન પાર્ક ન કરી શકે એવું જ્યાં સુધી જાહેરનામું બહાર નહીં પડાય ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આવું નહીં કરે અને પગલાં ભરશે તો સમસ્યા વકરશે. માસ ટ્રાન્સપોર્ટ ઉપાય છે. સીસીટીવીનો ઉપયોગ કરી ઈ ચલણ આપવા પડશે.

મોત માટે જવાબદાર

રસ્તા પર પાર્કિંગના કારણે મોત વધે છે. વર્ષે ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા 19 હજાર છે. અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા 7289 છે. ટ્રાફિક નિયમ ભંગના ગુના 57,168 સમગ્ર રાજ્યમાં બને છે, જેમાં રૂ.134 કરોડ વસૂલવામાં આવે છે, જેમાં રૂ.84 કરોડ ટ્રાફિક ભંગનો દંડ હોય છે. ગુજરાતમાં 7247 ટ્રાફિક પોલીસ છે. જે રસ્તા પર મૂકેલા વાહનોને દૂર કરવા પુરતી નથી.