ગાંધીનગર,તા.24
આમ આદમી પર કાયદાઓનો કરડો કોરડો વીંઝતા સરકારી અધિકારીઓ એમ માને છે કે અમે તો કાયદાથી પર છીએ અને છડેચોક તેનું ઉલ્લંઘન કરી શકીએ છીએ. પરંતુ હદ ત્યારે થાય છે જ્યારે જે કાયદાના અમલીકરણની જવાબદારી જેમના શિરે છે તે જ અધિકારી તેનું ઉલ્લંઘન કરે. રાજ્યમાં બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી વાહન કમિશ્નરની છે. પરંતુ, અધિકૃત ન હોવા છતાં પણ તેઓ પોતાના વાહન પર સાઇરન લગાવીને ફરી રહ્યા છે અને નિણાર્યક સરકાર મુક પ્રેક્ષક બની જોઈ રહી છે.
સામાન્ય માણસ ઉપર Traffic નિયમોનાં ઉલ્લંઘન માટે તોતિંગ રકમ તાજેતરમાં થોપવામા આવી છે અને PUC અને હેલ્મેટ સિવાયની જોગવાઈઓનો તો અમલ શરૂ પણ થઈ ગયો છે. જો ભુલથી પણ ફોર વ્હીલ વાહન રોંગ સાઈડમાં ઘુસી જાય તો ઓછામાં ઓછો રૂપિયા ત્રણ હજારનો દંડ લેવામાં આવે છે. પરંતુ આ આકરા નિયમો ફક્ત આમ આદમી માટે જ છે. આ નિયમોનું પાલન ઓટો રિક્ષાવાળા, સરકારી વાહનો, પોલીસ વાહનો, સત્તાધારીઓ માટે જાણે કે છે જ નહીં.
હદ તો ત્યારે થાય જ્યારે કાયદાના અમલીકરણની જવાબદારી જેમના શિરે છે તે જ અધિકારી તેનું ઉલ્લંઘન કરે. કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ વાહન ઉપર સાઈરન લગાવવાની સત્તા મળતી હોય તે પદાધિકારીઓમાં વાહન કમિશ્નર નથી આવતાં. આમ છતાં પણ આપણા રાજ્ય વાહન કમિશ્નર રાજેશ માન્જુએ તેમના અધિકૃત સરકારી વાહન જી.જે ૧૮ જીએ ૫૫૫૫ પર સાઈરન લગાવી છે.
કેન્દ્ર સરકારના નિયમો મુજબ અધિકારીઓમાં આ સત્તા ફક્ત મુખ્યમંત્રીના અગ્ર સચિવને, રાજ્યના મુખ્ય સચિવને, મહેસૂલ વિભાગ અગ્ર સચિવને, રાહત કમિશનરને અને પૂર નિયંત્રણ કંટ્રોલ રૂમનાં વાહનને જ મળે છે. આ સિવાય કોઈ પણ સરકારી અધિકારીને તેનાં વાહન પર સાઇરન લગાવવાનો અધિકાર નથી. અને આ કાયદાના અમલીકરણની જવાબદારી વાહન કમિશ્નરની છે.
જ્યારે નિયમોનાં આ ઉલ્લંઘન અંગે લોકસત્તા જનસત્તાએ વાહન કમિશ્નર માન્જુને પુછ્યું તો તેમણે એક ઉચ્ચારણ રટ્યે રાખ્યું કે અમે તપાસ કરાવીશું. નવાઇ લાગે તેવી વાત એ છે કે જે વાત તમામના ધ્યાનમાં આવે છે તે ભાજપની નિણાર્યક સરકારના ધ્યાને કેમ નથી આવતી?
ગાંધીનગરમાં સચિવાલય અને બીજી ઘણી સરકારી કચેરીઓ આવેલી છે. આમાંના તમાંમ સ્થળોએ આજ પ્રમાણે ગેરકાનૂની રીતે ઘણા સરકારી વાહનો તેમજ ખાનગી વાહનો સાઇરન લગાવીને ફરી રહ્યા છે. ખબર નહીં ટ્રાફિક પોલીસનો દંડો આમાંના કોઈની ઉપર કેમ નથી ફરતો? તે જ રીતે રાજ્યમાં અનેક શહેરોમાં, નગરોમાં આવાં વાહનો બેરોકટોક ફરી રહ્યા છે અને વિજય રૂપાણીની નિણાર્યક અને પારદર્શક સરકાર, જે દાવો કરે છે કે તે જનહિતમાં સંવેદનશીલ છે તે મુક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.
સાઈરન કોણ લગાવી શકે?
કેન્દ્ર સરકારના નિયમો મુજબ રાજ્યમાં લગભગ ૭૦થી ૧૦૦ જેટલા અધિકારી, પદાધિકારીઓના વાહનો પર જ સાઈરન લગાવી શકાય છે. વાહન પર સાઈરન ફક્ત આ લોકો જ લગાવી શકે છે.
૧) રાજ્યપાલ
૨) કેબિનેટ મંત્રીઓ (હાલમાં ૧૨)
૩) રાજ્ય કક્ષાના મંત્રીઓ (હાલમાં ૧૨)
૪) નાયબ મંત્રીઓ
૫) ગુજરાત વિધાનસભા અધ્યક્ષ
૬) ગુજરાત હાઇકોર્ટેના તમાંમ જસ્ટિસ ( હાલમાં ?)
૭) મુખ્ય મંત્રીના સંસદીય સચિવ
૮) મુખ્યમંત્રીના અગ્ર સચિવ
૯) રાજ્યના મુખ્ય સચિવ
૧૦) મહેસૂલ વિભાગ અગ્ર સચિવ
૧૧) રાહત કમિશનર
૧૨) પૂર નિયંત્રણ કંટ્રોલ રૂમ
સરકારને કશું ખોટું દેખાતું જ નથી
૨૦૧૦મા જોડિયાના તે વખતના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારી અને ખાનગી વાહનો પર બિનઅધિકૃત રીતે સાઇરન લગાવીને ફરતા સરકારી અધિકારીઓ અને ઈસમો કોણ કોણ છે અને તેમની સામે શું પગલાં લેવામાં આવ્યાં. જેના જવાબમાં તે વખતના વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે આવી કોઈ બાબત ધ્યાનમાં આવી નથી અને તેથી પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.