ગાંધીનગર,તા:23 ગુજરાતમાં એક વર્ષમાં 2172 બાળકો ગૂમ થયાં છે જે પૈકી 1653 બાળકો પાછા મળી આવ્યા છે. જો કે બીજા વર્ષે પણ એટલી જ સંખ્યામાં બાળકો ગુમ થયાં હોવાનો પોલીસ રિપોર્ટ છે. પોલીસે બાળકોને શોધવા બાળ સેલ અને ઓપરેશન મુસ્કાન શરૂ કર્યું છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા ક્રાઈમ ઈન ઈન્ડિયા ના નવીનતમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સગીર બાળકો ગુમ થયાની રાજ્યભરમાં ફરિયાદો નોંધાઈ છે. 2017નો રિપોર્ટ દર્શાવે છે કે પોલીસ તપાસકર્તાઓ અને પરિવારના સભ્યો દ્વારા 23.9% કિસ્સામાં બાળકો શોધવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
કિડનેપિંગ અને અપહરણને સગીર વિરુદ્ધના સૌથી વધુ વારંવાર થતાં ગુના તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમાં 1,746 કેસ નોંધાયા છે. ગુજરાત પોલીસે બાળકોની હત્યાના 87 અને ભ્રૂણ હત્યાના 18 કેસો પણ નોંધ્યા છે. આ ઉપરાંત, રાજ્ય પોલીસે જાતીય ગુનાઓથી સંરક્ષણ (પીઓસીએસઓ) અધિનિયમ, ૨૦૧૨ હેઠળ પણ 1,704 કેસ નોંધ્યા હતા.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ગુજરાતમાં બાળકો સામેના ગુનાઓમાં વધારો થયો છે જે પૈકી અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ બાળકો ગુમ થયા છે.
ગુજરાતના ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે સરકારે ગુમ થયેલા બાળકો માટે અલગ બાળ સેલ સક્રિય બનાવ્યો છે અને દેશભરમાં પોલીસ દળો સાથે સંકલન કરે છે. ગુજરાતમાંથી ગુમ થયેલા કેટલાક બાળકો પાડોશી રાજ્યમાંથી પણ મળી આવ્યાં છે. તેવી જ રીતે બસ ડેપો અને રેલ્વે સ્ટેશનો પર પણ સર્વેલન્સને મજબૂત બનાવવામાં આવી છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાળકોના ગુમ થવાના કેસોમાં 20 ટકાનો વધારો થયો છે પરંતુ સેલની કાર્યવાહીને કારણે દૂર થયેલા મોટાભાગના બાળકો પાછા મળી આવે છે. 2017માં 2013, 2016માં 1681 અને 2015માં 1577 સગીર બાળકો ગુમ થયાં છે.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે સગીર આરોપીઓમાં મુખ્યત્વે ચોરી, લૂંટ અને હુમલો જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ચોંકીવનારી બાબત એવી છે કે હત્યાના કેસોમાં કુલ 67 સગીર આરોપીઓ હતા, જ્યારે 25 સગીર આરોપીઓ પર બળાત્કારના આરોપ છે.
ગુજરાતમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતાં ગુજરાત પોલીસે ‘ઓપરેશન મુસ્કાન’ શરૂ કર્યું છે. જેમા ગુમ થયેલા કે ભૂલા પડેલા બાળકોને શોધીને તેના પરિવારોને સુપ્રત કરવાની ઝૂંબેશ આદરવામાં આવી છે.
ગૃહ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે બાળકો ગુમ થવાના વિવિધ કારણો છે. જેમાં મુખ્યત્વે બાળકોને લોભ-લાલચ આપીને ઉપાડી જનારા પરિબળોની ભૂમિકા સૌથી વધુ છે. માનસ તસ્કરી સાથે સંકળાયેલી ગેંગો બાળકોને ઉપાડી જઈને તેને વેચી મારવાનો ધંધો કરે છે. તેના ખરીદનારા પરિબળોના પણ અલગ અલગ હેતુઓ હોય છે. બાળમજૂરી, ભિક્ષાવૃત્તિ કે ખેતમજૂરી માટે ખરીદેલા બાળકોનો ઉપયોગ થાય છે તો બાળકોઓ કિશોરીઓનો જાતીય હેતુઓ, વેશ્યાવૃત્તિઓ કે ગેરકાનૂની રીતે લગ્ન કરાવી દેવાની પ્રવૃત્તિ પણ થતી હોય છે.
ઘણાં બાળકો રિસાઈને, કોઈ મહત્ત્વકાંક્ષા માટે અથવા મંદબુદ્ધિનાં કારણે પણ ઘરેથી ભાગી જતા હોય છે. તો કેટલાક બાળકો સગીરવયે પ્રેમ પ્રકરણના સંદર્ભે ભાગી જતાં હોવાના કિસ્સાઓ બને છે. કેટલાક યુવાનો કિશોરવયની સગીર બાળકીઓને લલચાવી-ફોસલાવીને બદઈરાદે ભગાડી જતાં હોય છે.
આ પ્રકારનાં બાળકોની ભાળ મેળવવા પોલીસ વિભાગ અને મહિલા બાળકલ્યાણ વિભાગે અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન દરમ્યાન જે બાળકોની ભાળ મળી જાય તેને સુવિધાજનક રીતે સાચવીને તેના પરિવારજનોને સુપ્રત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યનાં તમામ શહેરો, જિલ્લાઓ અને ગ્રામ્યસ્તરની પોલીસ પરસ્પરનાં સંપર્કમાં રહે છે.