ફિટ ઈન્ડિયાનાં ગાણાં ગાતા મોદીએ જ રાજ્યમાંથી વ્યાયમ શિક્ષકોનો એકડો કાઢી નાખ્યો

ગાંધીનગર, તા.02

ફિટ ઈન્ડિયા કાર્યક્રમ દેશભરમાં કેન્દ્રની ભાજપ સરકારે શરૂ કર્યો છે પણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે.

ઘડતર વિના બાળક શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત નહીં રહી શકે. શિક્ષકો 15 વર્ષથી ગાંધીનગરમાં આ રજૂઆત કરતા હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા દીધી ન હતી. 15 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે. જે મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી ભરતી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. વર્ષે રૂ.900થી 1 હજાર કરોડનો પગાર બચાવવા માટે આમ કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીએ ભરતી બંધ કરી

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કલા અને વ્યાયામ વિષય ફરજીયાત છે તેમ છતાં 2001થી કલા વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ છે. રોજમદાર તરીકે પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને શોષણ કરવામાં આવી રહ્યું છે. આરટીઇ કાયદા મુજબ કેન્દ્ર સરકારે ઉક્ત બંને વિષયના શિક્ષકોની ભરતી કરવા આદેશ કર્યો છે. પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગુજરાતમાં ૧૩,૭૬૯ શિક્ષકો ભરતી કરતા નથી. છેલ્લે વર્ષ-૨૦૦૯માં માત્ર ૨ ટકા જગ્યાઓ પર જ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.

પ્રવાસી શિક્ષક બનાવીને નર્યું શોષણ

રમશે ગુજરાત, સ્વસ્થ બનશે ગુજરાત ,સૂત્ર ભાજપની સ૨કારે ખેલસે ગુજરાત ૨મશે ગુજરાત એવું સૂત્ર આપ્યું છે. ખેલ મહાકૂંભ યોજાય છે પણ ખેલ શિખવનારા શિક્ષકો નથી. દરેક જિલ્લામાં 11 મહિનાના કરાર આધારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી.

એક વર્ગ લેવાના રૂ.50, કડીયા કરતાં ઓછા

એક દિવસના વધુમાં વધુ ૬ તાસ પ્રવાસી શિક્ષક લઇ શકે છે. જેમાં તાસ દીઠ રૂ. પ૦ માનદ્દ વેતન ચૂકવાય છે. આથી મહિનાના કામના રપ દિવસોમાં રૂ. ૭પ૦૦ માનદ્દ વેતન મળી શકે છે. સીપીએડ, બીપીએડ તરીકેનો અભ્યાસ કરનારા શિક્ષક ઓછા પગારમાં જોડાવવા ઇચ્છતા હોતા નથી. તેમાંયે તેઓએ સોંપાયેલી મુખ્ય શાળા ઉપરાંત આસપાસની શાળાઓમાં અવરજવરનો ખર્ચ જાતે કરવો પડે છે. આથી સાવ નજીવા મહેનતાણામાં પ્રવાસી શિક્ષક તરીકે જોડાવા તૈયાર નથી. કડીયા કામમાં પણ મજુરને રૂ.300થી રૂ.1000 રોજ મળે છે.

માધ્યમિક શાળાઓમાં ઘટ

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી છ હજાર વ્યાયામ શિક્ષકોની જગ્યાઓની ભરતી કરી નથી.

આંદોલન

રમતગમત વિધેયક વખતે વિધાનસભામાં ચાલુ વર્ષે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો હતો. ઉપવાસ, આવેદન, અર્ધનગ્ન હાલતમાં દેખાવો કરવામાં આવ્યા હતા. પીટી ટીચરના સર્ટિફિકેટને પાલનપુર સહિત રાજ્યના અનેક સ્થળે સળગાવવામાં આવ્યા હતા.

સરકારની જાહેરાત

વિધાનસભાની ચૂંટણી પહેલાં મતો મેળવવા માટે 2017માં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની ૧૧ માસના કરાર આધારે 3500 વ્યાયામ અને ચિત્રકલા શિક્ષકોની નિમણૂક કરાશે. માસિક રૂ.૯૦૦૦ જેટલું મહેનતાણું ર૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષમાં રૂા.૧૭ કરોડની મર્યાદામાં ચૂકવાશે.

બાળકો દેશી રમતો રમતા થયા

રમતો શિખવનારા કોઈ ન હોઈ બાળકો ૧૫થી વધુ દેશી રમત રમતા થઈ ગયા છે. હવે ગણિત દોડ, ચોરસ તાક, તાક ઝીલ, ભરમડા અને લખોટાની રમત તરફ બાળકો વળી રહ્યા છે. હોકી રાષ્ટ્રીય રમત હોવા છતાં તે શિખવવા માટે કોઈ શિક્ષકો નથી. હોકી માટેના મેદાનો નથી.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯

શારીરિક શિક્ષણ અને રમત ફરજીયાત કરાયું છે. ૩ થી ૮ વર્ષના બાળકોને પરંપરાગત ગોખણીયા શિક્ષણના બદલે રમત દ્વારા શિક્ષણ આપવા કહેવાયું છે. વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણના શિક્ષક, રમતના મેદાનો તેમજ સાધન સગવડો આપવી અને એક સ્કૂલ કોમ્પલેક્ષમાં આવતી દરેક શાળા માટે કોમન શિક્ષક, મેદાનો અને સાધન સગવડો માટે સરકાર દ્વારા અનુદાન આપવાનો આ નીતિમાં સમાવેશ કરાયો છે. શારીરિક શિક્ષક માટે ૪ વર્ષના બી.પી.એડ્. વ્યવસાયિક લાયકાત ફરજીયાત કરાઈ છે. શારીરિક, યોગ, રમત અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિમાં વિધાર્થીઓ ભાગ લે તેમજ સ્કૂલ કોમ્પલેક્ષની શાળાઓ વચ્ચે અને વિવિધ સ્કૂલ કોમ્પલેક્ષ વચ્ચે રમત સ્પર્ધાઓના આયોજન કરવામાં આવે એવું કહેવામાં આવ્યું છે. પણ શારીરિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું નથી.

કેટલી શાળા?

2012-13માં 42,447 પ્રાથમિક શાળાઓમાં 92 લાખ વિદ્યાર્થીઓ હતા, 2016-17માં 44,545 શાળામાં વિદ્યાર્થીઓ 90 લાખ થઈ ગયા છે. માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓની સંખ્યા પાંચ વર્ષમાં 10,406થી વધીને 11,478 થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 27.32 લાખથી ઘટીને 26.92 લાખ થઈ ગયા છે